હવે ઓક્ટોબર 2023થી નિયમની અમલવારી થશે તેવી નીતિન ગડકરીની જાહેરાત
સરકારે અગાઉ કહ્યું હતું કે ઓક્ટોબર 2022થી તમામ નવી કારમાં 6 એરબેગ્સ ફરજિયાત કરવામાં આવશે. પરંતુ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ યુ-ટર્ન લીધો છે. નિતિન ગડકરી એ જણાવ્યું કે કારમાં ફરજિયાત 6 એરબેગ્સ રાખવાનો નિર્ણય એક વર્ષ માટે, એટલે કે ઓક્ટોબર 2023 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે એરબેગ્સની સપ્લાયની સમસ્યા હોવાના કારણે આ વર્ષે તેનો અમલ થઈ શકે તેમ નથી. કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી ગડકરીએ કહ્યું કે પેસેન્જર કારમાં 6 એરબેગ્સનો અમલ ઓક્ટોબર 2023થી કરવામાં આવશે જેનાથી પ્રવાસીઓની સેફ્ટીમાં વધારો થશે. જોકે, અત્યારે સમગ્ર વિશ્વમાં ઓટો ઈન્ડસ્ટ્રીમાં એરબેગ્સની સપ્લાયની અછત છે. તેથી આ નિયમનો અમલ ટાળવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે વાહનની કિંમત કે વેરિયન્ટ ભલે કોઈ પણ હોય, તેમાં સેફ્ટીને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવશે.
વિશ્વભરમાં ભારતમાં સૌથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં માર્યા જાય છે. ગયા વર્ષે ભારતમાં લગભગ 1.55 લાખ લોકો વાહન અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા હતા. ભારતમાં કારની સેફ્ટીના બદલે તે કેટલી સસ્તી પડે છે તેના પર વધારે ધ્યાન આપવામાં આવે છે જેના કારણે તેમાં એર બેગ્સ, અસરકારક બ્રેક વગેરેની ખામી જોવા મળે છે. આ ઉપરાંત રસ્તાની ખામીયુક્ત ડિઝાઈન અને બેફામ ડ્રાઈવિંગની આદત પણ અકસ્માતનું કારણ બને છે.
નિતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં જે ઓટો કંપનીઓ કાર બનાવે છે તેઓ નિકાસ કરવામાં આવતી દરેક કારમાં 6 એરબેગ આપે છે. પરંતુ ભારતમાં તેઓ ઈકોનોમિક મોડેલ પર ફોકસ કરે છે અને તેથી 6 એરબેગ્સ આપતા નથી. ઓટોમોબાઈલ કંપનીઓને ઈકોનોમિક કારના પેસેન્જરોના જીવનની કિંમત કેમ નથી તે સમજાતું નથી. મોટા ભાગે લોઅર મિડલ ક્લાસના લોકો નાની ઈકોનોમી કાર ખરીદતા હોય છે. તેમાં સેફ્ટીને ખાસ મહત્ત્વ અપાતું નથી. તેના કારણે દર કલાકે 18 લોકો વાહન અકસ્માતમાં માર્યા જાય છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં 11 ટકાથી વધારે મૃત્યુ સીટ બેલ્ટ ન બાંધવાના કારણે થાય છે.