ડ્રેશનું માપ લેવા બોલાવી હવસખોર શખ્સે આચર્યું કૃત્ય
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતાં અને દરજી કામ કરતાં એક સંતાનના હવસી પિતાએ 13 વર્ષની એક સગીરાને ડ્રેસનું માપ લેવાના બહાને બોલાવી હતી. બાદમાં શારીરિક અડપલા કરતાં સગીરા ગભરાઇ પોતાના ઘરે ભાગી ગઈ હતી અને આ વાત તેના ઘરના લોકોને કરતા આ હવસખોર શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી પોલીસે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદ પરથી રેલનગરની એક ટાઉનશીપમાં રહેતાં 40 વર્ષના શૈલેષ ભલગામડીયા નામના શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
વિગતો મુજબ ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પરિવાર સાથે રહું છું અને ચાર સંતાન છે. ગત બુધવારે સાંજે સાડા ચારેક વાગ્યે જાગૃતિબેને કહ્યું કે, તમારી દીકરીને દરજી કામ કરતાં શૈલેષભાઇ ડ્રેસનું માપ લેવા બોલાવે છે. આથી મારી 13 વર્ષની દીકરી ડ્રેસનું માપ દેવા ગઈ હતી તેની સાથે મારી નાની 12 વર્ષની દીકરી પણ ગઇ હતી. થોડીવાર પછી હું પણ શૈલેષભાઇના ઘરે જવા નીકળી ત્યાં મને સામે જ બે દીકરી મળી હતી. જેમાં 13 વર્ષની દીકરી ખૂબ ગભરાઇ ગયેલી હાલતમાં હતી. મેં તેને શું થયું તેમ પૂછતાં તેણે રડતાં રડતાં કહ્યું હતું કે, શૈલેષભાઇએ મારા ડ્રેસનું માપ લેતી વખતે મારી સાથે અડપલા કર્યા છે. મેં તેને આ શું કરો છો? એવું પૂછતાં તેણે ‘તું શાંતિથી ઉભી રહે’ તેમ કહી બીજીવાર હાથથી અડપલા કરવાનું ચાલુ કરતાં હું ગભરાઇને ભાગી આવી છું.દીકરીએ રડતાં રડતાં આ વાત મને કરતાં હું શૈલેષભાઇના ઘરે ગઇ હતી અને કહ્યું હતું કે શા માટે મારી દીકરીને વારંવાર માપ લેવા બોલાવો છો? જેથી તે રૂમમાં જતો રહ્યો હતો.
જેથી આ વાતની જાણ મેં મારા પતિને કરતા પોલીસમાં ફરિયાદ નોધાવી છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એકાદ મહિના પહેલા પણ આ શખ્સ એક સગીરા સાથે અડપલા કર્યા હતાં. પરંતુ જે-તે વખતે ભોગ બનનાર બાળાના પરિવારે ફરિયાદ કરી નહોતી. શૈલેષ એક સંતાનનો પિતા છે અને આજે જે સગીરા સાથે અડપલાં અંગે ફરિયાદ નોંધાતા પોલિસે તેની શોધખોળ હાથધરી હતી.