- 2012થી હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ દિવસ ઉજવણીના ભાગરૂપે ઉજવાય છે: આપણી રાષ્ટ્રીય રમત તરીકે જાણીતી હોકીમાં 1928, 1932 અને 1936માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો
- મેજર ધ્યાનચંદે તેમની છેલ્લી મેચ 1948માં રમી હતી, સમગ્ર કાર્યકાળ દરમ્યાન તેમણે 400થી વધુ ગોલ કર્યા હતા જે એક રેકોર્ડ છે: આજે તેમની 117મી જન્મ જયંતિ છે
આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે, રમત-ગમત દરેક માનવીના જીવન સાથે બાળપણથી જોડાયેલી હોય છે. આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. આજનો હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી થાય છે. રાષ્ટ્રીય ખેલ દિવસે રમતગમતમાં રાષ્ટ્રને ગૌરવ આપનાર તમામ ચેમ્પિયનને પણ સમર્પિત છે. દેશમાં રમતના મૂલ્યો વિશે જનજાગૃતિ સાથેના ઉદ્ેશ્ય માટે તમામ રમત પ્રેમી આજે ઉજવણી કરે છે.
શિસ્ત, દ્રષ્તા, રમતની ખેલદીલી, ટીમવર્ક, સ્વસ્થ અને ફિટ રહેવા માટે પણ સ્પોર્ટ્સ દરેક માનવી માટે અગત્યની છે. રમતગમત બાળકોમાં ઘણા ગુણોનું સિંચન કરે છે, આજના યુગમાં તો સ્પોર્ટ્સનું મહત્વ વધારે છે એટલે જ અભ્યાસક્રમમાં પણ શારિરીક શિક્ષણનો વિષય ભણાવવામાં આવે છે.
ભારતીય ઇતિહાસમાં સૌથી મોટા સ્પોર્ટિંગ આઇકન મેજર ધ્યાનચંદને શ્રધ્ધાંજલિ આપણે શું કરી શકીએ તે બાબત જરૂરી છે. આપણાં દેશમાં આજે ક્રિકેટ રમત બહુ જ પ્રખ્યાત છે પણ આ રાષ્ટ્રીય રમત હોકી છે જેમાં આપણે વિશ્ર્વમાં સૌથી વધુ વાર ચેમ્પિયન બન્યા છીએ. આપણી મુખ્ય રમતોમાં ફૂટબોલ, ખો-ખો, ટેનીશ, હોકી અને ક્રિકેટ આઉટડોરમાં ગણાય સાથે ઇનડોર સ્પોર્ટ્સમાં હેન્ડબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ અને બાસ્કેટ બોલ જેવી રમત ગણાય છે. છેલ્લા દશકામાં કબડ્ડીની રમત પણ દેશમાં ઘણી પ્રચલિત થઇ છે. મનોરંજન પ્રવૃત્તિ માટે દોડ, રેસ, દોરડા ખેંચ, એરોબિક્સ જેવી વિવિધ રમતો રમવામાં આવે છે. આજે ગલી ક્રિકેટ ખુબ જ જાણીતું બન્યું છે.
શાળામાં ભણતા છાત્રો પણ સ્પોર્ટ્સના તાસમાં વિવિધ રમતો રમીને શરીર ફીટ રાખી રહ્યા છે. આપણા દેશમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચાલી રહી છે. જેના પગલે લોકો તંદુરસ્તી પરત્વે જાગૃત થયા છે. શરીરની તંદુરસ્તી માટે વોકીંગ, સાયકલીંગ જેવી ઘણી કસરતો કરીને આજનો માનવી તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે. પહેલાના જમાનામાં ઘણા ગ્રાઉન્ડો રમત-ગમત માટે હતા, શાળામાં પણ વિશાળ ગ્રાઉન્ડ હતા પણ આજના યુગમાં તો હવે બાળકોને રમવા માટે મેદાનોની અછત થઇ ગઇ છે. સાથે શાળા પણ મેદાન વગરની જોવા મળે છે. આજના દિવસની સાચી ઉજવણી દરેક મા-બાપે આજે સંતાનો સાથે આપણી દેશી રમતો રમીને ઉજવણી કરવાની જરૂર છે, આમ કરવાથી બાળકો આ રમત વિશે જાણશે અને અન્યો સાથે રમવા પ્રેરાશે.
આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં વિવિધ ઇલેક્ટ્રોનિક ગેઝેટ આવતા બાળકો મોબાઇલમાં જ ગેઇમ્સ રમવા લાગ્યા હોવાથી આપણી શ્રેષ્ઠ દેશી રમતો સાવ લુપ્ત થઇ ગઇ છે. રમતને સીધો સંબંધ મનોરંજન સાથે હોવાથી તે રમવાથી ટ્રેસ મુક્ત થવાય છે. થપ્પો, નારગોલ, રૂમાલદાવ, ચોપાટ, ઇસ્ટો, ખુચામણી જેવી ઘણી રમતોની મઝા આજની પેઢીને ખબર જ નથી. રમત રમતું બાળક, ધૂળમાં રમતું બાળક ખડતલ બનતું હતું. આજે મા-બાપો જ બાળકોને રમવા બહાર જવા દેતા ન હોવાથી તે ઘરમાં જ મોબાઇલમાં વિવિધ ગેઇમ્સમાં આનંદ સાથે બેઠાડું જીવન જીવતો થઇ ગયો છે. રમતગમતથી લિડરશીપ અને એકાગ્રતાના ગુણો ખીલે છે.
