- આજે પાખી દિવસે સ્થાનકવાસી અને દેરાવાસી જૈનો તપ,જપ,આરાધના કરશે
- ઉપાશ્રય-દેરાસરા ભગવાન મહાવીરને અદ્ભૂત આંગી દર્શન
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તૃતીય દિવસે તપ, જાપ, આરાધના સાથે જૈનો ભારે હરખભેર કરી રહ્યા છે ત્યારે આજે સ્થાનકવાસી અને દેરાવાસી જૈન સમાજના લોકો માટે વિશેષ મહત્વરૂપે પાખીનો દિવસ ઉજવાશે. આ દિવસે જૈનો બનશે ભક્તિમયપાખી શાશ્ર્વતકાળથી ચૌદશે જ આરાધાય છે. પાખીના દિવસેનું જૈનમાં મોટુ મહત્વ ધરાવે છે. ભગવાન મહાવીરને જુદા-જુદા જેવા ફૂલ, મોભ, હીરા, સોના-ચાંદીના આંગી કરવામાં આવે છે.
પર્વાધિરાજ પર્યુષણમાં જૈનો ત્રણ દિવસથી આરાધના લીન બન્યા છે અને કાલથી મૂર્તિપૂજક સંઘો ‘કલ્પઘર’થી કલ્પસૂત્ર વાંચનની શરૂઆત કરશે. પાંચમા દિવસે મહાવીર સ્વામીનું જન્મ વાંચન થશે અને 14 સ્વપ્નોની ઉછામણી કરાશે. વીર પ્રભુના પારણાનો બોળી બોલાશે.
માંડવી ચોક, વર્ધમાનનગર, પારસધામ, સુમતીનાથ જીનાલય, વાસુપૂજન સ્વામી જિનાલય, ગાંધીગ્રામ જૈન સંઘ, શાંતિનાથ દેરાસર એરપોર્ટ રોડ, મણીયાર દેરાસર ખાતે વિશિષ્ટ આંગીના દર્શન કરવામાં જૈન અને જૈનત્તરએ લ્હાવો લીધો હતો.
જૈનો પર્યુષણ પર્વને પર્વનો રાજા ગણે છે. જેવી રીતે કોઇ વિદ્યાર્થી આખુ વર્ષ મહેનત કરે અને પરિક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઇ જાય છે તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે. વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઇ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીને કર્મોની આલોચના કરી પ્રાયશ્ર્ચિત લઇ તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવા શ્રેષ્ઠ દિવસો છે.
જૈનો પર્યુષણ પર્વને પર્વનો રાજા ગણે છેજૈનોના પર્યુષણ પર્વના પ્રારંભથી દેરાસરોમાં અદ્ભૂત આંગી થઇ રહી છે. જેમાં દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. પાખીના દિવસનું મહત્વ સમજાવતા ભગવાન મહાવીરે આગમમાં કહ્યું છે કે પર્યુષણ પર્વમાં પાખીના દિવસે આયુષ્ય બંધ પડતુ હોવાથી જપ, તપ કરી ધર્મમય રહેવું, જેથી જૈનો અલગ-અલગ ઉપાશ્રયોમાં જઇ તપ, જપ, આરાધના અને પ્રતિક્રમણમાં જોડાઇને ધર્મભક્તિભય બનશે. જેમાં દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે.
- પર્યુષણમાં જીભને સુગર ફેક્ટરી અને મગજને આઇસ ફેક્ટરી બનાવો: ધીરજમુનિ મ.સા.
- જૈન સંસ્કૃતિ પર્વને માને છે, ‘પુનાતિ ઇતિ પર્વ’ જે આત્માને પવિત્ર બનાવે તે પર્વ
પર્યુષણના જુદા-જુદા અર્થ છે (1) પરિવસન: એક સ્થળે સ્થિર થવું. (2) પર્યાવસન: તપોમય અધ્યાત્મ જીવનની વર્ષગાંઠ ઉજવવી. (3) પર્યુશયન: આત્માને દૂષિત કરનારા કષાયોનું શમન કરવું. જીવનમાં વેર-ઝેરની ગાંઠો પડી ગઇ હોય, તેને છોડવાની છે. અબોલા, શત્રુતા હશે ત્યાં સુધી આત્માની શુદ્વિ નહિ થાય. સીડીનું કામ શરીરને ઉપર ચડાવે. સંપતિનું કામ દિમાગને ઉપર ચડાવે તેમ સદ્ગુણોનું કામ આત્માને ઉંચે ચડાવે છે. બોલીને બગાડો નહિ, સમતા ધારણ કરો, થોડું સહન કરવું એમ જે સમજે છે તે સદ્ગુણોનું ઉપાર્જન કરી શકે છે.
