કુંજેશ કુમારજીની મધુર વાણીનો ભક્તો લેશે લાભ
પુષ્ટિધામ હવેલી પાટોત્સવના પ્રથમ દિવસે શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ રસપાનનું ગોસ્વામી કુંજેશ કુમારજીના મુખેથી મધુર વાણીથી વૈષ્ણવો રસબોળ થયા અને નંદ મહોત્સવનો આનંદ માણ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં ગોસ્વામી રાજેશકુમારજી મહારાજ દ્વારા પોથીને માળા અર્પણ તથા પૂજન કરવામાં આવ્યા. વલ્લભ કુળના ઉ5સ્થિત આચાર્યોનું પુષ્પમાલા દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું. પ્રથમ દિવસે રાત્રે ટાઢીલીલાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે કથા સમય 3 થી 7 દરમિયાન ગોવર્ધન લીલા વગેરે પ્રસંગો ઉજવવામાં આવશે. તા.3 સપ્ટેમ્બર કથા 2:30 થી 5:30 સમય બાદ ઠાકોરજીની શોભાયાત્રા વાજતે ગાજતે પુષ્ટિધામ હવેલી 23/28 રણછોડ નગરથી નારાયણ નગર રણછોડ વાડી, પારૂલ, બગીચો, અલકાક પાર્ક મેઇન રોડ, પેડક રોડ, બાલક હનુમાન ચોક, પાણીનો ધોડો, ત્રાસિયો રોડ શારદામણી સ્કૂલ – ચંપકનગર જીલ આઇસ્ક્રીમ રણછોડનગર, આનંદ ભવન રોડ, વેકરિયા રોડ, અલંકાર પાનવાળો રોડ નાલંદા સ્કૂલ રણછોડનગરથી પુષ્ટિધામ હવેલીએ પહોંચશે. જેમાં હજારો ભક્તો આ શોભાયાત્રામાં જોડાશે.
છપ્પનભોગ બડોમનોરથ :
છપ્પનભોગ એટલે ઠાકરોજીને ધરાવાની છપ્પન પ્રકારની સામગ્રી. આ બહુ ઉત્તમ પ્રકારની ભોજનની સામગ્રી હોય છે. તે ભાગરૂપે ઠાકોરજીને ધરાવાય છે. વૈષ્ણવોમાં છપ્પન પ્રકારની સામગ્રી કરી ઠાકોરજીને ધરાવવાનો ઉત્સવ રંગબેરંગી છે. ગીરીરાજજીનો છપ્પનભોગ વિશેષરૂપે શરૂ થયો હતો. સાથે સમસ્ત વ્રજ મંડળને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રિત કર્યા. આ સમય દરમિયાન બ્રહ્માજીએ સંકેત નામના સ્થાનમાં કૃષ્ણ અને રાધિકાજીના વિવાહ કરાવી દીધા. “ભોજન વિવાહ” નિમિતે ભોજનનું સ્વરૂપ લીધું, નંદરાયજી સમસ્ત વ્રજ ચોરાસી કોષના મંડળ સહિત ભોજન માટે પધાર્યા. એ ભાવને ધ્યાનમાં રાખી છપ્પનભોગના મનોરથ સમયે નંદરાયજી, યશોદાજી, રોહિણીજી, બલરામજી, કિર્તીજી વગેરે જુદાજુદા સ્વરૂપોના જુદાજુદા સિંહાસનો પધારવવામાં આવે છે અને ખાસ શ્ર્લોક બોલવામાં આવે છે.
વ્રજને કમળના આકાર સ્વરૂપ માનવામાં આવે છે. જેમાં પ્રથમ આઠ પાંખડીઓ છે, પછી સોળ અને ત્યાર બાદ બત્રીસ પાંખડીઓ છે. 56 પાંખડીઓ અને એનાથી યુક્ત આ વ્રજમંડળ છે. આમ વ્રજમંડળની ભાવના વ્યક્ત કરવા છપ્પનની સંખ્યા રાખવામાં આવી છે. આમ છપ્પનની સંખ્યા અને છપ્પનભોગનું પુષ્ટિમાર્ગમાં આધ્યાત્મિક મહત્વ છે.