દબાણનો સર્વે પૂર્ણ, હવે એક્શન શરૂ થશે
લાંબી કવાયત બાદ મામલતદાર કચેરીઓ પોતાના વિસ્તારોમાં દબાણો શોધી તેની વિગતો એકત્ર કરી, હવે કલેક્ટર તંત્ર ગમે ત્યારે દબાણો ઉપર તૂટી પડશે
રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન ઉપર 1500થી વધુ દબાણો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હવે જિલ્લા કલેક્ટર તંત્ર ગમે ત્યારે આ દબાણો ઉપર તૂટી પડે તેવી શકયતા સેવાઈ રહી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ઘણા સમય પૂર્વે સરકારી જમીન ઉપર થતા દબાણોને ધ્યાને લઈને એક્શન પ્લાન બનાવ્યો હતો. તેઓએ તે સમયે તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પોત પોતાના વિસ્તારોમાં સરકારી ખરાબાની જમીન ઉપર ખડકાયેલા દબાણોનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. પ્રાંત અને મામલતદાર કચેરીની લાંબી કવાયત બાદ તાજેતરમાં આ સર્વે પૂર્ણ થઈ ગયો છે. જેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટર તંત્ર ગમે ત્યારે આ દબાણો સામે મેગા ઓપરેશન હાથ ધરી શકે છે.
વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર રિપોર્ટમાં દર્શાવાયું છે કે શહેર અને જિલ્લામાં અંદાજે 1500થી વધુ દબાણો છે. જેમાં સૌથી વધુ દબાણો જેતપુર તાલુકામાં નોંધાયા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોટડા સાંગાણી તાલુકાના 41 ગામોમાં 50 જેટલા દબાણો છે. જ્યારે લોધિકાના 38 ગામોમાં 27 દબાણ, જામકંડોરણાના 47 ગામોમાં 29 દબાણ, ધોરાજીના 31 ગામોમાં 40 દબાણ, રાજકોટ ( પશ્ચિમ)ના 10 સેજામાં 42 દબાણ, રાજકોટ ( દક્ષિણ)ના 10 સેજામાં 45 દબાણ, ઉપલેટાના 51 ગામોમાં 46 દબાણ, રાજકોટ તાલુકાના 102 ગામોમાં 61 દબાણ, રાજકોટ (પૂર્વ)ના 6 સેજામાં 66 દબાણ, જસદણ તાલુકાના 60 ગામોમાં 79 દબાણ, પડધરી તાલુકાના 58 ગામોમાં 90 દબાણ, ગોંડલ ( તાલુકા)ના 82 ગામોમાં 93 દબાણ, ગોંડલ ( શહેર)ના 10 સેજામાં 108 દબાણ, જેતપુર ( શહેર)ના 7 સેજામાં 112 દબાણ, વીંછીયા તાલુકાના 46 ગામોમાં 130 દબાણ અને જેતપુર (તાલુકા)ના 50 ગામોમાં 486 જેટલા દબાણો છે.
હાલ તંત્રએ આ દબાણો શોધી કાઢ્યા છે. હવે માત્ર એક્શનની રાહ જોવાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ આ તમામ દબાણો સામેં તંત્ર એકસાથે કાર્યવાહી હાથ ધરશે. પરંતુ હાલ ચૂંટણી માથે હોય, તંત્ર તેની તૈયારીમાં વ્યસ્ત છે. એટલે આ વેળાએ આ ઓપરેશન થોડું કઠિન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.