હાઉસીંગ કોલોનીમાં બહારના બદલે અંદર પાર્કિંગની જગ્યામાં બનાવેલી દુકાનો ખરીદનારનો સોસાયટીમાં બહિષ્કાર કરવા અને કાનૂની પગલા ભરવાની ચેતવણીના બેનર લગાવાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ આવેલ મુંજકા ગામમાં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા લોઅર ઈન્કમ ધરાવતા મધ્યમવર્ગીય ૪૧૬ પરિવારો માટેની આવાસ કોલોની બનાવવામાં આવી છે. જેમાં ૧૩ માળનાં ચાર ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અનેક ક્ષતિઓનો હજૂ નિવેડો આવ્યો નથી ત્યાં પાર્કિંગની જગ્યામાં બનાવાયેલી ૧૬ દુકાનોની હરરાજી/વેચાણ કરવા સામે ફરી વખત ૪૧૬ પરિવારોએ વિરોધ નોંધાવ્યો છે.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આવાસ યોજનાની અંદરની બાજુએ પાર્કિંગની જગ્યામાં ૧૬ દુકાનો બનાવી નાખવામાં આવી છે, જે નિયમ વિરુધ્ધ હોવાનું સ્પષ્ટ તારણ નીકળે છે. કારણ કે, સરકારી હાઉસીંગ યોજનામાં કમ્પાઉન્ડની બહાર કોમર્શિયલ દુકાનો બનાવાય છે, પણ ક્યાંય રેસીડેન્ટ એરીયાનાં પ્રિમાઈસીસમાં તો કોમર્શિયલ દુકાનો બનાવાતી જ નથી. જયારે મુંજકા આવાસ યોજનામાં તો ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા કમ્પાઉન્ડની બહારને બદલે અંદરની બાજુએ રેસીડેન્ટ એરીયાના પ્રિમાઈસીસની પાર્કિંગની જગ્યામાં જ ૧૬ દુકાનો બનાવીને ૪૧૬ લાભાર્થીઓનો વિરોધ હોવા છતાં પણ હરરાજીની કાર્યવાહી શ‚ કરી દેવામાં આવી છે, જે ૪૧૬ લાભાર્થી ફલેટ ધારકોનાં હીતની વિરુધ્ધ છે અને કાયદાકીય રીતે પણ યોગ્ય નથી.મુંજકા આવાસ યોજનાનાં ૪૧૬ ફલેટ ધારક લાભાર્થી પરિવારોની રજૂઆત છે કે રહેણાંક હેતુ માટેની આવાસ સોસાયટીના પ્રિમાઈસીસમાં બનેલી ૧૬ કોમર્શિયલ દુકાનો પૈકીની કોઈપણ દુકાનની હરરાજી/વેચાણ કરી દેવાશે તો બહારની કોઈપણ વ્યક્તિઓની અવર-જવર ચાલુ થઈ જશે, જે ૪૧૬ ફલેટ ધારક લાભાર્થી પરિવારોની સલામતી/સુરક્ષાને જોખમમાં મુકી દેવા બરાબર ગણાશે. જવાબદાર તંત્ર વાહકો દ્વારા તાકિદના ધોરણે યોગ્ય અને હકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો કાનૂની લડત આપવા ઉપરાંત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ અમોને ફરજ પડશે જેના સારા-માઠા પરિણામની જવાબદારી જવાબદાર તંત્ર વાહકોની રહેશે. જો કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સંગઠન દ્વારા અહીં એક પણ દુકાન ખરીદીને કે ભાડે કે અન્ય કોઈપણ રીતે લેવામાં આવશે તો અમારા મત પ્રમાણે ગેરકાયદે ગણીને બહિષ્કાર/વિરોધ કરાશે અને કાનૂની કાર્યવાહી કરાશે.રાજય સરકારે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે મુંજકા આવાસ યોજનામાં રહેણાંકનો પ્રિમાઈસીસમાં પાર્કિંગની જગ્યાએ બનેલી ૧૬ દુકાનોની હરરાજીમાંથી થનાર મામુલી આવકની લાલચ ત્યજીને ૪૧૬ આવાસના મધ્યમવર્ગીય લાભાર્થી પરિવારોની સલામતીની બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ અને સમગ્ર પરિવારના હિતને મહત્વનું ગણી સૌપ્રથમ હાલમાં શ‚ કરાયેલી હરરાજીની પ્રક્રિયાને અટકાવી/રદ કરી દેવી જોઈએ અને બાદમાં વહેલીતકે આવાસ કોલોનીની અંદર પાર્કિંગની જગ્યાએ બનેલી ૧૬ દુકાનો કાઢી નાખીને ત્યાં પાર્કિંગ સ્પેશ ખુલ્લુ કરી આપવું જોઈએ એવી તમામ લાભાર્થી પરિવારોની માગણી છે. કલેકટરથી માડીને વડાપ્રધાન સુધી પણ આવેદનપત્ર મોકલાયા છે.