મેટાબોલિક સિન્ડ્રોમને નિયંત્રિત કરી કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, સ્ટ્રોક, હાઈપરટેન્શન, હાઈ બ્લડ સુગરથી છુટકારો મેળવી શકાય !!
અબતક, નવી દિલ્લી
પ્રોટીન એ શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક છે. પ્રોટીન પોતે શરીરના વિકાસમાં સહભાગી છે પરંતુ જો આ પ્રોટીનનો ખોરાક મર્યાદિત રાખવામાં આવે તો વ્યક્તિ સ્થૂળતાથી છુટકારો મેળવી શકે છે. એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આટલું જ નહીં, સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે આહારમાં પ્રોટીનની માત્રાને મર્યાદિત કરીને મેદસ્વીતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર માટે જવાબદાર મેટાબોલિક સિન્ડ્રોમને નિયંત્રિત કરી શકાય છે. સંશોધકોનો આ અભ્યાસ ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયો છે. મેટાબોલિક સિન્ડ્રોમ એવી સ્થિતિ છે જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હાઈ બ્લડ શુગર, કમરની આસપાસની ચરબીનું જોખમ વધારે છે. જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ પણ વધે છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મુખ્ય સંશોધક રાફેલ ફરાજ બેનિત્ઝે જણાવ્યું હતું કે, અભ્યાસ દર્શાવે છે કે પ્રોટીનને 0.8 ગ્રામ પ્રતિ કિલોગ્રામ શરીરના વજનમાં ઘટાડવાથી સ્થૂળતા ઘટાડવામાં અપેક્ષિત પરિણામો મળે છે. જો કે, આમાં કેલરીમાં ઘટાડો થયો ન હતો. એટલે કે શરીરને જરૂરી કેલરીનો જથ્થો આપવામાં આવ્યો હતો પરંતુ પ્રોટીન ઓછું થયું હતું. અભ્યાસમાં મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા 21 સહભાગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમને 27 દિવસ માટે નિયંત્રણ આહાર આપવામાં આવ્યો હતો. સમગ્ર અભ્યાસ દરમિયાન આ સહભાગીઓને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને તેમની આરોગ્ય પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં આવી હતી. બધા સહભાગીઓને આપવામાં આવેલી કેલરીની સંખ્યા ગણવામાં આવી હતી.
સંશોધકોએ સહભાગીઓના બે જૂથો બનાવ્યા. પ્રથમ જૂથને 50 ટકા કાર્બોહાઇડ્રેટ્સ, 20 ટકા પ્રોટીન અને 30 ટકા ચરબીનો સમાવેશ થતો પશ્ચિમી આહાર આપવામાં આવ્યો હતો. તેમની કેલરીની માત્રામાં 25 ટકાનો ઘટાડો થયો હતો. બીજા જૂથને માત્ર 10 ટકા પ્રોટીન આપવામાં આવ્યું હતું. જોકે તેમને પૂરતી કેલરી આપવામાં આવી હતી. બંને જૂથોને દરરોજ 4 ગ્રામ મીઠું પણ આપવામાં આવ્યું હતું. અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું છે કે બંને જૂથના લોકોનું વજન ઓછું થયું છે. શરીરની વધારાની ચરબીમાં ઘટાડો જોવા મળ્યો હતો અને મેટાબોલિક સિન્ડ્રોમના લક્ષણોમાં પણ ઘટાડો થયો હતો. જેનાથી બ્લડ શુગર, લિપિડ અને બ્લડ પ્રેશર પણ ઓછું થયું હતું. અભ્યાસના લેખક મારિયા ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે 27 દિવસ પછી બંને જૂથના લોકોએ કમરની આસપાસની ચરબી ઓછી કરી હતી, પરંતુ બોડી માસમાં કોઈ ફરક નહોતો. આનો અર્થ એ છે કે આહારને નિયંત્રિત કરીને મેટાબોલિક સિન્ડ્રોમ સરળતાથી ઘટાડી શકાય છે.