વિવિધ વિભાગો દ્વારા કરોડો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત
રાજયની વર્તમાન સરકાર આગામી 13મી સપ્ટેમ્બરના રોજ એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહી છે. એક વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કામો અને લોકહિતના કામો જન જન સુધી પહોચાડવા માટે આગામી સોમવાર અને મંગળવારે રાજયભરમાં વિશ્ર્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કરોડો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂૂહૂર્ત કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા તા. 12 અને 13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને પૂર્વ તૈયારના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટર દ્વારા “વિશ્વાસથી વિકાસ યાત્રા”ના સુચારુ આયોજન અંગેની ઉપસ્થિત અધિકારી ઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ઉપરાંત કાર્યક્રમની જિલ્લા અને પ્રાંત કક્ષાની અમલીકરણ સમિતિના સભ્ય ઓને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ સંદર્ભે જરૂરી સૂચનો કર્યા હતાં. તેમજ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ગોઠવવા ઉપર ભાર મુક્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુમમર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણી, પ્રાંત અધિકારી , મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.