બ્રિટનને પાછળ રાખીને ભારત બની વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
ભારતની અર્થવ્યવસ્થા કોરોના રોગચાળાને હરાવીને ઝડપી ગતિએ વિસ્તરી છે. એક અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા રહ્યો છે. તે જ સમયે, શુક્રવારે જાહેર કરાયેલ બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ભારતે 2021 ના છેલ્લા ક્વાર્ટરમાં બ્રિટનને પાછળ છોડી દીધું છે. ભારત હવે બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. જો કે હવે આવનારા 5 વર્ષ અર્થતંત્ર માટે અચ્છે દિન બનવાના છે. ભારતનો વૃદ્ધિદર જે રીતે આગળ વધી રહ્યો છે તેને ધ્યાને લઈ એ વાત સ્પષ્ટ છે કે ભારતની અર્થવ્યવસ્થા માટે આવનારા પાંચ વર્ષ પછી દિન સમાન છે કારણ કે અન્ય દેશોની અર્થવ્યવસ્થા જે રીતે આગળ વધી રહી છે તેની સરખામણીમાં ભારત દેશની અર્થવ્યવસ્થા જેટ ગતિએ આગળ વધે છે અને વિવિધ ઉત્પાદન સહિતના ક્ષેત્રોમાં વૃદ્ધિ આવતા અને અર્થ વ્યવસ્થા માટે અચ્છે દિન સાબિત થશે.
નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર ભારતનું જે પ્રદર્શન રહ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે અને તેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળી છે. વધુને વધુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથે પૂરતી રોજગારી મળતી રહે તે માટેના પગલાઓ પણ સરકાર દ્વારા ભરવામાં આવ્યા છે. આ ઉપાય નિકાસ વધારવામાં પણ સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. એટલું જ નહીં હોટલની સાથે ટુરીઝમ ક્ષેત્ર જે રીતે વિકાસ પામી રહ્યું છે તો સામે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ અનેકવિધ નવા આવિષ્કારો થતા મેડિકલ ક્ષેત્રમાં પણ ખૂબ સારી વૃદ્ધિ જોવા મળી છે જે સંપૂર્ણ રીતે દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે. અત્યારના સમયમાં પણ આ તમામ ક્ષેત્રમાં વૃદ્ધિ રહેવાના કારણે દેશની અર્થવ્યવસ્થા માટે અચ્છે દિન શરૂ થઈ ગયા છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જીડીપી ડેટા અનુસાર, ભારતે પ્રથમ ક્વાર્ટરમાં ફાયદો કર્યો છે. અમેરિકા અત્યારે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે બીજા નંબરે ચીન પછી જાપાન અને જર્મની આવે છે. એક દાયકા પહેલા ભારત આ યાદીમાં 11મા નંબરે અને બ્રિટન પાંચમા નંબરે હતું. ભારતે બીજી વખત આ કારનામું કર્યું છે. અગાઉ 2019માં પણ બ્રિટન છઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયું હતું.
દેણું કરીને ઘી પીતું ભારત બાહ્ય દેવું 8.2 ટકા વધીને 49 લાખ કરોડને પાર
ભારત હાલ દેણું કરીને ઘી પી રહ્યું છે. જેથી દેશના વિકાસમાં ક્યાંય નાણાંના અભાવે વિકાસ અટકે નહિ. માર્ચ 2022ના અંતે ભારતનું બાહ્ય દેવું એક વર્ષ અગાઉની સરખામણીએ 8.2 ટકા વધીને 620.7 બીલીયન ડોલર થયું છે. નાણા મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશના આ બાહ્ય દેવાના 53.2 ટકા યુએસ ડોલરના રૂપમાં છે જ્યારે ભારતીય રૂપિયાના રૂપમાં ચૂકવવાપાત્ર દેવું 31.2 ટકા છે. કુલ સ્થાનિક ઉત્પાદનના ગુણોત્તર તરીકે બાહ્ય દેવું 19.9 ટકા હતું. વિદેશી ઋણ અને વિદેશી મુદ્રા ભંડારનો ગુણોત્તર 97.8 ટકા હતો. જોકે, 97.8 ટકાના રેશિયો તરીકે વિદેશી વિનિમય અનામત એક વર્ષ અગાઉના 100.6 ટકાની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. નાણા મંત્રાલયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશનું લાંબા ગાળાનું દેવું 499.1 બિલિયન ડોલર છે, જે કુલ બાહ્ય દેવાના 80.4 ટકા છે. તે જ સમયે, ટૂંકા ગાળાના દેવાનો હિસ્સો 121.7 બિલિયન ડોલર સાથે 19.6 ટકા છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, 19 ઓગસ્ટ, 2022 ના રોજ પૂરા થયેલા અગાઉના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 6.687 બિલિયન ડોલર ઘટીને 564.053 બિલિયન ડોલર થઈ ગયું હતું. 12 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.23 બિલિયન ઘટીને 570.74 બિલિયન ડોલર થયું હતું. 5 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 897 મિલિયન ઘટીને 572.97 બિલિયન ડોલર થયું હતું.
