બે ટેનીશ કોર્ટ, એક બાસ્કેટ બોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, સ્કેટીંગ રીંગ, 1200 લોકો બેસી શકે તેવું ઇન્ડોર સ્ટેડિયમ, મલ્ટી ગેમ કોર્ટ, બે સ્કોવોશ કોર્ટ અને 6 ટેબલ ટેનીસ કોર્ટ, જીમ, યોગા સેન્ટર, શૂટિંગ રેન્જ, ચેસ અને કેરમ જેવી રમતો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
મેયર ડો.પ્રદિપભાઇ ડવના મતવિસ્તાર એવા વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં પ્રગટેશ્ર્વર રોડથી પાળ રોડની વચ્ચે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 22.33 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જેમાં એક સાથે 1200 લોકો બેસીને વિવિધ રમતનો આનંદ ઉઠાવી શકે તે પ્રકારનો વિશાળ ઇન્ડોર સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. દરમિયાન શહેરના વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં પ્રગટેશ્ર્વર રોડ અને પાળ રોડની વચ્ચે રામધણ આશ્રમની ડાબી તરફ કોર્પોરેશનના વિશાળ પ્લોટમાં અંદાજે 11831 ચો.મી.ના ક્ષેત્રફળમાં 22.33 કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ કામ માટે રૂ.19.80 કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ પાંચ એજન્સીઓની ઓફર આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ચાર એજન્સી ક્વોલીફાય થઇ હતી. આ કામ 13.13 ટકા ઓન સાથે ગુરૂકૃપા ક્ધસ્ટ્રક્શન કંપની દ્વારા કરી આપવાની ઓફર આપવામાં આવી હોય તે કંપની એલ-1 હતી. તેની સાથે વાટાઘાટા કર્યા બાદ આ કામ 13 ટકા ઓનથી કરી આપવાની તૈયારી દર્શાવી હતી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.22.33 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે અંગે કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ઇન્ડોર સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા, બે ટેનીસ કોર્ટ, એક બાસ્કેટ બોલ કોર્ટ, એક વોલીબોલ કોર્ટ અને સ્કેટીંગ રીંગનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત કોમન એડમિનીસ્ટ્રેશન એરિયા, વેઇટીંગ એરિયા, 1200 લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળું ઇન્ડોર સ્ટેડિયમ, પ્લે ગ્રાઉન્ડ કે જેમાં બેડમિન્ટનની રમત માટે છ કોર્ટ અને એક મલ્ટીગેમ કોર્ટ, બે સ્કવોશ કોર્ટ, છ ટેબલ ટેનીસ કોર્ટ અને મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ હોલનું નિર્માણ કરવામાં આવશે. પ્રથમ માળે મહિલાઓ અને પુરૂષો માટે 21ડ્ઢ8 મીટરના અલગ-અલગ બે જીમ, મહિલાઓ અને પુરૂષો માટે 20ડ્ઢ8 મીટરના યોગા સેન્ટર, મહિલા અને પુરૂષ માટે 28 મીટર બાય 8 મીટરનું શૂટિંગ રેન્જ હોલ અને 14 મીટર બાય 8 મીટરના બે ચેસ કેરમની રમત માટે હોલનું નિર્માણ કરવામાં આવશે.
સ્પોર્ટ્સ સંકુલમાં આવી સુવિધાઓ હશે
કોર્પોરેશન દ્વારા શહેરના મવડી વિસ્તારમાં 22 કરોડથી પણ વધુના ખર્ચે 11831 ચો.મી. ક્ષેત્રફળમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ એવા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં 9500 ચો.મી.ક્ષેત્રફળનું બાંધકામ કરવામાં આવશે. એક સાથે 1200થી વધુ પ્રેક્ષકો બેસીને વિવિધ રમતો નિહાળી શકે તેવું વિશાળ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે. ઓપન ગ્રાઉન્ડમાં વિશાળ પાર્કિંગની સુવિધા ઉ5લબ્ધ કરવામાં આવશે. હાલ 36મી નેશનલ ગેમ્સ માટે રાજકોટ હોકી અને સ્વિમીંગ એમ બે ગેમ્સની યજમાની કરવાનું છે. દરમિયાન હવે મવડી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થતા આગામી દિવસોમાં રાજકોટને અનેક રમતોની યજમાની કરવા માટે સંપૂર્ણરીતે સક્ષમ બની જશે. રાજકોટના રમતવીરો માટે આ એક નવલું નજરાણું બની રહેશે. સાથોસાથ તેઓને વિવિધ રમતોમાં પોતાનું હિર ઝળકાવવા માટેનું પ્લેટફોર્મ પણ પ્રાપ્ત થશે. ટેનીસની રમત માટે બે ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ માટેની એક કોર્ટ, વોલીબોલ માટેની એક કોર્ટ, સ્કેટીંગ રીંગ, કોમન એડમીનસ્ટ્રેશન અને વેઇટીંગ એરિયા, પ્લે ગ્રાઉન્ડ, મલ્ટી ગેમ કોર્ટ, સ્કવોસની રમત માટે પણ બે કોર્ટની સુવિધા ઉભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ રાજકોટમાં રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા એક સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રમતગમત ક્ષેત્રે આગામી દિવસોમાં રાજકોટનો અલગ જ દબદબો જોવા મળશે.
મેયર ડો.પ્રદિપ ડવે પોતાના વોર્ડમાં સુવિધાઓ ખેંચી
યુવા મેયર ડો.પ્રદિપ ડવ પોતાના મતવિસ્તાર એવા વોર્ડ નં.12માં લોકોની સુખાકારી માટે વિવિધ સુવિધાઓ એક પછી એક ખેંચી રહ્યા છે. વોર્ડ નં.12માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થતાં સમગ્ર મવડી વિસ્તારના યુવા રમતવીરોને ખૂબ મોટો ફાયદો થશે. પોતાના વોર્ડમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું મેયરનું સપનું હવે સાકાર થવાની દિશામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ જ્યારે મેયર તરીકેનો કારભાર સંભાળ્યો ત્યારે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને રામનાથ મહાદેવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું તેઓનું ડ્રીમ હોવાનું તેઓએ જાહેર કર્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે 178 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. દરમિયાન હવે પોતાના વોર્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ કરોડોની ખર્ચ મંજૂરીની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ આવી છે. જેને બહાલી મળતાની સાથે જ તેઓનું બીજું સપનું પણ સાકાર થશે.