સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં લીધા અંતિમ શ્વાસ : તેમના 70 વર્ષના શાસનના યુગનો અંત, બ્રિટનમાં શોક
બ્રિટનના મહારાની એલિઝા બેથ દ્વિતીયનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબીયત ખરાબ હતી.મહારાની એલિઝાબેથ નું ગુરૂવારે નિધન થયું છે. સ્કોટલેન્ડ ના બાલ્મોરલ કેસલમાં મહારાનીએ અંતિમ શ્વાસ લીધા છે. આ દરમિયાન મહારાણીના મોટા પુત્ર રાજકુમાર ચાર્લ્સ સહિત રાજ પરિવારના ઘણા સભ્યો ત્યાં હાજર હતા. બે દિવસ પહેલા મહારાની એલિઝાબેથની તસવીર સામે આવી હતી, જ્યારે લિઝ ટ્રસને તેમણે બ્રિટનના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા. એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ, 1926ના 17 બ્રૂટન સેન્ટ, લંડનમાં થયો હતો. ફિલિપ માઉન્ટબેટન સાથે લગ્ન થયા હતા.
તેમને ચાર બાળકો છે- પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્રયૂ અને પ્રિન્સ એડવર્ડ. મહારાનીના પતિ ફિલિપનું એપ્રિલ 2021માં 99 વર્ષની ઉંમરે નિધન થયું હતું. 1952માં પિતાના મૃત્યુ બાદ એલિઝાબેથ સિંહાસન પર બેઠા હતા. મહારાની એલિઝાબેથ યુનાઇટેડ કિંગડમ સહિત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, જમૈકા, એન્ટીગુઆ અને બારબુડા, બહામાસ, બેલીઝ, ગ્રેનાડા, પાપુઆ ન્યૂ ગિની, સોલોમન આઈલેન્ડ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ લૂસિયા, સેન્ટ વિન્સેટ વ ગ્રેનેડાઇંસ અને તુલાલુ સહિત 15 ક્ષેત્રોના રાણી રહ્યાં છે.
મહારાણીની તબિયત છેલ્લાં કેટલાંક સમયથી સતત લથડી રહી હતી. જેને પરિણામે તબીબો તેમના આરોગ્યનું સતત ધ્યાન રાખી રહ્યાં હતાં. ગત ફેબ્રુઆરી માસમાં તેઓ કોરોનાના સંક્રમણનો પણ ભોગ બન્યાં હતાં. ખરાબ આરોગ્યને કારણે તેમણે પ્રીવી કાઉન્સિલની મીટિંગ પણ રદ્દ કરી હતી. ક્વિન એલિઝાબેથ દ્વિતિયએ પોતાના જીવનકાળ દરમિયાન બ્રિટનના 15 વડાપ્રધાનોને હોદ્દાના શપથ અપાવ્યાં હતાં, જેમાં વિન્સ્ટન ચર્ચીલથી લઈને તાજેતરમાં વડાંપ્રધાન તરીકે નિમણૂક પામેલા લિઝ ટ્રુસનો સમાવેશ થાય છે. વ
ડાંપ્રધાન લીઝ ટ્રુસે રાણીના નિધન અંગે ભારે દુ:ખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટર પર શોક સંદેશમાં રાજવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
-
10 દિવસ બાદ મહારાણીના અંતિમ સંસ્કાર થશે
બકિંગહામ પેલેસની બહાર મોટી સંખ્યામાં લોકો રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થઇ રહ્યા છે. રાણીના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં આવશે. તે પહેલાં, તેમના શબપેટીને તેમના મૃત્યુના પાંચ દિવસ પછી ઔપચારિક માર્ગ દ્વારા બકિંગહામ પેલેસથી પેલેસ ઑફ વેસ્ટમિન્સ્ટર સુધી લઈ જવામાં આવશે, આ સમય દરમિયાન લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે, આ સ્થળ દરરોજ 23 કલાક ખુલ્લું રહેશે.
-
પ્રિન્સ ચાર્લ્સ બન્યા બ્રિટનના નવા રાજા
બ્રિટનની રાણી એલિઝાબેથના અવસાન સાથે શાહી પરંપરાના એક યુગનો અંત આવ્યો છે. હવે તેમના મૃત્યુ બાદ પુત્ર પ્રિન્સ ચાર્લ્સને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેના છેલ્લા દિવસો દરમિયાન, પ્રિન્સ ચાર્લ્સ તેની સાથે બાલમોરલ પેલેસમાં હતા. પ્રિન્સ ચાર્લ્સ બિર્ટેનના નવા રાજા બનશે. શાહી મહેલના અધિકારીઓએ જણાવ્યું કે બ્રિટનના નવા રાજા મહારાજ ચાર્લ્સ ત્રીજા તરીકે ઓળખાશે. બ્રિટીશ રાજાશાહીના નિયમો જણાવે છે કે રાજા અથવા રાણીના મૃત્યુ પછી તરત જ સિંહાસન માટે નવા રાજા કે રાણી હકદાર બને છે. જો કે, ચાર્લ્સને ઔપચારિક રીતે રાજ્યાભિષેક કરવામાં મહિનાઓ અથવા તો વધુ સમય લાગી શકે છે.