ફુગાવાનો ટ્રેન્ડ હવે નીચે તરફ જઈ રહ્યો છે: આરબીઆઇ ગવર્નર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એક નિવેદનમાં જણાવ્યું કે ફુગાવાનો ટ્રેન્ડ હવે નીચે તરફ જઈ રહ્યો છે. ભારતમાં ફુગાવો આગામી મહિનાઓમાં નીચે આવવાની શક્યતા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે મોંઘવારી વૈશ્વિક ઘટના બની ગઈ છે. વૈશ્વિક સ્થિતિને જોતા આપણે કહી શકીએ કે ભારતમાં મોંઘવારી એપ્રિલમાં તેની ટોચ પર પહોંચી ગઈ હતી, પરંતુ હવે તે ધીરે ધીરે નીચે આવશે. તેઓએ ઉમેર્યું કે ફુગાવા સામેની લડતમાં વિકાસનું બલિદાન કાયમ ઓછામાં ઓછું જ રહેશે. આરબીઆઈ ગવર્નરના મતે આગામી મહિનાઓમાં થોડી અસ્થિરતા જોવા મળશે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોંઘવારી નીચે તરફ જવાના ઘણા કારણો છે. સૌથી પહેલા ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી રહી છે. કોમોડિટી અને ખાદ્યપદાર્થોના ભાવ પણ નરમ પડ્યા છે. શક્તિકાંત દાસે, જોકે, આગામી પોલિસી મીટિંગ પછી જાહેર કરી શકાય તેવા પાસાઓ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે નાણાકીય નીતિના સંદર્ભમાં કોઈ વધુ માર્ગદર્શન આપવું મુશ્કેલ અને ખોટું પણ હશે કારણ કે પરિસ્થિતિ સતત બદલાતી રહે છે.
માર્ચ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનું કદ 68 લાખ કરોડનું થયું
ભારતે હાલમાં જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. આ હિસાબે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા હતો, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે. રોકડના સંદર્ભમાં, માર્ચ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનું કદ 854.7 બિલિયન ડોલર હતું, જ્યારે યુકેનું અર્થતંત્ર 816 બીલીયન ડોલર બિલિયન હતું.
એક સમયે અર્થતંત્ર પીડાયું, બાદમાં ફિનિક્સ પક્ષીની જેમ ઉડતું થયું
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસના જણાવ્યા અનુસાર, 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વર્તમાન કિંમતો પર નજીવી જીડીપી 26.7% વધીને 64.95 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2021-22ના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 51.27 લાખ કરોડ હતો. વર્તમાન ભાવે જીડીપી 2021-22માં 32.4 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) 12 ટકા વધીને રૂ. 34.41 લાખ કરોડ થયો છે. 2020 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપી રૂ. 27.03 લાખ કરોડ હતી. 2020-21 ના પ્રથમ ક્વાર્ટરમાં, કોરોના રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે 23.8 ટકાનો ઘટાડો થયો હતો.
