ઈશ્વર ઘુઘરાને નોટિસ ફટકારતું કોર્પોરેશન
ચેકીંગ દરમિયાન ઈશ્વર ઘુઘરામાં બેફામ ગંદકી જણાય: દાઝીયા તેલનો પણ કરાતો હતો આડેધડ નિકાલ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા ઈશ્વર ઘુઘરા નામની પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે. ચેકીંગ દરમિયાન સ્થળ પર બેફામ ગંદકી જોવા મળી હતી અને દાઝીયા તેલનો પણ આડેધડ નિકાલ કરવામાં આવતો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા હાથીખાના શેરી નં.16માં ઈશ્વર ઘુઘરા નામની પેઢીમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્થળ પર દાઝીયા તેલનો આડેધડ નિકાલ કરવામાં આવતો હતો. ઉત્પાદન સ્થળ પર ન્યૂસન્સ અટકાવવા અને હાઇજનીંક કન્ડીશન જાળવી રાખવા પણ તાકીદ કરાઇ હતી.
આરયુસીઓ એજન્સી મારફત દાઝીયા તેલનો નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે. દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં 30 ખાણીપીણીના ધંધાર્થીઓના ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું છે. દાણાપીઠ ચોકમાં સદ્ગુરૂ સોલ્ટમાંથી રોક સોલ્ટ અને પરાબજારમાં ગોળપીઠમાં અબ્દુલ હુસેન શેખભાઇને ત્યાંથી આરએમ પારસમણી ગોળનો નમૂનો લઇ ચેકીંગમાં મોકલવામાં આવ્યો છે.