બાળપણમાં આપણે એક વાર્તા સાંભળતા હતા કે એક હતો વાણિયો એ એટલો સમૄધ્ધ હતો કે તેના બાર વાહણ વિદેશોમાં માલ વેચવા જતા..!મતલબ કે સદીઓ પહેલાલ લખાયેલું સત્ય છે કે જેટલો તમારો વિદેશ વ્યાપાર વધે એટલી તમારી સમૄધ્ધિ વધૈ. ભારત સરકાર દેશનો વિદેશ વ્યાપાર વધારવા અને દેશના નિકાસકારોને નિકાસનું સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે નવી વિદેશ વ્યાપાર નીતિ લાવી રહી છે. આ નીતિમાં નવી પેઢીની દુકાન ગણાતા ઇ-કોમર્સનો પણ સમાવેશ થવાની સંભાવના છે.
વર્ષ 2015 થી 2020 સુધીની વિદેશ વ્યાપાર નીતિ અર્થાત ફોરેન ટ્રેડ પોલિસી માર્ચ-2020 માં પુરી થઇ હતી પણ કોવિડ-19 ની મહામારીનાં કારણે તે માર્ચ-2021 સુધી અને ત્યારબાદ સપ્ટેમ્બર-2022 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. હવે ભારતનું ઉદ્યોગ જગત આ નવી નીતિ ઉપર મીટ માંડીને બેઠું છે. કારણ કે સરકારી સુત્રોનો દાવો છે કે નવી નીતિે ભારતના નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધારે સ્પર્ધાત્મક બીડ કરવા સક્ષમ બનાવશે. જે સરવાળે નિકાસમાં વધારો કરશે. આ નીતિમાં એક્સપોર્ટ બેનીફીટ યોજનાઓ આવી રહી હોવાનું જણાવાય છે.
ઇ-કોમર્સ ઉપરાંત આ નીતિમાં દેશનાં અમુક જિલ્લાઓને એક્સપોર્ટ હબ બનાવવાની તથા વૈશ્વિક કારોબારીઓને આ એક્સ્પોર્ટ હબ સાથે જોડવાની યોજના હોવાનું જાણવા મળે છે. જેના કારણે આ જિલ્લાઓમાં રોજગારની નવી તકો પણ ઉભી થશે. નવી નીતિમાં નિકાસકારો માટે કમ્પ્લાયન્સના નિયમો હળવા કરીને દસ્તાવેજી માથાકુટ ઓછી કરવામાં આવશે. નાના ઉદ્યોગોને નાણાકિય સહયોગ પણ મળી રહેશે.
યાદ રહે કે વર્ષ-2022 માં ભારતની નિકાસ 420 અબજ ડોલરના વિક્રમી આંકડે પહોંચી હતી. આ સમયગાળાની નિકાસને ધ્યાનમાં રાખીને સરકાર નીતિમાં જોગવાઇ કરી રહી છે. વર્ષ-2030 સુધીમાં દેશની નિકાસ એક ટ્રિલિયન ડોલરે પહોંચડવાનું સરકારનું લક્ષ્યાંક છે. માર્ચ-2022 માં રશિયાનાં યુક્રેન ઉપરનાં હુમલાનાં કારણે સરકારની નીતિ વિલંબમાં પડી હતી હવે સરકાર નવા વૈશ્વિક પરિબળોનાં આધારે સરકાર ભારતની વિદેશ વ્યાપાર નીતિ લાવી રહી છે જેમાં રશિયા-યુક્રેન યુધ્ધ બાદ વૈશ્વિક બજારમાં ભારતને વેપારની મળનારી નવી તકોનો પણ સમાવેશ કરી લેવાશે.
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે 2021-22 માં ભારતે કુલ 670 અબજ ડોલરની નિકાસ કરી છૈ જેમાંથી 250 અબજ ડોલરની નિકાસ સર્વિસ સેક્ટરની છે જ્યારે 420 અબજ ડોલરની મર્ચન્ડાઇઝ નિકાસ છે. જેના કારણે હવે ભારત નિકાસ વેપારમાં વિશ્વનાં ટોપ-10 દેશોની યાદીમાં આવી ગયું છે.
જો કે વાણિયાની વાર્તા આયાતની કોઇ વાત નહોતી. અહીં આપણે દેશની આયાત ઉપર પણ નજર રાખવી પડે છે. આંકડા બોલે છે કે દેશની મચર્ચન્ડાઇઝ વ્યાપાર ખાધ 55 ટકા જેટલી વધી છે. જેના માટે સૌથી વિશેષ જવાબદાર છૈ ક્રુડતેલનાં આસમાને ચડેલા ભાવ અને કિંમતી તથા ઓદ્યોગિક ધાતુઓના ભાવમાં આવેલો ઉછાળો. આ ઉપરાંત યુક્રેન યુધ્ધનાં કારણે ખાદ્યતેલો અને અન્ય આવશ્યક વસ્તુઓનાં ભાવમાં જે ઉછાળો આવ્યો તેની પણ વિપરીત અસર પડી છે. આંકડા એવું પણ બોલે છે કે ભારતની મર્ચન્ડાઇઝ ટ્રેડ ડીફીસીટ 18.5 અબજ ડોલર જેટલી વધી છે. કારણ કે નિકાસ 20 ટકા વધી છે સામે આયાત 24 ટકા વધી છે. દેશની મચર્ચન્ડાઇઝ આયાત 611.89 અબજ ડોલરે પહોંચી છે. જે 192.24 અબજ ડોલરની ખાધ દેખાડે છે.
ઇકોનોમિક્સના સિધ્ધાંતો કહે છે કે આયાત ઘટે અને નિકાસ વધૈ ત્યારે દેશને લાભ થતો હોય છે. અહીં ભારતનાં કેસમાં દેશની તિજોરીને કેટલો લાભ થયો તેની સમિક્ષા સરકારે કરવાની જરૂર છે. સરકાર વધતી નિકાસનાં આંકડા મિડિયામાં પ્રસિધ્ધ કરીને માર્કેટિંગ સારું કરી લે છે. પણ આયાત ઘટાડવાનાં પગલાં લઇ શકતી નથી. જે એક ચિંતાનો વિષય છે. ટૂંકમાં કહીએ તો પીળું ઐટલું સોનું નથી હોતું.. પણ સોનું,ક્રુડતેલ તથા બીનજરૂરી વિદેશી માલોની આયાત ઘટાડીને તથા મેઇક ઇન ઇન્ડિયાનાં ક્ધસેપ્ટને આગળ વધારીને આપણે નિકાસ તથા આયાત વચ્ચેનું અંતર ઘટાડી શકીઐ છીએ. આ ઉપરાંત સરકારે જે દેશો વ્યવસાયિક કરારો કર્યા હોવા છતાં પણ ભારતમાંથી માલ ઉઠાવતા નહોય તેવા દેશો સાથે કારોબાર ઘટાડવાની જોગવાઇ પણ નવી નિકાસ નીતિમાં કરવી પડશે.