રાજકોષીય ખાધ પણ નજીવી ઘટીને 20.5% થઈ ગઈ
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના એટલે કે એપ્રિલ-જુલાઈ દરમિયાન રાજકોષીય ખાધ વાર્ષિક લક્ષ્યાંકના 20.5 ટકા સુધી ઘટી ગઈ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે 21.3 ટકા હતી. જો કે, તાજેતરના આંકડાઓને રાજકોષીય ખાધના સંદર્ભમાં જાહેર નાણાંની સ્થિતિમાં સુધારાના સંકેત તરીકે જોવામાં આવે છે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ ના તાજેતરના ડેટા અનુસાર, એપ્રિલ-જુલાઈ દરમિયાન રાજકોષીય ખાધ એટલે કે ખર્ચ અને આવક વચ્ચેનું અંતર રૂ. 3,40,831 કરોડનું હતી. આ ખાધ સરકાર દ્વારા બજારમાંથી લીધેલી લોનને પણ દર્શાવે છે.
ડિજિટલ લોન લેનારાઓને રાહત આપવા આરબીઆઈએ જાહેર કરી ગાઈડલાઈન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફિનટેક કંપનીઓ દ્વારા લોનના નામે ચાલતી છેતરપિંડીને રોકવાની કવાયતના ભાગરૂપે અંતિમ માર્ગદર્શિકા જારી કરી છે. આ દિશાનિર્દેશો અનુસાર, ડિજિટલ લોન આપતા પ્લેટફોર્મ ગ્રાહકના ખાતામાં સીધી લોનની રકમ જમા કરશે. તેઓ આ માટે કોઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. ધિરાણ સેવા પ્રદાતા તરફથી કોઈપણ વિસંગતતાના કિસ્સામાં, તે લોન આપતી નિયમનકારી એન્ટિટી એટલે કે એનબીએફસી કંપનીની જવાબદારી રહેશે.
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, વાર્ષિક ટકાવારી દર (એપીઆર) માં તમામ પ્રકારના ભંડોળના ખર્ચ, ક્રેડિટ ખર્ચ, ઓપરેટિંગ ખર્ચ, પ્રોસેસિંગ ફી, વેરિફિકેશન ચાર્જિસનો સમાવેશ કરવો જરૂરી રહેશે. લોન ચાલુ ન રાખવાના કિસ્સામાં, ગ્રાહકે કૂલિંગ ઑફરનો સમયગાળો આપવો પડશે. આ સાથે ગ્રાહકો અનુકૂળ રીતે લોનમાંથી બહાર નીકળી શકશે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, નિયમન કરાયેલ એન્ટિટીના બેંક ખાતામાંથી જારી કરાયેલ લોનની રકમ સીધી ગ્રાહકના બેંક ખાતામાં મોકલવી જરૂરી રહેશે.
લોન ફિનટેક કંપની લોનની બાકી રકમ પર જ વ્યાજ વસૂલ કરી શકશે. આ સિવાય કંપનીના ફેક્ટ સ્ટેટમેન્ટમાં એપીઆરના દરનો ઉલ્લેખ કરવો પણ ફરજિયાત રહેશે. ગ્રાહકના અંગત ડેટા સાથે સંબંધિત જવાબદારી લોન આપનારી રેગ્યુલેટેડ એન્ટિટી કંપની પર રહેશે.
ડિજિટલ એપ દ્વારા ધિરાણ આપતી કંપનીએ ગ્રાહકની લોન વિશે ક્રેડિટ માહિતી કંપનીઓને જાણ કરવી પડશે. આ સિવાય કંપની ગ્રાહકોની મંજૂરી વિના તેનાથી સંબંધિત કોઈપણ ડેટા કોઈની સાથે શેર કરી શકશે નહીં. આ બાબતો ઉપરાંત, આરબીઆઈની માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધિરાણ આપતી કંપનીએ ફરિયાદ નિવારણ અધિકારીની પણ નિમણૂક કરવી પડશે.
વાર્ષિક ધોરણે બ્રિટન અને ચીનને ભારત પાછળ છોડી દે તેવો અંદાજ
બ્રિટનની જીડીપી 3.19 લાખ ડોલર છે. 7 ટકાના અંદાજિત વૃદ્ધિ દર સાથે, ભારત આ વર્ષે પણ વાર્ષિક ધોરણે યુકેને પાછળ છોડી દે તેવી શક્યતા છે. ચીન ભારતના વિકાસની નજીક પણ નથી. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતના વિકાસ દરની વાત કરીએ તો ચીનની આસપાસ પણ નથી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર 0.4 ટકા રહ્યો છે. તે જ સમયે, અન્ય ઘણા અંદાજો સૂચવે છે કે વાર્ષિક ધોરણે પણ, ચીન ભારતની તુલનામાં પાછળ રહી શકે છે.
