રોડનું કામ તાકીદે પૂરૂ થાય અને નિયમ મુજબ થાય તેવી વેપારીઓની માંગ
અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબી શહેરના છેવાડાના વિસ્તારમાં હાલ રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે જે કામ હાલ બંધ હાલતમાં હોવાથી તેને ફરી શરુ કરાવવા અને કોન્ટ્રાકટ મુજબ કામ કરવામાં આવતું ન હોવા અંગે મોરબી જિલ્લા કલેક્ટરને સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારીએ લાયન્સનગરના વેપારીઓ અને સ્થાનિકો વતી પત્ર લખ્યો હતો.
પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.11 માં હાલ નવા બનતા રોડનું કામ અટકાયેલું છે. જે ફરીથી ચાલુ કરવા વિસ્તારના સ્થાનિક વેપારીઓ તેમજ રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તેમજ નવા બનતા રોડમાં જે મટીરીયલ નિયમ મુજબ વાપરવામાં આવી રહ્યું નથી. જેને કારણે આ કામ બંધ હાલતમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનતો હોય ત્યારે આ રોડ ઉપર હાલ ઘણી બધી દુકાનો-ડેરી આવેલ છે. જેથી દુકાનોને આવતા ગ્રાહકોને ઘણી તકલીફ થતી હોય છે. જેને લઇ રોડ પર રહેલ માટીનાં ઢગલા તેમજ પાણી વેરાયેલ છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતને ધ્યાને લઈ લાયન્સનગર વિસ્તારમાં રોડનું કામ વહેલી તકે પૂરું કરવા અને નિયમ મુજબ કરવા આ વિસ્તારનાં વેપારી તેમજ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.