વર્ષોના સંબંધોને કડવી ભાષા બોલવાથી તૂટતા વાર લાગતી નથી. માટે ક્રોધમાં ક્યારેય બોલવું નહિં. મૌન રાખવું. નિરાશામાં ક્યારેય નિર્ણય કરવો નહિં. ચપટી નમકથી રસોઇ સ્વાદિષ્ટ બને, ચમચી મેળવણથી દહીં જામી જાય તેમ મીઠી ભાષા બોલવાથી ઘર નંદનવન બની જાય. પર્યુષણમાં જીભને સુગર ફેક્ટરી અને મગજને આઇસ ફેક્ટરી બનાવો. આપણે જીભનો વ્યાપાર ઘણો કર્યો. હવે જિગરનો વ્યાપાર કરશો તો જગદીશ મળ્યા વિના રહેશે નહિં. પતિએ પત્નીને ફરિયાદી સૂરમાં કહ્યું કે બા જેવી રોટલી આવડતી નથી. પત્નીએ કહ્યું બા જેવી રોટલી ખાવી હોય તો બાપુજી જેવો લોટ બાંધતા શીખી જાઓ !! પતિએ એ જ દિવસે ગુરૂદેવ પાસે જઇને યાવત્જીવન જમતી વખતે ન બોલવાની પ્રતિજ્ઞા અંગીકાર લીધી ! જીવનમાં જીભનો વ્યાપાર એવો કરો કે બોલ્યા પછી પસ્તાવું ન પડે ! માટે એકબીજાના રિપોર્ટર નહિં પણ સપોર્ટર બનજો !!!
- પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં પ્રતિક્રમણ કરી પાપોનું પ્રક્ષાલન કરી આત્માને શુદ્ધ અને નિર્મળ કરીએ
જૈન દર્શનમાં પશ્ર્ચયાતાપ – પસ્તાવાને અતિ મહત્વ આપેલું છે. મિથ્યાત્વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના પાપને ધિકારવામા આવે છે. મનોજ ડેલીવાળા જણાવે છે કે જૈન દર્શનમાં અનેકાધિક દ્રષ્ટાંતો આવે છે કે જેઓએ પોતાના જીવનમાં ભયંકર પાપો કર્યા હતા, પરંતુ પાપથી પાછા હટી તેનું પ્રતિક્રમણ કરી પરમાત્મા પણ બની ગયાં છે. હિંદુ ધર્મમાં પણ વાલીયા લૂટારામાંથી વાલ્મીકી ઋષી બની ગયાનો દાખલો આવે છે. જૈન ધર્મ દેહ શુધ્ધિ નહીં પરંતુ આત્મ શુધ્ધિમાં માને છે.
પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સર્વ જીવોને હ્રદયપૂવેક ખમાવવાના, ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની. આત્માની મિથ્યા માન્યતા, વૃતિ – પ્રવૃતિમાં સુધારો ન થાય ત્યાં સુધી પરીભ્રમણ અટકતુ નથી.પ્રતિક્રમણનો મહિમા બતાવતા ચિંતકો લખે છે કે ત્રાજવાના એક છાબડામાં અનેક ગ્રંથો મૂકી દયો અને બીજામા માત્ર પ્રતિક્રમણ સૂત્ર રાખશો તો પ્રતિક્રમણ સૂત્ર રાખેલુ પલ્લુ નમી જશે કારણકે પ્રતિક્રમણમાં જીવાત્મા પોતાના પાપનો એકરાર કરી, વેર-ઝેર ભૂલી ક્ષમા માંગતો અને આપતો હોય છે. તેનું હ્રદય રડતુ હોય છે.
- મહાવીર સ્વામી જીનાલયનું મહત્વ અનેરૂ છે, જ્યાં નવકાર પીઠીકા છે: ગોપીબેન શાહ
પ્રહલાદ પ્લોટ વિસ્તાર ખાતે આવેલા મહાવીર સ્વામી જિનાલયના શ્રાવિકા ગોપીબેન શાહે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહાવીર સ્વામી જીનાલઈનું મહત્વ અનેરું છે કારણ કે, 3 માળના જિનાલયમાં શેત્રુંજય પટ પર આવેલો છે જે વિષેસ્તા છે, એટલુંજ નહીં નવકાર પીઠીકા પણ છે જે રાજકોટમાં ક્યાંય જોવા મળતી નથી. આંગી નવા લઇ તેઓએ કહ્યું હતું કે, મહાવીર સ્વામીની સોના ચાંદીનો બાદલોની આંગી કરવામાં આવી છે, સોના ચાંદીનું કાતરણ, સોના ચાંદીનું વરખ, ચૂરો ઉપયોગમાં લેવાયું છે. જ્યારે મલીનાથ દાદાને ડાઈમન્ડ, અને વરખની આંગી કરાઈ છે. પાર્શ્વનાથ ભગવાન, આદેશ્વર ભગવાન ,અજિતનાથ,સુમતીનાથ જી ,શ્રીમંધર સ્વામી ,ગૌતમ સ્વામીને પણ સ્ટોન, મોતી, રેસમ કા ચુરા, બાદલા, વરખની આંગી ચડાવવામાં આવેલી છે.
