સુત્રાપાડામાં ત્રણ, માળીયા હાટીના, ઉપલેટા, ઉના, ભાવનગર, કોડીનારમાં એક ઇંચ વરસાદ
ગુજરાતમાં 118 ટકાથી વધુ પાણી વરસાવ્યા બાદ પણ મેઘરાજા હજી વિરામ લેવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 49 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી જતા પ્રાચિન અને અર્વાચિન રાસોત્સવના આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાય ગયા છે. સુત્રાપાડામાં આષો માસમાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ સાંબેલાધારે ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 49 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં અનરાધાર 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો.
આ ઉપરાંત ચીખલીમાં સવા ઇંચ, માળીયા હાટીનામાં સવા ઇંચ, ઉપલેટા, ઉના, ઓલપાડ, ભાવનગર, કોડીનારમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 118.46 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 185.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.87 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 93.32 ટકા, સૌરાષ્ટ્રમાં 108.96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 131.64 ટકા વરસાદ પડ્યો છે.
નવરાત્રિમાં પણ મેઘરાજાએ કેડો ન મૂકતા હવે ચિંતાનો માહોલ ઉભો થયો છે. બે વર્ષ બાદ નવરાત્રિની ઉજવણી થઇ રહી છે. ત્યારે પ્રથમ નોરતાથી મેઘાએ વિઘ્ન ઉભુ કરતા પ્રાચિન અને અર્વાચિન રાસોત્સવના સંચાલકા ેમાં ચિંતા ઉભી થવા પામી છે.