એ ડિવિઝન પોલીસે રોકડ અને સોનું મળી કુલ રૂ.3.21 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
રાજકોટના વધુ એક સોની વેપારીનું બંગાળી કારીગર સોનું લઇ ભાગી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.જેમાં ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી સોનું લઇને ભાગેલા બંગાળી કારીગરને રૂ.2.63 લાખની કિંમતના સોનાના ઢાળિયા અને રોકડા રૂ.57,700 મળી કુલ રૂ.3.21 લાખના મુદ્દામાલ સાથે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી પડી એ ડિવિઝન પોલીસે ધોરસરની કાયેવાહી હાથધરી છે.
બનાવની વિગતો મુજબ રાજકોટમાં રૈયા રોડ, શ્રીજીનગર-3માં રહેતા અને સોનીબજારમાં શુભલક્ષ્મી કોમ્પ્લેક્સમાં ઓમ સોનાથ જ્વેલર્સના નામથી સોની કામ કરતા રજનીભાઇ વ્રજલાલ લોઢિયાએ મૂળ પ.બંગાળના અને જૂની ગધીવાડમાં ભાડે રહેતા નીતાઇ બિસ્વનાથ ક્રિસ્ટો બેરા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોની કામ માટે મૂળ બંગાળના નીતાઇ બેરા અને તારાશંકર વિજયચિત્ર મંડળ નામના બે કારીગર છેલ્લા દોઢ વર્ષથી પોતાને ત્યાં ઘરેણાં બનાવવાનું કામ કરે છે. દરમિયાન ગત જુલાઇ મહિનામાં નીતાઇ બેરાને કટકે કટકે 265.010 ગ્રામ સોનું ઘરેણાં બનાવવા માટે આપ્યું હતું.તે પૈકી નીતાઇએ 118.300 ગ્રામ સોનાના પેન્ડલ સેટ બનાવી પરત આપ્યા હતા. બાકીના 146.710 ગ્રામ સોનાના ઘરેણાં પોતે ઓગસ્ટ મહિનાના અંતમાં તૈયાર કરી આપવાની વાત કરી હતી. પરંતુ થોડા દિવસ બાદ તેને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો.
જેથી ફરિયાદી તુરંત તેના ઘરે ગયા હતા, પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. અંતે રૂ.7 લાખની કિંમતનું 146.710 ગ્રામ સોનું ઓળવી છેતરપિંડી કરનાર નીતાઇ બેરા સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે નીતાઈની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.