તહેવારોના માસમાં 3,473 વાહનોનું વેંચાણ થતાં કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂ.1.84 કરોડની આવક
ઓટો સેક્ટરમાં દેશવ્યાપી તેજી ચાલી રહી છે. કારના વેંચાણ જબ્બરો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ તેજીના દૌરમાંથી રાજકોટ શહેર પણ બાકાત નથી. ઓગસ્ટ માસને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે. ઓગસ્ટના 31 દિવસમાં રોજ સરેરાશ 112 વાહનોનું વેંચાણ થયું હતું. એક મહિનામાં 3,473 વાહનોનું વેંચાણ થતાં કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂ.1.84 કરોડની આવક થવા પામી છે. રાજકોટવાસીઓએ ઓગસ્ટ માસમાં 84.29 કરોડના વાહનોની ખરીદી કરી હતી. કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી વાહનોનું વેંચાણ ધાર્યું થતું ન હતું. પરંતુ જો કે હવે ફરી ઓટો સેક્ટરમાં તેજીનો કરંટ દેખાઇ રહ્યો છે.
કોર્પોરેશનના ટેક્સ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાનુસાર ઓગસ્ટ માસના 31 દિવસ દરમિયાન શહેરમાં કુલ 3,473 વાહનોનું વેંચાણ થવાના કારણે કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂ.1,84,22,111ની આવક થવા પામી છે. સૌથી વધુ ટુ વ્હીલરનું વેંચાણ થયું છે. ઓગસ્ટ મહિનામાં 2,615 ટુ વ્હીલરનું વેંચાણ થયું છે. આ ઉપરાંત સીએનજી સંચાલિત થ્રી વ્હીલર પેસેન્જર 157 વાહનો, ડીઝલ સંચાલિત થ્રી વ્હીલર 15 પેસેન્જર વાહન અને પેટ્રોલ સંચાલિત થ્રી વ્હીલર 5 પેસેન્જર વાહનોનું વેંચાણ થયું છે. જ્યારે સીએનજી સંચાલિત 6 મોટરકાર, ડિઝલ સંચાલિત 15 મોટરકાર અને પેટ્રોલ સંચાલિત 7 મોટરકારનું વેંચાણ થયું છે. આ ઉપરાંત સીએનજી સંચાલિત 165 લાઇટ મોટર વ્હીકલ, ડીઝલ સંચાલિત 53 લાઇટ મોટર વ્હીકલ અને પેટ્રોલ સંચાલિત 404 લાઇટ મોટરકાર વ્હીકલનું વેંચાણ થયું છે. સીએનજી સંચાલિત પાંચ હેવી ફોર વ્હીલર, ડીઝલ સંચાલિત 24 હેવી ફોર વ્હીલર અને ડીઝલ સંચાલિત બે ટ્રેક્ટર ટ્રોલીનું વેંચાણ થયું છે. શહેરમાં ઓગસ્ટ માસ દરમિયાન 84,29,87,187 કરોડની કિંમતના 3,473 વાહનોનું વેંચાણ થતાં કોર્પોરેશનને વાહન વેરા પેટે રૂ.1.84 કરોડની આવક થવા પામી છે.