વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટના સ્થળે રેસ્ક્યૂમાં સેના જોડાઇ
જમ્મુ-કાશ્મિરમાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો ઉમેરો થયો હોય તેમ આજે સવારે પુંછ જિલ્લામાંથી પસાર થઇ રહેલી મિની બસ સૌઝેન ગામ નજીક અકસ્માતે નદીમાં ખાબકતા ઓછામાં ઓછા 11ના મોત નિપજ્યાનું પ્રાથમિક ધોરણે જાહેર થયું છે. જો કે, સેના દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂમાં હજુ મૃત્યુઆંક વધે તેવો ભય સેવાઇ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મંડીના ઇન્સ્પેક્ટર શહેઝાદ લતીફે આપેલી પ્રાથમિક વિગતોમાં જણાવ્યું હતું કે બસ નદીમાં ખાબકી હતી અને તાત્કાલીક ધોરણે સેનાએ રેસ્ક્યૂ શરૂ કરી દીધું હતું. પ્રારંભિક તબક્કે 11 જેટલા મૃતદેહો હાથ લાગ્યા હતાં. કેટલાંક ગંભીર રીતે ઘવાયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મિરના રાજ્યપાલ મનોજ સિંન્હાએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને પાંચ લાખની સહાયની જાહેરાત કરી હતી. સૌઝેન ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતની પ્રાથમિક વિગતોમાં મીની બસ મોસમ અને રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બની હતી અને નદીમાં ખાબકી હતી. બસમાં કેટલા વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા તેનો સચોટ આંક પ્રાપ્ત થયો નથી. ભારે પૂર અને વરસાદી માહોલમાં રેસ્ક્યૂમાં ભારે અવરોધ ઉભો થયો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેના અને સ્થાનિક કાર્યકરો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.