વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી અભ્યાસથી વંચિત
અબતક,અજયસિંહ ઝાલા, લીંબડી
રાજ્ય સરકાર ગામડાઓ ભારે વરસાદ ના કારણે ઉભી થયેલી સમસ્યા હલ કરવા તાકીદ ના ધોરણે કામ હાથ ધરી લોકોની મુશ્કેલી દૂર કરવા વાર્ષિક ભાવ ના કામો કરવા કરોડો રૂપિયા ફાળવે છે પણ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ તાલુકાઓના આપાત્તકાલીન કામો મંજુર કરવામાં જાણે તંત્ર દ્વારા લીંબડી તાલુકાના કામો ને મંજૂરી આપવામાં વ્હાલા દવલા ની નિતી અપનાવતા હોય એમ અનેક ગામડાઓ રોડ રસ્તા નાળા ક્રોઝવે બિસ્માર હાલતમાં હોવા હજુ સુધી મંજૂરી ન મળતા અંતે તો લોકો ગ્રામ્ય જનો પરેશાન થઈ રહ્યા છે.
લીંબડી થી જાંબડી ગામને જોડતો રસ્તો ભારે વરસાદ પડવાના કારણે ધોવાઇ જતા છેલ્લા ચાર દિવસથી વિદ્યાર્થી રૂટની એસ.ટી ન આવતા તાલુકા કક્ષાએ ઉચ્ચ અભ્યાસ માટે જતાં જાંબડી ગામના વિદ્યાર્થીઓ 3 દિવસથી ખરાબ રસ્તાને કારણે એસ.ટી બસ ન આવતા અભ્યાસથી રહ્યા વંચિત રહ્યા છે. લીંબડી તાલુકાના આવા તો અનેક ગામડાઓ છે જ્યાં રસ્તા ના વાંકે વિદ્યાર્થી રૂટની એસ.ટી સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ રસ્તા બને તો લીંબડી હાઇવે થી નળકાંઠા તરફ આવતા લોકોને વધુ અંતર કાપવું ન પડે. આનુ કામ શરૂ કરવામાં માટે અનેક વખત રજુઆતો કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ન ધરાતા અંદાજે 17 થી વધુ ગામડાઓના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું લીંબડી તાલુકાના કામો ને ક્રમશ: મંજૂરી આપવામાં આવે છે.