બાળક કે મોટેરા દરેકના જીવનમાં ફિટ અને સ્વસ્થ રહેવા માટે સ્પોર્ટ્સ અતી મહત્વનું છે. રમત-ગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવીને દરેક વ્યક્તિએ તેની રોજનિશીમાં સ્પોર્ટ્સ માટે સમય કાઢવો જ પડશે. સતત કામ અને ભાગ દોડની આજની જીંદગીમાં આપણને ડોક્ટર ચેતવણી આપે ત્યારે આપણે હળવી કસરત કે ચાલવું કે સાયકલીંગ કરવા લાગીએ છીએ. આજનો યુવાન ફિલ્મ સ્ટારો જેવી બોડી બનાવવા માટે જીમમાં વધુ જવા લાગ્યો છે. દરેક વ્યક્તિ આખા દિવસમાં ઓછામાં ઓછી એક કલાક કસરત કે મનગમતી આઉટડોર કે ઇનડોર ગેઇમ્સ રમવી જરૂરી છે. આજનો ખેલ દિવસ શારીરીક પ્રવૃત્તિઓ, રમતગમત સાથે એકંદર આરોગ્ય વિશે જાગૃત્તિ લાવે છે.
આજે દેશમાં ‘મીટ ધ ચેમ્પિયન’ પહેલની શરૂઆત થનાર છે. જેમાં સમગ્ર દેશમાં દરેક શેરી અને ખુણે ઉત્સાહ સાથે યુવાવર્ગ જોડાશે અને તંદુરસ્ત જીવન માટે સ્પોર્ટ્સના મહત્વની જાગૃત્તિ લાવશે સાથે રમતગમતમાં દેશનું નામ રોશન કરનારને પ્રોત્સાહન પણ પુરૂ પાડશે.
તંદુરસ્ત જીવનશૈલી જાળવવા અને રમતગમતમાં સફળ કારકિર્દી બનાવવા નિયમિત તાલિમ, પ્રેક્ટીસ, અભ્યાસ સાથે નિષ્ણાંતોનું કોચિંગ પણ જરૂરી છે. રાષ્ટ્રમંડલ ખેલ-2022માં ભારતના રમતવીરોએ પદકોની હારમાળા જીતીને દેશનું નામ દુનિયામાં રોશન કર્યું હતું.
ટોક્યો ઓલિપિંકમાં પણ ભારતનો દબદબો કાયમ રહ્યો હતો. રોજિંદા જીવનમાં રમતો રમવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે. રૂટીંગ કાર્ય કરતાં નાની-મોટી કસરતો આપણને વધુ આનંદ આવે છે. સ્પોર્ટ્સને કારણે સહનશક્તિ વધે છે સાથે સારી ઊંઘ, સંતુલન, ફિટનેસ અને સ્થૂળતાનું જોખમ ઘટાડે છે. આપણાં શરીરનાં હાડકા, સ્નાયુઓ, અસ્થિબંધન અને કરોડરજ્જુની તંદુરસ્તી અને વૃધ્ધિમાં વિકાસ કરે છે. સ્પર્ધાત્મક ભાવના સાથે સફળતાનો આનંદ આપણને રમત-ગમત જ આપે છે. આજનો દિવસ સૌને સંદેશ આપે છે કે રમત રમતાં-રમતાં પણ દેશનું નામ રોશન કરનારને ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ, દ્રોણચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ જેવા વિવિધ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે. રમતગમત આપણને ઘણા કૌશલ્યો શીખવે છે.
ઓલિમ્પિક ગેમ્સ વિશ્વની સૌથી મોટી એથ્લેટિક સ્પર્ધા
દર ચાર વર્ષે યોજાતી વૈશ્ર્વિકસ્તરની ઓલિમ્પિક સ્પર્ધામાં 200થી વધુ રાષ્ટ્રો ભાગ લે છે. દર બે વર્ષે તેઓ સમર અને વિન્ટર ઓલિમ્પિક પણ યોજે છે. પેરાલિમ્પિક ગેમ્સ, યુથ ઓલિમ્પિક ગેમ્સ, પાંચ કોન્ટિનેન્ટલ ગેમ્સ, ડેફલિમ્પિસ, સ્પેશિયલ ઓલિમ્પિક અને વર્લ્ડ ગેમ્સ પણ યોજવામાં આવે છે. તમામ પ્રકારનાં એથ્લેટ્સમાં બિન વિકલાંગ, અક્ષમ અને વિવિધ વયજૂથોના સમાવેશ માટે યોજાય છે.
આ રમતો સાંસ્કૃતિક રીતે પણ મહત્વની હોય છે. રમતો માત્ર વ્યક્તિગત જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ ઉભી કરે છે. 776 બીસીમાં પ્રાચીન ગ્રીસમાં રમતોની શરૂઆત થઇ હતી. આ રમતો ધાર્મિક અને રાજકીય મહત્વની હતી કારણ કે તે ભાગ લેનાર તમામ શહેર, રાજ્યો, દેશ વચ્ચેના યુધ્ધ વિરામનું પ્રતિક હતું. 1896માં પિયર ડી કુબર્ટિન દ્વારા ફરીથી રમતો શરૂ કરવામાં આી જેનો હેતું રમત પ્રત્યેના સાર્વત્રિક પ્રેમ દ્વારા આંતરરાષ્ટ્રીય ભાઇચારો અને સંવાદિતા વધારવાનો હતો. 2022ના રાષ્ટ્રમંડલ ખેલમાં ભારતે વિવિધ ઇવેન્ટમાં 61 મેડલ જીત્યા હતા.