જૈનો ક્ષમાયાચના અને પશ્ચાતાપ કરશે: કાલે તપસ્વીઓના પારણા
પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે સંવત્સરી. આજે સંવત્સરી નિમિતે બારસાનું સૂત્રનું વાંચન કરવામાં આવશે.
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ એટલે કે જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમાએ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. મહાવીર સ્વામી સ્વયંક્ષમાના સાગર હતા,
તેમના ઉપર અનેક વિઘ્નો ઉપસર્ગો આવ્યા હોવા છતાં તેઓ સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ જ રહેતા હતા. સંવત્સરી દરમિયાન આરધકો લગભગ 3 કલાકનું પ્રતિક્રમણ કરે છે. જેમાં સર્વજીવોની ક્ષમાયાચના કરવામાં આવે છે.
મન, વાણી અને હૃદ્યને શુધ્ધ કરી ક્ષમા માંગવાનો અવસર કહેવામાં આવે. સંવત્સરી મહાપર્વ નિમિતે આજે જૈનો એકમેકને ‘મિચ્છામી દુક્કડમ્’ કહી ક્ષમાપના કરશે. જીવનમાંથી આરાધના-સાધના કરવા માટે મળેલા એક મહત્વપૂર્ણ વર્ષની બાદબાકી થયાનો સૂચક સંવત્સરી શબ્દ છે. આગમના અંતિમ ભાગમાં ક્ષમાપના કરવાનો ઉપદેશ પરમાત્મા મહાવીર સ્વામીએ આપેલો છે. જેને ઝીલીને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વર્ગ એક વર્ષ દરમિયાન પરસ્પર થયેલા અવિનય-અપરાધ આદિ અનુચિત વ્યવહારોની અત:કરણથી માફી માંગી આત્માને ખૂબ હળવો બનાવે છે. સવારે ગુરૂ ભગવતો વ્યાખ્યાના બારસા સૂત્રનું વાંચન કરશે. તે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે. બપોરના ત્રણ વાગ્યે તમામ ઉપાશ્રયોમાં સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરાશે.