ડુંગળીના કિલો દીઠ ભાવ રૂ.૫૦ પહોંચે તેવી દહેશત
દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નાસીકના હોલસેલર ડુંગળીના વેપારીઓ માંગ અને સપ્લાય વચ્ચે રહેલા ગેપને કારણે ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ડુંગળીના ભાવ ૮૦ ટકા સુધી વધ્યા છે.
શુક્રવારે ડુંગળીના ભાવ પર કવીન્ટલે ૨૦૨૦ હતા જે સોમવારે ૨૪૫૧ થઈ ગયા હોવાનું નોંધાયું છે. એપીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ નાસીકમાં કિલો દીઠ ડુંગળીના ભાવ રૂ.૩૦ સુધી પહોંચી ગયા છે.
જે આગામી ત્રણ થી ચાર દિવસમાં રૂ.૩૫ થઈ જાય તેવી શકયતા છે. દેશના અન્ય ખુણે ડુંગળીના ભાવ રૂ.૫૦ સુધી પહોંચી શકે છે.
દેશના દક્ષિણના હિસ્સામાંથી ડુંગળીની માંગમાં ભરપુર વધારો જોવા મળી ર્હયો છે. પરિણામે નાસીકમાં હોલસેલ ભાવ વધ્યા છે. દિવાળી સુધી આ ભાવ વધારો બરકરાર રહેશે તેવું વેપારીઓનું માનવું છે. માર્ચ અને એપ્રિલમાં લેવાયેલી ડુંગળી માર્કેટમાં આવી પહોંચી છે. છતાં પણ ભાવમાં ઘટાડાની શકયતા ખુબજ ઓછી જણાય છે.