જય મહારાજથી ભાષણની શરૂઆત કરતા મેદાનમાં અનેરો ઉત્સાહ છવાયો કોંગ્રેસની નવસર્જન યાત્રામાં રાહુલે હિન્દુ મતો રિઝવવા પાસા ફેંકયા
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે મધ્યમ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ દ્વારકાધીશના શરણમાં શિશ ઝુંકાવી શરૂ થયો હતો. જે અત્યારે મધ્ય ગુજરાત સુધી પહોંચ્યો છે. તેમણે આ પ્રવાસ દરમિયાન અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે. ગઈકાલે તેમણે નડિયાદમાં સંતરામ મંદિરમાં સમાધીસ્થાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહારાજશ્રી સાથે વાર્તાલાપ કર્યો હતો.
ત્યારબાદની સભામાં તેમણે ભાજપ ધાર્મિંકતાની ગુલબાંગો હાંકે છે પરંતુ મંદિરની જેમ સર્વ માટે દરવાજા ખુલ્લા રાખતી નથી. જયારે કોંગ્રેસના દ્વાર સહુ કોઈ માટે ખુલ્લા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત સરકારના દ્વાર માત્ર ઉદ્યોગપતિઓ માટે જ ખુલ્લા રાખવામાં આવે છે.
ભાજપના હિન્દુ મતોમાં ગાબડુ પાડવા માટે રાહુલ ગાંધી ઘણા સમયથી પ્રયત્નશીલ છે. તેમણે મંદિરોમાં શિશ નમાવી આશિર્વાદ લઈ હિન્દુઓના મત લેવાની તૈયારી કરી છે. કોંગ્રેસ મુસ્લિમ તરફી વલણ વધુ ધરાવતી હોવાની છાપના કારણે તે પુરતા હિન્દુ મતો લેવામાં નિષ્ફળ જાય છે. જેથી હવે કોંગ્રેસે સુર બદલ્યો છે અને જેમ બને તેમ વધુને વધુ હિન્દુ મતોને રિઝવવાની તૈયારી કરી છે.
ગઈકાલે રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત પણ જય મહારાજ સાથે કરી હતી. જેથી સભા સ્થળમાં દર વખત કરતા અલગ માહોલ છવાયો હતો. તેમણે કોંગ્રેસની સરકાર આવશે તો ધો.૧૨ સુધીનાને રૂ.૩ હજારનું ભથ્થુ, ગ્રેજયુએટને રૂ.૩૫૦૦નું અને પોસ્ટ ગ્રેજ્યુએટને રૂ.૪૦૦૦નું ભથ્થુ ચુકવવા તેમજ રોજગારી પૂરી પાડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જેમ સંતરામ મંદિરના દ્વાર સહુ કોઈ માટે ખુલ્લા છે. તેવી જ રીતે કોંગ્રેસ સરકારના દ્વાર પણ બધા માટે ખુલ્લા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે આપેલા વાયદાઓ પુરા કરવામાં નિષ્ફળ રહી છે.
તેમણે બોરસદ ખાતે લોકોને સંબોધતા કહ્યું હતું કે, દુનિયાભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ ઘટયા છે. ત્યારે ભારતમાં ભાવ વધ્યા છે, તે જ રીતે ગેસ મોંઘો થયો છે, મોંઘવારી વધી છે, દવાઓ મોંઘી થઈ છે ત્યારે આને વિકાસ કેવી રીતે કહીં શકાય. ભાજપ સરકારે ખેડૂતોની જમીનો લઈને ઉદ્યોગપતિને આપી છે. મોદી સરકારે ગત વર્ષે ઉદ્યોગપતિનું ૧.૩૦ લાખ હજાર કરોડનું દેવુ માફ કર્યું. જો કોઈ ખેડૂતોને દેવું કર્યું હોય તો તેને ડિફોલ્ટર કહેવામાં આવે છે અને લોન માફ કરાતી નથી. પરંતુ અમીરોને ડિફોલ્ટર નહીં પણ નોન પરર્ફોમીંગ એસેટ કહી માફ કરી દેવામાં આવે છે.