કેદીઓના આપઘાત, આત્મહત્યાની કોશિશ, જેલમાંથી સીમકાર્ડ સહિતની પ્રતિબંધીત વસ્તુ મળી આવવા સહિતની ઘટનાથી સંજોગોના કારણે જેલવાસ ભોગવતા અને રીઢા અપરાધી વચ્ચેનો ભેદ પારખવો જરૂરી
સમાજમાં રહેવા યોગ્ય નથી તેવા શખ્સોને જેલમાં ધકેલવાની કાયદામાં રહેલી જોગવાઇ અતિ આવશ્યક છે. પરંતુ ક્ષણિક ગુસ્સો અને આવેશમાં આવી સંજોગોનો કારણે આચરેલા ગુના અપરાધી અને ધાક જમાવવા તેમજ આર્થિક ફાયદા માટે કરેલા જધન્ય અપરાધીઓનો મોટો સમુહ જેલમાં હોય છે. જેલમાં કેદીઓને સુધારા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે. કારાવાસમાં રહેલા કેદીઓની કેર કરવા માટે માનવ અધિકાર પણ સક્રીય રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં જેલવાસ ભોગવતા કેટલાક કેદીઓ શા માટે આપઘાત કરે છે. તેવો સવાલ થઇ રહ્યો છે. બીજી તરફ રીઢા ગુનેગારો પાસે કંઇ રીતે સીમકાર્ડ સહિતની પ્રતિબંધીત ચિજવસ્તુ સરળતાથી મળી રહે છે તે અંગે ઉંડી તપાસ કરી રીઢા ગુનેગારોથી સમાજને સુરક્ષા પ્રદાન કરવા અને સંજોગોનો ભોગ બની જેલમાં ધકેલાયા કેદીઓની સલામતી અને સુરક્ષા અંગે વ્યવસ્થા ઉભી કરવાનો સમય પાકી ગયો છે. કેટલાક કેદીઓ જેલમાં વૈભવી મહેલ જેવી સગવડ ભોગવી રહ્યા છે. જેલમાં માસ-મદીરાની મહેફીલ યોજવા સહિતની ઘટનાથી જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટ જેલના કેદીનો આપઘાત બાદ બીજા દિવસે પણ કેદીએ દવા પીધી
રાજકોટની સગીરાના અપહરણના ગુનામાં ઝડપાયેલા લોહાનગરના દિપક દિનેશ ચારોલીયા નામના શખ્સને ત્રણ માસ પહેલાં જેલ હવાલે કરાયા બાદ જેલની બેરેકના બાથરૂમમાં ટૂવાલની મદદથી ગળાફાંસો ખાઇ લીધાની ઘટનાની તપાસ ચાલી રહી છે. ત્યાં રાજકોટમાં સ્પા સંચાલક આશિષ દિનેશ મારડીયા નામના યુવાન સામે એટ્રોસિટીનો ગુનો નોંધાતા જેલ હવાલે થયા બાદ ઝાડા થવાની વધુ પડતી દવા ખાઇ લેતા સારવાર
માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હત્યાના ગુનામાં જેલમાં રહેલા હાર્દિકસિંહ અને ભીખા સાથે મજાક મસ્તીમાં ઝાડા થવાની દવા ખાધાનું આશિષ મારડીયાએ જણાવ્યું છે.
વડોદરા જેલના સાત કેદીઓએ કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ
વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહેલા જુદા જુદા ગુનામાં સંડોવાયેલા સાત કેદીઓએ જેલ સતાધિશોના ત્રાસથી કંટાળી ફિનાઇલ ગટગટાવી લેતા સાતેય કેદીઓને સયાંજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વડોદરા જેલના અધિકારીઓ દ્વારા સમયસર ભોજન ન આપી ત્રાસ ગુજારતા હોવાના આક્ષેપ સાથે હર્ષિલ લીંબાસીયા, અભિ આનંદ ઝા, માજીદ ભાણ, સલમાનખાન પઠાણ, સાજીદ અકબર કુરેશી, સાહેબ કુરેશી અને અન્ય એક કેદીએ જેલ સફાઇ માટે લાવવામાં આવેલું ફિનાઇલ ગટગટાવી લેતા સાતેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સાબરમતી જેલમાં ડ્રગ્સના ગુનાના કેદી પાસેથી સીમ કાર્ડ મળ્યું
મુંબઇના જોગેશ્ર્વરી ઇસ્ટમાં રહેતા સુલતાન શેખ નામનો શખ્સ એક સપ્તાહ પૂર્વે જ ડ્રગ્સ સાથે ઝડપાતા તેને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યોહતો. સુલતાન શેખ પાસે મોબાઇલનું સીમ કાર્ડ હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્કવોર્ડના જેલ દેવશીભાઇ કરંગીયા સહિતના સ્ટાફ દ્વારા કરાયેલી અંગ જડતી દરમિયાન તેની પાસેથી સીમ કાર્ડ મળી આવતા રાણીપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અગાઉ 12 ઓગસ્ટના રોજ કુખ્યાત અઝહર શેખ ઉર્ફે અઝહર કીટલીના બેરેકમાંથી મોબાઇલ મળી આવ્યો હતો.