નાના મવા આરોગ કેન્દ્ર પર સૌથી વધુ અસર: પ્રિસ્ક્રીપ્શન સ્લિપથી ગાડું ગબડાવાય છે
કોર્પોરેશનના 23 આરોગ્ય કેન્દ્રો પર કેસ પેપર ખલાસ થઇ ગયા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જેના કારણે જૂના કેસ ચેક કર્યા વિના જ દર્દીઓને નવી ચીઠ્ઠી લખી આપવામાં આવે છે. જેથી ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. કેસ પેપરનો ઓર્ડર આપવામાં ઢીલના કારણે મુસીબત ઉભી થઇ છે. હાલ પ્રિસ્ક્રીપ્શન આપી ગાડુું ગબડાવવામાં આવી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક મહિનાથી આરોગ્ય કેન્દ્રો પર કેસ પેપરની અછત છે. નવા કેસ પેપર છપાવવા માટે ઓર્ડર આપવામાં સ્ટોર વિભાગ દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ 1.50 લાખ જેટલા કેસ પેપર છપાવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જેમ-જેમ પ્રિન્ટિંગ થાય તેમ કેસ પેપરનો સ્ટોક મોકલવામાં આવી રહ્યો છે. પરંતુ નાના મવા આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓની સંખ્યા વધુ માત્રામાં રહેતી હોવાના કારણે અહિં વધુ અસર વર્તાઇ રહી છે.
જો કે આ સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય અધિકારીનું આજસુધી ધ્યાન દોરવામાં આવ્યું ન હતું. આજે જ્યારે ડો.જયેશ વંકાણીએ આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કેસ પેપરની અછતના કારણે દર્દીઓના જૂના કેસની વિગત મળતી નથી અને જૂનો કેસ ચેક કર્યા વિના જ નવી ચિઠ્ઠી લખી આપવામાં આવે છે. જેનાથી દર્દીઓમાં પણ થોડી નારાજગી જોવા મળી રહી છે.