- બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સુરત એરપોર્ટ પર અભિવાદન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
- સુરતમાં 3472.54 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત: ભાવનગરમાં
- વિશ્ર્વના પ્રથમ સીએનજી ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનું ભૂમિપુજન કરશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન એકાદ માસમાં થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. માદરે વતન ગુજરાતનો ગઢ ફરી ફતેહ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઇ શાહે ખુદ મોરચો સંભાળી લીધો છે. મિશન ગુજરાતને પાર કરવા આજથી ફરી વડાપ્રધાન બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓના હસ્તે અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે. દરમિયાન સુરત અને ભાવનગરમાં પીએમ દ્વારા વિશાળ રોડ-શો યોજવામાં આવ્યા હતા અને જંગી જાહેરસભા સંબોધી હતી. આજે સવારે પીએમનું સુરત એરપોર્ટ પર આગમન થતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આજે સવારે સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. દક્ષિણ ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે સુરતમાં પીએમએ વિશાળ રોડ-શો યોજ્યો હતો ત્યારબાદ રૂા.3472.54 કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત કર્યું હતું. મહત્વકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કર્યું હતું. જ્યારે 139 કરોડના ખર્ચ નિર્માણ પામનારા નવા બાયો ડાયવર્સિટી પાર્કનું પણ ભૂમિપુજન કર્યું હતું. સુરત ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બપોરે વડાપ્રધાનનું ભાવનગરમાં આવશે. અહીં વિશાળ રોડ-શો કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. ભાવનગર ખાતે નિર્માણ પામનારા વિશ્ર્વના પ્રથમ સીએનજી ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. સીએનજી પોર્ટ 4024 કરોડના રોકાણ સાથે ક્લિન એનર્જીથી ઉર્જાની માંગને પહોંચી વળશે. સાંજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે અને રાત્રે 9 કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં ખાસ હાજરી આપશે.
આજે સુરત અને ભાવનગરમાં વિશાળ રોડ-શો સાથે વડાપ્રધાને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બનાવી દીધો છે. પીએમ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજે તેવી સંભાવના પણ જણાય રહી છે.
ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન દ્વારા આવતીકાલે સવારે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ આપશે. ખુદ નરેન્દ્રભાઇ આ વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો આનંદ ઉઠાવશે. તેઓ આ ટ્રેન મારફત અમદાવાદના કાલુપુર સ્ટેશન પર આવશે. 12 હજાર કરોડથી પણ વધુ ખર્ચ તૈયાર થયેલા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરશે. મેટ્રોના પ્રથમ ફેસનો રૂટ થલતેજથી વસ્ત્રાલ સુધી રાખવામાં આવ્યો છે.
આવતીકાલે બપોરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનાસકાંઠાના દાંતા શહેરની મુલાકાત લેશે. બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વિવિધ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા 61805 આવાસનું પણ ભૂમિપૂજન અને લોકાર્પણ કરાશે. તારંગા હિલથી આબુ રોડ બ્રોડ ગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરાશે. અંબાજીમાં પણ જાહેરસભા સંબોધશે અને ગબ્બર ખાતે મહાઆરતીમાં સામેલ થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસથી ભાજપના કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહનો સંચઇ થશે. આગામી 10 અને 11 ઓક્ટોબરના રોજ ફરી પીએમ ગુજરાતના પ્રવાસે આવશે.