મવડી-પાળ સાઇટ પર ટુ-બીએચકેના લાભાર્થીઓનું ટોળું કોર્પોરેશન કચેરી ધસી આવ્યું: મેયરને રજૂઆત
કોર્પોરેશન દ્વારા શહેરના મવડી વિસ્તારમાં પાળ ગામ નજીક ટીપી સ્કિમ નં.27ના ફાઇનલ પ્લોટ નં.41/એ માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ટુ-બીએચકેના 832 આવાસ બનાવવામાં આવ્યા છે. જેની ફાળવણી કરવા માટે બે વર્ષ પહેલા ડ્રો કરી દેવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી લાભાર્થીઓને કબ્જો ન સોંપાતા રોષે ભરાયેલા લાભાર્થીઓ આજે કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા અને મેયર ડો.પ્રદિપ ડવને ઉગ્ર રજૂઆત કરી હતી.
તેઓએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ગત 31 ઓગસ્ટ, 2020માં આવાસનો ડ્રો કરવામાં આવ્યો હોવા છતાં અત્યાર સુધી આવાસની ફાળવણી કરવામાં આવી ન હતી. તેઓની સાઇટ બાદ અલગ-અલગ બે સાઇટ પર આવાસનું નિર્માણ કામ પૂર્ણ થઇ ગયું હતું અને લાભાર્થીઓને ફ્લેટનો કબ્જો સોંપી દેવાયો છે. છતાં તેઓને કબ્જો આપવામાં આવ્યો નથી. આ અંગે અવારનવાર રજૂઆત કરાઇ છે. છતાં આવાસની સોંપણી કરાતી નથી. મોટાભાગ લાભાર્થીઓ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હોય તાત્કાલીક અસરથી કબ્જો સોંપવા રજૂઆત કરાઇ છે.