-
70 વર્ષના કાર્યકાળમાં મહારાણી ત્રણ વખત ભારત આવ્યા
બ્રિટન અને રાણી એલિઝાબેથ દ્વિતીયના ભારત સાથે ગાઢ સંબંધો રહ્યા છે. તેણીના 70 વર્ષના રાણીકાળ દરમિયાન તે ત્રણ વખત ભારત આવ્યા હતા. તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને ઈન્દિરા ગાંધી અને આઈ.કે. ગુજરાલ અને સમકાલીન રાષ્ટ્રપતિઓ ડો. રાજેન્દ્ર પ્રસાદ, ગિયાની ઝૈલ સિંહ અને કે.આર. નારાયણન સાથે પણ મુલાકાત કરી હતી. 2018માં પીએમ નરેન્દ્ર મોદી તેમને લંડનમાં મળ્યા હતા.
-
વડાપ્રધાન મોદીએ મહારાણી સાથેના સંસ્મરણો વાગોળી શ્રદ્ધાંજલિ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનની મહારાણી એલિઝા બેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેમને આપણા સમયના દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના દેશ અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી હતી. તેમના મૃત્યુથી હું દુ:ખી છું. આ દુ:ખના સમયે તેમના પરિવાર અને બ્રિટનના લોકો પ્રત્યે મારી સંવેદના છે. યુકેની તેમની મુલાકાતને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, 2015 અને 2018માં મારી યુકેની મુલાકાતો દરમિયાન, મેં રાણી એલિઝાબેથ દ્વિતીય સાથે યાદગાર મુલાકાતો કરી હતી. હું તેમની હૂંફ અને દયાને ભૂલીશ નહીં. એક સભા દરમિયાન તેમણે મને મહાત્મા ગાંધીએ તેમના લગ્નમાં ભેટમાં આપેલો રૂમાલ બતાવ્યો. અને કહ્યું હું આ હંમેશા રાખીશ.
-
પ્રથમ મુલાકાત
રાણી એલિઝાબેથ 21 જાન્યુઆરી 1961ના રોજ ભારતની પ્રથમ મુલાકાતે આવ્યા હતા. તત્કાલીન પીએમ પં. જવાહરલાલ નેહરુ અને તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દિલ્હીના પાલમ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. તે ડો. રાજેન્દ્ર પ્રસાદના આમંત્રણ પર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા આવ્યા હતા. તેમના પતિ પ્રિન્સ ફિલિપ પણ આવ્યા હતા. શાહી દંપતીએ દિલ્હી ઉપરાંત મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા અને આગ્રાના પ્રખ્યાત તાજમહેલની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં તેમણે રાજઘાટ પર જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ રાણીએ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો લોકોની સભાને પણ સંબોધિત કરી હતી.
-
બીજી મુલાકાત
એલિઝાબેથ દ્વિતીયની ભારતની બીજી મુલાકાત 7 નવેમ્બર 1983 ના રોજ હતી. ત્યારપછી તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તત્કાલિન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. આ સમય દરમિયાન તેમણે મધર ટેરેસાને માનદ સન્માન ’ઓર્ડર ઓફ ધ મેરિટ’ એનાયત કર્યું. ત્યારબાદ તે કોમનવેલ્થ ક્ધટ્રી કોન્ફરન્સમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા.
-
ત્રીજી મુલાકાત
ત્યારપછી સ્વર્ગસ્થ રાણીએ 13 ઓક્ટોબર 1997ના રોજ ત્રીજી વખત ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તત્કાલીન પીએમ ઈન્દર કુમાર ગુજરાલ અને તત્કાલિન રાષ્ટ્રપતિ કે આર નારાયણન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન, રાજવી દંપતીએ સ્વતંત્રતા ચળવળ દરમિયાન જલિયાવાલા બાગ હત્યાકાંડને દુ:ખદ ગણાવ્યો હતો. આ પછી, રાણી અને તેના પ્રિન્સ ફિલિપે જલિયાવાલા બાગ મેમોરિયલની મુલાકાત લઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
-
યુકેમાં તમામ ગેમ્સને મોકૂફ રાખી દેવાય
મહારાણી એલિઝાબેથના અવસાનને પગલે બ્રિટનમાં શુક્રવારના રોજ યોજાનારી તમામ રમતગમતની ઘટનાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. જેમાં ટેસ્ટ ક્રિકેટ અને યુરોપિયન ગોલ્ફની પીજીએ ચેમ્પિયનશિપનો સમાવેશ થાય છે.
તારીખોમાં મહારાણીનો ઇતિહાસ
21 એપ્રિલ 1926
કવીન એલીઝાબેથનો લંડનમાં જન્મ થયો
20 નવેમ્બર 1947
ગ્રીક અને ડેનમાર્કના પ્રિન્સ ફિલીપ સાથે લગ્ન કર્યા
14 નવેમ્બર 1948
તેમના પ્રથમ પુત્ર પ્રિન્સ ચાર્લ્સનો જન્મ થયો
6 ફેબ્રુઆરી 1952
પિતા કિંગ જોર્જના નિધન બાદ રાણી બન્યા
21 જુન 1982
તેમના પૌત્ર પ્રિન્સ વિલીયમનો જન્મ થયો
6 ફેબ્રુઆરી 2012
શાષનના 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જયુબલી મનાવી
9 સપ્ટેમ્બર 2015
બ્રિટનની સૌથી લાંબુ શાષન કરનાર પ્રથમ મહારાણી બન્યા
9 એપ્રિલ 2020
પતિ પ્રિન્સ ફિલીપનું નિધન થયું