વિવિધ માંગણી પ્રશ્ર્ને માલધારી સમાજે હડતાલનું હથીયાર ઉગામું: ડેરી ફાર્મ પણ બંધ રહ્યા, દુધ લેવા મોડી રાત સુધી લોકોની દોડધામ
ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરના માલધારી સમાજ દ્વારા હડતાલનુ: હથીયાર ઉગામવામાં આવ્યું છે આજે માલધારીઓ દ્વારા દુધનું વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. રાજકોટમાં ચાના થડા પણ બંધ રહ્યા હતા. આજે દુધ વિતરણ બંધ હોવાના કારણે મોડી રાત સુધી દુધ લેવા માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ સામાન્ય છમકલા પણ થયા હતા. રાજકોટ ડેરી દ્વારા આજેદુધ વિતરણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
તાજેતરમાં શેરથામાં માલધારી સમાજનું એક વિશાળ સંમેલન મળ્યું હતું. જેમાં સમસ્ત યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરુ ગાદી ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુ સહિતના સંતોએ ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આજે ર1મીએ રાજયભરમાં દુધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેના પગલે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દુધ વિતરણ બંધ રહ્યું હતું.
ખાનગી ડેરોઓ બંધ રહી હતી. ચાના થડાના સંચાલકો પણ આંદોલનમાં જોડાયા હતા અને પોતાના થડાઓ બંધ રાખ્યા હતા. બુધવારે દુધ વિતરણ બંધ હોવાની વાત વાયુવેગે રાજયભરમાં ફેલાય જતા મંગળવારે મોડી રાત સુધી દુધ લેવા માટે લોકો દોડધામ કરતા રહ્યા હતા. અનેક દુકાનો અને ડેરીઓમાં દુધનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો.
- માલધારી આંદોલન હિંસક બન્યું!!
- બેડી ગામે ચાની હોટલ બંધ કરાવવા જતા બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ
- આમને – સામને બંને જૂથ ધોકા – પાઇપ વડે તૂટી પડતા બે ઘાયલ: અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસના ધામા
માલધારી સમાજ દ્વારા કરવામાં આવેલું આંદોલન હિંસક રૂપ તરફ દોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેમાં આજરોજ બેડી ગામમાં ચાની હોટલ બંધ કરવા ગયેલા ભરવાડ સમાજના ટોળા અને આહીર સમાજના ટોળા વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં બંને જૂથના બે લોકોને ઇજા પહોંચી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજ વહેલી સવારથી જ ચાલતા માલધારી સમાજના આંદોલન વચ્ચે અનેક સ્થળોએ દેખાડો થયો હતો. જેમાં બેડી ગામમાં ગજેન્દ્રભાઈ પ્રભાતભાઈ બાલસરા (ઉ.વ. 21) પોતાની ગોકુળ ચાની હોટલ પર હતા ત્યારે સામે વાળા ચના ભરવાડ સહિતના ભરવાડ સમાજનું ટોળું ધોકા – પાઇપ સાથે ધસી આવ્યું હતું. આ ટોળાએ ગજેન્દ્રભાઈને દુકાન બંધ કરવાનુ કહીને ગાળાગાળી કરી હતી.
ગજેન્દ્રભાઈએ ગાળા ગાડી કરવાની ના પાડતા ટોળાએ દુકાનમાં તોડફોડ ચાલુ કરી હતી જેને રોકવા જતા ભરવાડ સમાજના ટોળાએ ગજેન્દ્રભાઈ પર ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી હુમલામાં ગવાયેલા ગજેન્દ્રભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તો સામાપક્ષે ચનાભાઈ હકુભાઈ મૂંધવા (ઉ.વ.49)ને ઇજા થતા તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના બીજાને રહેલા સનાભાઇ મુંધવા એ જણાવ્યું હતું કે આજરોજ સવારે બેડી ગામમાં અમે ગોકુળ ચા ટી સ્ટોલ પર હોટલ બંધ રાખવાનું કઈ માલધારી સમાજના આંદોલનને સમર્થન આપવા માટે જણાવ્યું હતું પરંતુ તે દરમિયાન ઉશ્કેરાયેલા પ્રભાતભાઇના પુત્રોએ હુમલો કરતા ચનાભાઈ ને નાની મોટી ઈજા પહોંચી હતી.
આ અંગે ઘટનાની જાણ થતા કુવાડ પોલીસ મથકના અધિકારીઓ સહિતનો કાફલો બેડી ગામે દોડી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધામેધામા ખડકી દેવામાં આવ્યા હતા.
એરપોર્ટ રોડ પર અમૂલ પાર્લરમાં તોડફોડ
આજે ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં તા.21ના માલધારીઓ દ્વારા દૂધ બંધનું એલાન આપવામાં આવ્યુંછે. દૂધ ઉપરાંત ટી સ્ટોલ પણ બંધ રાખવા માટે જાહેરાત કરવામાં આવી છે.જેને લઇ આજે કોઈ અજાણ્યા શખશો દ્વારા એરપોર્ટ રોડ ઉપર આવેલ અમૂલ પાર્લરમાં હુમલો કરી તોડફોડ કરી હતી.અને પાર્લરમાં રાખવામાં આવેલ દૂધની થેલી ઢોળી નાખી નુકશાન કર્યું હતું.જે મામલો પોલીસ સમક્ષ પોહચતાં તેને ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી હાથધરી છે.
માલધારીઓએ સરકારી હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોમાં કર્યું દુધનું વિતરણ
રાજકોટ શહેરના માલધારીઓએ દૂધબંધીને સજ્જડ રિતે અનુસરી હતી. જે દૂધ વધ્યું હતું. તેને માલધારી સમાજે સરકારી હોસ્પિટલ, જરૂરિયાતમંદ લોકો તેમજ મંદિરોમાં વિતરણ કરી દીધું હતું. જો કે અત્યાર સુધી વિરોધ વ્યક્ત કરવામાં ચીજ-વસ્તુઓને ઢોળી કે ફેંકી દેવામાં આવતી હતી. પણ આ વખતે દૂધનો વ્યય ન થાય તે રિતે વિરોધ નોંધાવવાની તકેદારી રાખવામાં આવી હતી.
ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાતા માલધારીઓએ ફટાકડા ફોડ્યા
ઢોર નિયંત્રણ કાયદાનો છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ઢોર નિયંત્રણ કાયદાને સરકાર દ્વારા પરત ખેંચતા જિલ્લા પંચાયત ચોક ખાતે માલધારી સમાજ દ્વારા ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવવામાં આવ્યા હતા.