આઇપીસી, સીઆરપીસી અને એવીડેન્સ એક્ટના કાયદાઓમાં સુધારો કરાશે: 6 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય તેવા ગુનામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરાશે
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ડીએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હવે 6 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય તેવા ગુન્હાની તપાસમાં ફોરેન્સિક તપાસને ફરજીયાત બનાવવા તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે તેવું શહેનશાહે જણાવ્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરવા જઈ રહ્યા છે જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ક્ધવીક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપુર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં “ફોરેન્સિક તપાસ” ફરજિયાત કરવામાં આવશે.
જેનાથી આવા જઘન્ય ગુનાઓમાં દોષસિદ્ધિનો દર વધારવામાં મદદ મળશે તેમ જ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પણ વધશે આ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આ જરૂરી સુધારા કરતા પહેલાં સમગ્ર દેશમાં ફોરેન્સિક નિષ્ણાંત અને સંબંધિત સપોર્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરી દેવામાં આવશે.દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને માતૃભાષાને મહત્વન આપવાની વાત કરી હતી.
આઇપીસી, સીઆરપીસી અને એવીડન્સ એક્ટ જ્યારે બનાવવામાં આવ્યું હતું તે સમય અલગ હતો અને તે સમયમાં ગુન્હાનો પ્રકાર તેમજ ગુન્હો આચરવાની પદ્ધતિ અલગ હતી પરંતુ હવે સમય બદલાતા પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. હવે ગુન્હા અને તે આચરવાની પદ્ધતિ ખૂબ જ બદલાઈ ગઈ છે. હવે ગુન્હો આચરવા માટે ફીઝીકલી હાજર રહેવું જરૂરી નથી. ગુન્હેગારો હવે ડિજિટલી ગુન્હો આચરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ સામે બાથ ભીડવા આઇપીસી, સીઆરપીસી અને એવીડન્સ એક્ટમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ)નો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના મુખ્ય અતિથિ પદે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર, કાયદા અને ન્યાય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, યુગાન્ડાના સંરક્ષણ મંત્રી અને વેટરન અફેર્સ વિન્સેન્ટ સેમ્પિજ્જા, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
શાહે વધુમાં જણાવ્યુ કે, દેશમાં દોષ સિદ્ધિ(ક્ધવીક્શન રેટ) વધારવા માટે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કૌશલ્ય ધરાવતા મેન પાવરની ખુબ જરૂરીયાતને ઘ્યાનમાં રાખીને એનએફએસયુની સ્થાપના કરવામાં આવી હતી. ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફોરેન્સિક મેનપાવર, ફોરેન્સિક ટેકનોલોજી અને ફોરેન્સિક રિસર્ચ આ ચાર સ્તંભોને મજબૂત કરીને વિશ્વમાં ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ભારતને સક્ષમ બનાવવાનું લક્ષ્ય છે. આ ચાર સ્તંભોને મજબૂત બનાવીને ભારતને ફોરેન્સિક રિસર્ચના ક્ષેત્રે દુનિયાનું હબ બનાવાશે. એનએફએસયુ માત્ર ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે નિષ્ણાતો તૈયાર કરવા પૂરતી જ મર્યાદિત નથી પરંતુ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના તમામ અંગો જેવા કે પોલીસ ન્યાયપાલિકા વગેરેને પણ તાલીમ આપી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 28,000 થી વધુ અધિકારીઓને એનએફએસયુ ખાતે તાલીમ અપાઈ ચૂકી છે.
તેમણે ઉમેર્યું કે, આજે આ યુનિવર્સિટી જે ગતિએ વિકાસ કરી રહી છે, તે આગામી દાયકામાં વિશ્વની સૌપ્રથમ નામના મેળવતી યુનિવર્સિટી બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે આ યુનિવર્સિટી ખાતે ડી.એન.એ સેન્ટર ફોર એક્સેલેન્સ, સેન્ટર ફોર એકસેલન્સ સાયબર સિક્યુરિટી અને સેન્ટર ફોર એક્સેલેન્સ ઈન્વેસ્ટીંગ એન્ડ ફોરેનિ્ંસક સાઇકોલોજી જેવા ત્રણ નવીન આયામો કાર્યરત થવાથી ફોરેન્સીક ક્ષેત્રે આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે ન્યાયીક સિસ્ટમને મજબૂત કરવામાં વધુ મદદ મળશે.તેમણે કહ્યુ કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની દેશમા સૌપ્રથમવાર સ્થાપના થઈ હતી ત્યારથી જ સાયકોલોજી વિષય પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આજે આ યુનિવર્સટી એ સમગ્ર દેશનું સૌપ્રથમ વાર આ ત્રણ એકસેલન્સ શરૂ કર્યા છે. જેના પરિણામે અધ્યયન, અધ્યાપન, ટ્રેનિંગ અને રિસર્ચ માટે મહત્વના પુરવાર થશે.
ગુનેગારોને મહત્તમ સજા અપાવવામાં ફોરન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા
ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન મોબાઈલ વેન વિશે જણાવતા અમિત શાહે કહ્યું હતું કે, ગુનાના સ્થળ ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી ફોરેન્સિક વાન તમામ જરૂરી અદ્યતન સાધનો સાથે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ લેબ છે. જે આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે. આ મોબાઇલ લેબ સંપૂર્ણ સ્વદેશી ભારતીય કંપનીએ બનાવેલી લેબ છે જે સમગ્ર દેશના દરેક જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જેથી દેશમાં તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા વધારી જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારી શકાય. હવે થર્ડ ડીગ્રીનો જમાનો નથી, ગુનાઓના ડિટેકશન માટે ફોરેન્સિક સપોર્ટને આધારે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને જરૂરી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવામાં મદદ કરી ગુનેગારોને મહત્તમ સજા અપાવવામાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા છે.