મોરબીમાં કારખાનામાં ચોરી કરવા આવ્યાની શંકાએ યુવાનને મારમારતા મોત: બનાવ હત્યામાં પલ્ટાયો
મોરબી પંથકમાં બે હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પ્રથમ બનાવમાં વાંકાનેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનને બે શખ્સોએ પૈસાની લેતી દેતી મામલે મારમારતા તેનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો જે મામલે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મોરબીમાં આવેલા વેલા ગામની સીમમાં આવેલ એક સિરામીક ફેકટરીમાં યુવાનને ચોરી કરવા આવ્યાની શંકાએ સાત લોકોએ મારમારતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.
પ્રથમ બનાવની વિગતો મુજબ વાંકાનેરનાં અમરનાથ સોસાયટીમાં રહેતા અમિતભાઈ કોટેચા નામનો યુવાન જીનપરા વિસ્તારમાં મોડી રાત્રીના ત્યા હતો ત્યારે આરોપી ઈમરાન અને ઈનાયત નામના બે શખ્સોએ પૈસાનીલેતી દેતી મામલેતેની સાથે ઝઘડો કરી મારમારતા તેને ગંભીર ઈજા પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
જયાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો જેથી પોલીસે બે શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં એક શખ્સ ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાની શંકાના આધારે તેને કારખાનામાં પકડી પાડી સાત લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
માહિતી અનુસાર, એક 30 થી 35 વર્ષીય શખ્સ બેલા ગામની સીમમાં આવેલ મીનરલ એલએલપી કારખાનામાં ઘસી આવ્યો હતો. જે ચોરી છૂપે આવ્યો હોવાથી તે કારખાનામાં ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાની શંકાના આધારે કારખાનામાં ઉપસ્થિત રાજપાલસિંગ રામનાથસિંગ રાજપૂત, રમેશ પ્યારજી સવંધીયા, હરીરામ મલમ રજક, મોહન ઉર્ફે છોટુ લક્ષમણ, રવિ રમેશભાઇ કાવર, વિનોદ ઉર્ફે વિકી કરશનભાઈ આમેસડા અને ગણપતભાઇ રતિલાલ કાવર નામના સાત લોકો દ્વારા યુવકને લાકડી, ધોકા સહિતના હથિયારો વડે તેમજ ઢીકાપાટાનો માર મારતા યુવકને અતિ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.