નવરાત્રિ દરમિયાન લોકોના આરોગ્ય અને સુખાકારી,શક્તિ અને ભક્તિમાં દિવ્યતાથી વધારો થાય અને ધન્યતા પ્રાપ્ત કરે
રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને આજથી શરૂ થતા માં આધશકિતના પાવન એવા નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવેલ કે નવરાત્રિના દિવસો એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો. આસો સુદ એકમ થી નોમ સુધીના નવ દિવસો દરમ્યાન આસુરી વૃતિને ડામવા માં શક્તિની આરાધના-ઉપાસના થકી ભકતજનો પોતાની આંતરિક ઉર્જામાં વધારો કરે છે. દૈવી શકિતને જગદંબા, દુર્ગા, અંબા, અંબિકા કે ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે.
માતાજીના ભકતો નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરે છે અને નવ દિવસના ઉપવાસ કરે છે. શકિતની આરાધના કરે છે. ત્યારે ચોમાસાની ઋતુમાં ભેજયુકત વાતાવરણમાં ઉતમ સ્વાસ્થ્ય માટે ઉપવાસ ઉતમ છે. નવરાત્રિમાં ઉપવાસ કરવાથી, ફળાહારથી શરીર શુધ્ધિ થાય છે. મહાભારત કાળમાં મહર્ષિ વ્યાસે પણ પાંડવોને ધર્મના મૂલ્યો ટકાવવા માટે શકિતની ઉપાસનાનું મહત્વ સમજાવેલ હતું. નવરાત્રિમાં શકિત ઉપાસના થકી સંગઠન શકિત વધે છે. સૌ સંગઠિત થઈને ગરબા કે રાસરૂપે દેવીની આસપાસ ઘુમી ગરબાના તાલે નૃત્ય કરે છે. અને સંગઠનમાં જ શકિત અને ભકિતનો સમન્વય જોવા મળે છે.
રાસ-ગરબા અને નૃત્ય દ્વારા શુધ્ધ આનંદની અભિવ્યકિત થાય છે. ગરબાના તાલે ઝુમવાથી શરીરનો મેદ ઓગળે છે ત્યારે નવરાત્રિમાં શકિત, સ્વાસ્થ્ય અને સંગીત ત્રણેનો ત્રીવેણી સંગમ થાય છે.ત્યારે નવરાત્રિ દરમ્યાન ગુજરાતની અસ્મિતાની ઓળખ સમાન ગરબા માં પ્રત્યેક ગુજરાતી જયારે સોળે કળાએ ખીલી માતાજીની ભકિત અને ગરબાના શબ્દે-શબ્દે તાનમાં આવી થનગનાટ કરે છે. નવરાત્રિ દરમ્યાન સર્વે ગ્રામજનોના આરોગ્ય ,સુખાકારી અને ભકિત મા દિવ્યતાથી વધારો થાય અને માં ભગવતી ની કૃપા સર્વે ગ્રામજનો પર રહે એવી માતાના ચરણોમાં પ્રાર્થના સાથે રાજકોટ જિલ્લાના સર્વે ગ્રામજનોને સોમવારથી શરૂ થતા માં આદ્યશકિતના પાવન એવા નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ જણાવેલ હતું.