નવા મતદાર નોંધણી અને સુધારણા, ઈ.વી.એમ. સ્ટોક તેમજ સ્વીપની કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરતા કલેકટર અરૂણ મહેશ બાબુ
આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે પ્રેઝન્ટેશન દ્વારા મતદાર નોંધણી, મતદાર સુધારણા યાદીની કામગીરી, ઈ.વી.એમ. સ્ટોક, સ્વીપ દ્વારા જનજાગૃતિ અર્થે કરવામાં આવતી કામગીરી વગેરે બાબતોની રજૂઆત કરી હતી.
યુવા મતદારોની વધુમાં વધુ નોંધણી અર્થે શાળા કોલેજમાં કેમ્પ, દિવ્યાંગો માટે બ્રાન્ડ એમ્બેસેડર સહિતની કામગીરી, 80 થી વધુ ઉંમરના વૃદ્ધ મતદારો, થર્ડ જેન્ડર સહિતના મતદાતાઓ માટેની કામગીરી વગેરે અંગેની માહિતી કલેકટરશ્રી દ્વારા પુરી પાડવામા આવી હતી.
કલેકટર એ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદાન સંદર્ભે ચૂંટણી સ્ટાફની ડેટા એન્ટ્રીની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. રાજકોટના તમામ મતદાન મથકોનું પુન:ગઠન થઈ ચૂક્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલા લોકમેળા દરમ્યાન મેળાની મુલાકાતે આવતા નાગરિકો દ્વારા સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ સ્ટોલની મુલાકાત લઈ મતદાન અંગે મેળવેલ માહિતીની ગાંધીનગર કચેરી દ્વારા સરાહના કરવામાં આવી હતી. આજરોજ યોજાયેલી આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર,અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર, તેમજ ચૂંટણી મામલતદાર ઓ જોડાયા હતાં.