મુખ્ય આઠ ઉદ્યોગોનો વિકાસ દર છ મહિનામાં સૌથી નીચો રહ્યો છતાં અર્થતંત્રનું પ્રદર્શન સારૂ
એનએસઓના ડેટા અનુસાર, આઠ મુખ્ય ઉદ્યોગોનો વિકાસ દર જુલાઈમાં ધીમો પડીને 4.5 ટકા થયો હતો. ઉત્પાદન વૃદ્ધિનો આ દર છ મહિનામાં સૌથી નીચો છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે 9.9 ટકા હતો. મૂળભૂત ઉદ્યોગોનો વિકાસ દર જૂનમાં 13.2 ટકા, મેમાં 19.3 ટકા, એપ્રિલમાં 9.5 ટકા, માર્ચમાં 4.8 ટકા, ફેબ્રુઆરીમાં 5.9 ટકા અને જાન્યુઆરીમાં 4 ટકા હતો. ડેટા અનુસાર, કોલસો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી જેવા આઠ મુખ્ય ઉદ્યોગો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં એટલે કે એપ્રિલ-જુલાઈમાં 11.5 ટકાના દરે વૃદ્ધિ પામ્યા હતા. . 2021-22ના સમાન સમયગાળામાં તે 21.4 ટકા હતો. સમીક્ષા હેઠળના મહિનામાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઉત્પાદનમાં અનુક્રમે 3.8 ટકા અને 0.3 ટકાનો ઘટાડો થયો છે.
કૃષિ અને સેવા ક્ષેત્રે અર્થતંત્રની ગતિમાં વધારો કર્યો
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના મતે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સર્વિસ સેક્ટરનો વિકાસ દર 17.6 ટકા હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 10.5 ટકા હતો. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 4.5 ટકા રહ્યો. 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં તે 2.2 ટકા હતો. નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓનો વિકાસ 2.3 ટકાથી વધીને 9.2 ટકા થયો છે. વધુમાં, વીજળી, ગેસ, પાણી પુરવઠો અને અન્ય ઉપયોગિતા સેવાઓ 14.7 ટકાના દરે વૃદ્ધિ પામી છે, જે 2021-22ના સમાન ક્વાર્ટરમાં 13.8 ટકા હતી. જાહેર વહીવટ, સંરક્ષણ અને અન્ય સેવાઓનો વિકાસ દર 6.2% થી વધીને 26.3% થયો છે. કૃષિ અને સેવા ક્ષેત્રની મજબૂત કામગીરી ભારતીય બજારમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધારશે અને રોકાણ આકર્ષવામાં પણ મદદ કરશે.
- અર્થતંત્ર પ્રત્યેની બેદરકારી દેશની હાલત બદતર બનાવી શકે!!
- પાકિસ્તાનમાં ફુગાવો 47 વર્ષની ટોચે
પાકિસ્તાનમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. જેના કારણે ત્યાંના જનજીવનને ભારે અસર પહોંચી છે. ઓગસ્ટમાં ફુગાવો 27 ટકાથી વધુની 47 વર્ષની ટોચે પહોંચ્યો હતો. આ સંદર્ભમાં, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ દેશમાં વિરોધ પ્રદર્શન અને અસ્થિરતા સામે ચેતવણી આપી છે.
