ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ખરીદીમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો: છેલ્લા દશકામાં શહેરમાં ગણેશોત્સવનું મહત્વ વધુ જોવા મળી રહ્યું છે
શહેરનાં રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં ફક્ત માટીના ગણેશજીની અવનવી કલાત્મક મૂર્તિઓનું પ્રદર્શન આજથી શરૂ થયેલ છે. મૂળ મહારાષ્ટ્રમાં વર્ષોથી થતી અગ્રદેવ ની પૂજા-અર્ચના સાથે હવે છેલ્લા દશકાથી રાજકોટમાં પણ અનેરો ઉત્સવ સાથે ગણેશજીની વંદના થાય છે. આ વર્ષે તા.31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી આ ગણેશોત્સવ યોજાવાનો છે. જેના માટે ભક્તજનો અત્યારથી જ તૈયારી આરંભ કરી છે અને મૂર્તિ ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. પ્રદર્શન આયોજક માનસી વણઝારા ભોંસલે તથા અમી વણઝારા શુક્લે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે છેલ્લા નવ વર્ષથી માટીમાંથી કલાત્મક મૂર્તિઓનું પ્રદર્શન યોજે છે. પ્રદર્શનમાં 9 ઇંચથી શરૂ કરીને અઢી ફૂટ મોટી ગજાનનની મૂર્તિ જોવા મળે છે. પ્રદર્શનનો સમય સવારે 9 થી સાંજના 6 સુધી છે.
ગણપતિબાપ્પાની મૂર્તિ શા માટે માટીની હોવી જોઇએ અને કેવી હોવી જોઇએ જેવી મહત્વની વાતો અંગે ‘અબતક’ને જણાવેલ કે બધા દેવ-દેવતાઓમાં પ્રથમ પૂજનિય ગણપતિ દાદાનું મહત્વ અનેરૂં છે. તેમાંય ગણેશોત્સવ દરમિયાન તો આ દુંદાળા દેવનું માહાત્મય ખૂબ વધી જાય છે. ચારે કોર મંડપો, લાઇટીંગ, શણગારથી વાતાવરણ શોભી ઉઠે છે.
ગણેશ ઉત્સવ એક એવી જ પરંપરા છે. દર વર્ષે ગણપતિ આવે છે. પૂજાય છે. ભારતીય તત્વજ્ઞાનનો એક પાયો છે કે મનુષ્ય શરીર પંચમહાભુતમાંથી બન્યું છે અને પંચમહાભુતમાં મળી જવાનું છે એટલે કે મનુષ્ય માટીમાંથી બન્યો ને માટીમાં મળી જવાનો છે. આ વિચાર ગણેશોત્સવમાં સાકાર થતો નજરે પડે છે. શિલ્પીઓ માટીથી આ મૂર્તિઓ ઘડે છે. લોકો એમાં પરમાત્માનું સ્વરૂપ નીરખી એની પૂજા કરે છે અને છેલ્લે દિવસે પાણીમાં એનું વિસર્જન કરે છે. માટી ફરી માટીમાં ભળી જાય છે. એટલે જ ‘ઇકો ફ્રેન્ડલી’ માટીની મૂર્તિની પસંદગી કરવાથી કાર્ય સિધ્ધ થાય છે. એનું ફળ મળે છે અને પર્યાવરણને હાની પણ નથી પહોંચતી, તેની પૂજા કરવાની પરંપરા બે હજાર વર્ષ જુની છે. તેમ આયોજક અનિલ વણઝારાએ ‘અબતક’ને જણાવ્યું હતું.