પ્રતિસ્પર્ધાના યુગમાં તેમજ ખાનગી ટેલીફોન કંપનીને સ્પર્ધા આપવા ગ્રાહકોને અત્યાધુનિક ટેકનોલોજી તેમજ સારી ગુણવતાવાળી સર્વિસ આપવું હાલના સમયમાં ખુબ જ અનિવાર્ય બન્યું છે. ત્યારે બીએસએનએલ રાજકોટ દ્વારા એનજીએન સીસ્ટમની શરુઆત કરી આ મામલે આગેકૂચ કરવામાં આવી છે.
ભારત સંચાર નિગમ લિમીટેડ દ્વારા રાજકોટ દૂરસંચારના ઉપક્રમે હિંદી સપ્તાહ સમાપન તેમજ નેકસ્ટ જનરેશન નેટવર્ક (એનજીએન) ની વિશિષ્ટ સેવાનો પ્રારંભ રાજકોટ જીલ્લાના પીજીએમ ધર્મેન્દ્ર શર્માના હસ્તે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિંદી સપ્તાહ અંતર્ગત યોજવામાં આવેલ વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનવામાં આવ્યા હતા.
આજના પ્રસંગે બીએસએનએલની ગ્રાહકલક્ષી સેવાઓના વિસ્તરણમાં મોરપીંછ ઉમેરતી એનજીએન સેવાનો મંગલ પ્રારંભ કરતા પીજીએમ ધમેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે હવે પછી બીએસએનએલ લેન્ડલાઇન પર એનરોઇડ ફોન જેવી ફોન સેવાઓ પણ ઝડપથી આપી શકાશે.
જેમાં લેન્ડલાઇન પર સીયુજી (કલોજડ યૂજર્સ ગ્રુપ) સેવામાં ગ્રાહક પોતાના મિત્ર વર્તુળ તથા ફેમીલી વચ્ચે એક ગ્રુપ રચી ગ્રુપમાં અનલિમિટેડ ફ્રી વાત કરી શકશે જેનો સાધારણ માસિક ચાર્જ ગ્રાહકે ચુકવવાનો રહેશે.
મલ્ટિમીડીયા વીડીઓ કોલ આ સેવામાં એનજીએન લેન્ડલાઇન પરથી ગ્રાહક વિડીઓ કોલ્સ કરી શકશે જેનો ચાર્જ નોર્મલ કોલ પ્રમાણે રહેશે.
ઓડીયો કોન્ફરસીંગ સેવામા એનજીએન લેન્ડલાઇન પર થી ગ્રાહક ૩૦ થી વધુ વ્યકિતઓ વચ્ચે ઓડીઓ કોફન્ડરસીંગ કરી શકશે. તેમજ લિમિટેડ ફિકસ મોબાઇલ ટેલીફોન સેવામાં ગ્રાહક એનજીએન બ્રોડબેંડ કનેકશન પરથી વાઇફાઇ દ્વારા પોતાનો મોબાઇલ નો લેન્ડલાઇન તરીકે ઉપયોગ કરી શકશે. જેથી ગ્રાહકને લિમિટેડ મોબિલીટી પણ લેન્ડલાઇન પર ઉપલબ્ધ થશે જે એક પ્રકારે કોડલેસ ફોનના વિકલ્પ તરીકે કાર્ય કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડલાઇન ફોનમાં ઇજારાશાહી જેવો દરજજો ધરાવતા બીએનએનએલની આ ક્ષેત્રમાંથી વધુને વધુ લાભ મેળવવાની નીતી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રારંભીક તબકકે અન્ય સેવા સાથે સંકળાયેલા હોય તેવા ૩૬ હજાર જેટલા ગ્રાહકો એનજીએનમાં માઇગ્રેટ થયા હતા. સૌ ટકા ગ્રાહકો આ સર્વિસમાં માઇગ્રેટ થયા હોય તેવો રાજકોટ પહેલો જીલ્લો બન્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.