યુક્રેનમાં યુદ્ધને કારણે, ખાદ્યપદાર્થો અને ઇંધણના ઊંચા ભાવ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર દબાણ વધારી શકે છે. આ સમયે દેશભરમાં વિરોધ વંટોળનું જોખમ ઉપરાંત, સામાજિક-રાજકીય દબાણ વધુ રહેવાની અપેક્ષા છે. ખાસ કરીને નબળા રાજકીય ગઠબંધન અને સંસદમાં તેમની બહુમતી ઓછી હોવાને કારણે નીતિ અને સુધારાના અમલીકરણ પર પણ અસર પડી શકે છે. આ બધું નીતિના નિર્ણયોને અસર કરી શકે છે અને નાણાકીય ગોઠવણ વ્યૂહરચનાને નબળી પાડી શકે છે. વધુમાં, નજીકના ગાળામાં સ્થાનિક ધિરાણની જરૂરિયાતોમાં વધારો નાણાકીય ક્ષેત્રની શોષણ ક્ષમતામાં વધારો કરી શકે છે અને બજારમાં વિક્ષેપો પેદા કરી શકે છે. આઈએમએફએ જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરો,વિનિમય દરનું દબાણ, નવેસરથી પોલિસી રિવર્સલ, નબળી મધ્યમ ગાળાની વૃદ્ધિ અને રાજ્ય-માલિકીના સાહસોને લગતી આકસ્મિક જવાબદારીઓથી નોંધપાત્ર જોખમો ઉદભવે છે.
- કઠોળનું ઉત્પાદન ભલે ઓછું થાય, લોકોને સરળતાથી મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ
- કઠોળ વાવેતરમાં 4.3 ટકાનો ઘટાડો: સરકાર આયાત સરળ રાખશે
વર્તમાન ખરીફ વાવણીની મોસમ દરમિયાન કઠોળ હેઠળના વાવેતર વિસ્તારમાં લગભગ 4.3% ઘટાડાના અહેવાલ વચ્ચે, જે એકંદર ઉત્પાદનને અસર કરી શકે છે, એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક માંગને પહોંચી વળવા ઉદાર આયાત ચાલુ રાખશે.
કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, તુવેરનો વાવેતર વિસ્તાર લગભગ 6% ઘટ્યો છે અને અડદ અને મગના કિસ્સામાં, તે દરેક 4% ની નજીક છે. આ સિઝનમાં કઠોળનો કુલ વાવેતર વિસ્તાર 129.5 લાખ હેક્ટર રહ્યો હતો જે ગયા વર્ષે અંદાજે 135.5 લાખ હેક્ટર હતો.
ઈન્ડિયા પલ્સ એન્ડ ગ્રેન્સ એસોસિએશન દ્વારા આયોજિત વેબિનારમાં બોલતા, યુનિયન ક્ધઝ્યુમર અફેર્સ સેક્રેટરી, રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે આગામી બે મહિનામાં કઠોળની માંગ રહેશે અને આ વર્ષે ઉત્પાદનનો અંદાજ સારો નથી. સિંહે કહ્યું કે તુવેર અને અડદ પહેલાથી જ મફત આયાત વ્યવસ્થા હેઠળ છે.
સેક્રેટરીએ કહ્યું, તે વાસ્તવિકતા છે કે જ્યાં સુધી આપણે આત્મનિર્ભર ન બનિએ ત્યાં સુધી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે કઠોળની આયાત કરવી પડશે. “આપણી પાસે પૂરતું સ્થાનિક ઉત્પાદન નથી, તો તમે વિદેશી બજારમાંથી કઠોળની આયાતની સુવિધા માટે સરહદો ખુલ્લી રાખી છે.
તેમણે ઉમેર્યું હતું કે અગાઉ આયાત માટેના નિર્ણયો ત્રણ મહિના કે છ મહિના માટે હતા. પરંતુ અન્ય દેશોના ખેડૂતો કે જેઓ મુખ્યત્વે ભારત માટે દાળનું ઉત્પાદન કરે છે તેમને યોગ્ય સંકેત આપવા માટે આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કઠોળનું વાર્ષિક સ્થાનિક ઉત્પાદન આશરે 260 લાખ ટન છે, જ્યારે ભારતમાં 270 લાખ ટનથી વધુ વપરાશ થાય છે.
આઈપીજીએના ચેરમેન, બિમલ કોઠારીએ જણાવ્યું હતું કે ચોમાસું મોડું થયું હોવા છતાં, જુલાઈ અને ઓગસ્ટમાં વધુ સક્રિય રહ્યું છે, જે ઉત્પાદનમાં વધારો કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે વધુ સારું ઉત્પાદન “આખરે ભાવની સ્થિરતા જાળવી રાખશે અને આયાત પર નિર્ભરતા ઘટાડશે”.