બોલરોના એક્સ્ટ્રા રન અને અર્શદીપે છોડેલો કેચ ભારતને ભારે પડ્યો: એશિયા કપમાં ટકી રહેવા હવે ભારતે લંકા-અફઘાનિસ્તાન સામે મેચ જીતવો જરૂરી
દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ દરમિયાન ભારતીય ટીમે ઘણી ભૂલો કરી જે આ હાર માટે કારણભૂત બની હતી. ભારત પાકિસ્તાન મેચમાં ભારતની હારનું એક મોટું કારણ દીપક હુડાની બોલિંગ ના કરાવી શકવાનું હતું. આજે ભારતીય ટીમે માત્ર પાંચ બોલરો સાથે બોલિંગ કરાવી હતી. જ્યારે તમામ બોલરો પાકિસ્તાન સામે નબળા દેખાઈ રહ્યા હતા. ત્યારે બધાને અપેક્ષા હતી કે રોહિત શર્મા દીપક હુડાને બોલિંગ માટે લાવશે. પરંતુ રોહિતે દીપક હુડાને બોલિંગ કરવાનો મોકો ના આપ્યો.
ભારે રોમાંચકતા બાદ અંતે પાકિસ્તાનનો 5 વિકેટે વિજય થયો હતો.મેચના નિર્ણાયક સમયે ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહે રવિ બિશ્નોઈના બોલ પર પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલીનો સરળ કેચ છોડ્યો હતો. અર્શદીપનો આ કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ભારે પડ્યો અને ભારતીય ટીમ આ મેચ 5 વિકેટથી હારી ગઈ. પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સામે 182 રનના લક્ષ્યનો બચાવ કરતી વખતે ભારતીય બોલરોએ આજે ઘણા એક્સ્ટ્રા રન આપ્યા હતા. ભારતીય ટીમે આજે પાકિસ્તાન સામેની મેચમાં કુલ 14 એક્સ્ટ્રા રન આપ્યા હતા. આ વધારાના રન ભારતીય ટીમને ઘણો ફટકો પડ્યો છે અને તેની હારનું મોટું કારણ બન્યું હતું.
હવે ટીમ ઈન્ડિયાએ 6 સપ્ટેમ્બરે બીજી મેચમાં શ્રીલંકા અને 8 સપ્ટેમ્બરે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. જો ટીમ બંને મેચ જીતી જશે તો તે ફાઈનલની રેસમાં રહેશે. શ્રીલંકાએ પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં જો તે ભારત સામે હારે છે અને પાકિસ્તાન સામે જીતે છે તો તેને પણ 4-4 પોઈન્ટ મળશે. આ દરમિયાન જો પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનને હરાવશે તો ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં ટોપ-2 રન રેટના આધારે નક્કી કરવામાં આવશે.
પાકિસ્તાન તેની બાકીની બંને મેચ જીતે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે પોતાની બંને મેચ જીતીને ટાઈટલ રાઉન્ડમાં સ્થાન મેળવવાનો રસ્તો સ્પષ્ટ થઇ જશે. આવી સ્થિતિમાં તેના 4 પોઈન્ટ હશે જ્યારે શ્રીલંકાના 2 અને અફઘાનિસ્તાનના ઝીરો પોઈન્ટ હશે.
એશિયા કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે સૌથી વધુ 7 વખત આ ખિતાબ જીત્યો છે. બીજી તરફ શ્રીલંકાએ 5 જ્યારે પાકિસ્તાન 2 વખત એશિયા કપ જીત્યો છે. આ ટૂર્નામેન્ટની 15મી સિઝન છે.
જો પાકિસ્તાનની ટીમ તેમની બાકીની મેચોમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનને હરાવી દેશે તો તે ફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ જો ભારતીય ટીમ શ્રીલંકા સામે જીતે છે અને અફઘાનિસ્તાન સામે હારે છે તો ત્રણેય ટીમોના 2-2 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રન રેટ મહત્વપૂર્ણ રહેશે.