કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ
અબતક, રાજકોટ
અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના સમારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલમહાકુંભમાં 11 લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે 55 લાખે પહોંચ્યું છે..
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીતાના પરિણામે આજે ગુજરાતમાં સ્પોર્ટ્સની આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની છે જેના પરિણામે જ આજે ગુજરાતમા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યાં છે.
નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે 20 વર્ષમાં આર્થિક, ઔઘોગિક ક્ષેત્રમાં સર્વાંગીણ વિકાસ સાથે 24 કલાક વીજળી, શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી જેવા વિકાસના દરેક ક્ષેત્રોમાં હરણફાળ ભરીને દેશમાં પરિવર્તનનું સારથી બન્યું હોવાનું ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ખેલ મહાકુંભ શૃંખલાની 11મી કડીના સમાપનની સાથે આજે 36મી નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર અને એપ લોન્ચિંગ એ રાજ્યથી રાષ્ટ્રીય કક્ષાની ખેલ યાત્રા સમાન પ્રસંગ છે. એક સમયે ગુજરાતીઓ માત્ર દાળ-ભાત ખાનારા કે વેપાર-બિઝનેસમાં જ રસ ધરાવે છે, એવી છાપ હતી, એ ગુજરાતીઓમાં આજે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ખેલ મહાકુંભ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. વર્ષ 2010માં શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં એક આખી સ્પોર્ટિંગ કમ્યૂનિટી તૈયાર થઈ છે. ગુજરાતના યુવા ખેલાડીઓ હવે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌશલ્ય પુરવાર કરવા લાગ્યા છે.
ગુજરાતના ખેલ-કૂદ પ્રત્યેના સ્પર્ધાત્મક અભિગમને કારણે દેશ અને દુનિયા ગુજરાતને ભારતના ભાવિ સ્પોર્ટિંગ હબ તરીકે જોવા લાગી છે. વિશ્વની આ અપેક્ષા ને મૂર્તિમંત કરવા વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદમાં આકાર પામી રહ્યું છે. ગુજરાતે નવી સ્પોર્ટસ પોલિસી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીથી એક આખી સ્પોર્ટ ઇકોસિસ્ટમ ઊભી કરી હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 20 હજાર રમતવીરોના આવકાર- આગતા-સ્વાગતા કરવા ગુજરાત ઉત્સુક છે. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં 55 લાખ યુવાનોએ નોંધણી કરાવી, એ એક રેકોર્ડ છે, આ સંખ્યા કેટલાંક રાજ્યો અને દેશોની વસ્તી કરતાં વધારે છે. 29 કરોડથી વધારેની ઈનામની રકમ સીધા ખેલાડીઓના ખાતામાં જમા થઈ જાય, એવું દેશમાં પહેલી વાર બની રહ્યું છે. નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં 3થી 4 વર્ષ લાગી જતાં હોય એ કામ ગુજરાતે ત્રણ મહિના કરતાં ઓછા સમયમાં કરી બતાવ્યું છે.
વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની કરવાનું છે અને 8000 ખેલાડીઓ સહિત 12,000થી વધારે રમતગમત સાથે સંકળાયેલા લોકો ગુજરાતમાં આવવાના છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથે ગરબાની પણ રમઝટ બોલશે.
મહાનુભાવોના હસ્તે નેશનલ ગેમ્સની રજેરજની લાઈવ અપડેટ્સ લોકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવવાના હેતુથી wwww.nation algamesgujarat.in વેબસાઈટ અને NGGujarat એપ લોન્ચ કરવામાં આવી હતી.
11 મી ખેલમહાકુંભના 1 લાખથી વધુ વિજેતા ખેલાડીઓને ₹ 29 કરોડના ઇનામની પ્રોત્સાહક રકમ ઉઇઝ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રમતગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોની સ્પર્ધાઓ યોજાશે. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000થી વધારે રમતવીરો, કોચ તથા રમતગમત ક્ષેત્રના અધિકારીઓ નેશનલ ગેમ્સ નિમિત્તે ગુજરાતના મહેમાનો બનવાના છે.