જિલ્લામાં 1360 માંથી માત્ર 1108 કેન્દ્રો પાસે જ સ્વતંત્ર મકાનો ઉપલબ્ધ
રાજકોટ જિલ્લામાં આધુનિક આંગણવાડીઓની ગુલબાંગો અને લાખો – કરોડોની ગ્રાન્ટ મંજુર કરાઈ હોવાં છતાં હજુ ઘણી આંગણવાડીઓને માલિકીના મકાનની સુવિધા નથી. હાલ રાજકોટ જિ.માં ભાડાંનાં મકાનમાં 179 જેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. રાજકોટ જિ.માં ભાડાંનાં મકાનમાં ચાલતા 179 આંગણવાડી કેન્દ્રોની વાત જાહેર થતા સુવિધા અને સમસ્યાનો ચિતાર નજરે પડ્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગને લાખો – કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં હજુ ગ્રામ્ય સ્તરે આંગણવાડી કેન્દ્રો પાસે વિભાગ હસ્તકનાં પોતાના મકાનો નથી. રાજકોટ જિલ્લામાં જ કુલ 1360 આંગણવાડી કેન્દ્રો છે તેમાંથી 179 ભાડા મકાનમાં ચાલી રહયા છે. જિલ્લામાં 1360 માંથી માત્ર 1108 કેન્દ્રો પાસે જ સ્વતંત્ર મકાનો ઉપલબ્ધ છે.
રાજકોટ જિલ્લા પંચાયત પાસે સ્વભંડોળ અને સરકારી યોજનાઓની ગ્રાન્ટ આવતી હોવા છતાં આંગણવાડીઓ માટે સ્વતંત્ર મકાનો ઉભા કરી શકવામાં સતાધિશો નિષ્ફળ ગયા છે. કુલ 1360 આંગણવાડી માંથી 1108 પોતાના મકાનમાં, 18 પંચાયતનાં મકાનમાં, 19 કેન્દ્રો કોમ્યુનિટી હોલમાં અને 15 અન્ય સ્થળોએ બેસે છે. રાજકોટ જિલ્લામાં બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓ એમ આશરે 1.43 લાખ લાભાર્થીઓ છે.