- પુનડી: બેનમૂન નાટિકાના દ્રશ્યો સેંકડો વર્ષ પહેલાના સમયમાં લઈ ગયા
- 11 અર્હમ એનિમલ એમ્બ્યુલેન્સ દ્વારા અબોલ પ્રાણીની સેવા માટે અઢી કરોડ જાહેર
કચ્છના પુનડી ગામમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો તૃતીય દિવસ અત્ર તત્ર સર્વત્ર અહોભાવના અત્તર છાંટણા કરી ગયો હતો. પુનડી ગામના વતની અને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 42 સંત-સતીજીઓના કચ્છ કલ્યાણકારી ચાતુર્માસનો સમગ્ર લાભ લેનારા શ્રી એસપીએમ પરિવારના સહયોગે આયોજિત પર્વાધિરાજ પર્વના ક્ષમાપના ઉત્સવમાં સમગ્ર પુનડીના ક્ષત્રિય, ગોસ્વામી આદિ દરેક જ્ઞાતિના ભાવિકો ઉપરાંત સમગ્ર દેશ- વિદેશના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની આદી 156થી વધુ દેશના મળીને હજારો – લાખો ભાવિકો લાઈવના માધ્યમને જોડાઈને પોતાની આત્મશુદ્ધિમાં આગળ વધી રહ્યા છે.
ભવ-ભવાંતરનું કલ્યાણ કરાવી દેનારી પરમ ગુરુદેવના સત્ય બોધની સાથે આ અવસરે રાજકોટ આદિ ક્ષેત્રોમાં પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ત્રણ પગા પીડિત પશુઓને આર્ટિફિશિયલ પગની અપાતી સેવા-સહાયતાના દ્રશ્યો ઉપરાંત અનેક ગરીબ જરૂરિયાતમંદ ડાયાલિસિસના દર્દીઓને આપવામાં આવતી સહાયના સત્કાર્યોના દ્રશ્ય સૌને પરમ ગુરુદેવની કરુણા પ્રત્યે નત્મસ્તક કરી દીધા હતા. વિશેષમાં, જૈન દર્શનના આંખ ઉઘાડી દેનારા સેંકડો વર્ષ પૂર્વના સત્ય કથાનકને જીવંત કરતી ભવ્ય નાટિકાની આ અવસરે કરવામાં આવેલી બેનમૂન પ્રસ્તુતિ ઉપસ્થિત દરેક હૃદયમાં અકથ્ય સંવેદના જાગૃત કરી ગઈ હતી.
આત્માનું અનંત હિત કરાવી દેનારા પુનડી ગામમાં ઉજવાઈ રહેલા ક્ષમાપના ઉત્સવ અંતર્ગત આવતીકાલ તારીખ 27/08/2022 શનિવાર બપોરના 03:00 કલાકે બાળકોના નાના – નાના પાપોની વિશુદ્ધિ કરાવતાં બાલ આલોચનાના આયોજન સાથે તારીખ 28/08/2022 રવિવારે સવારે 09:00 કલાકે પુનડી ગામમાં પ્રભુ મહાવીર જન્મોત્સવ ની ભવ્યાતિભવ્ય ઉજવણીમાં લાખો ભાવીકો પ્રભુ જન્મ વધામણા લઇ ધન્ય બનશે. પર્વના અંતિમ દિન તારીખ 31/08/2022 બુધવાર બપોરના 03:00 કલાકે ભવભવના પાપદોષોની વિશુદ્ધિ સ્વરૂપ સંવત્સરી આલોચના કરાવવામાં આવશે. વહેલી સવારથી મોડી રાત સુધીના પર્વના આયોજિત દરેક કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી ભાવિકોને લાભ લઇ ધનયાતિધન્ય બનવા ભાવ ભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
- જેટલું પાપ હિંસાનું લાગે એટલું જ પાપ ચીટીંગનું લાગે પારદર્શક બનવું તે પણ એક સાધના હોય: રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.
કચ્છના શાંત-રમણીય વાતાવરણમાં વહેલી સવારના સમયે આત્મ હળવાશની અનુભૂતિ કરાવતા ઇનર ક્લિનિંગ કોર્સની વિશિષ્ટ ધ્યાન સાધના બાદ ડુંગર દરબારના વિશાળ શામાયાણા સ્વરૂપ ભવ્ય સમવશરણમાં પ્રભુના કલ્યાણકારી વચનોને અત્યંત મધુર વાણીમાં વહાવતા પરમ ગુરુદેવે કહ્યું હતું કે આખો સંસાર કદાચ છૂટી શકે કે ન છૂટી શકે, અન્ય કોઈ મોટી સાધના થઈ શકે કે ન થઈ શકે પરંતુ જેનો ચીંટીગનો નેચર શુદ્ધ- વિશુદ્ધ થઈ જાય એ નજીકના ભવિષ્યમાં સંસારથી મુક્ત બની જાય.
પ્રભુ કહે છે મારો વારસદાર હોય તે કદી કોઈને ચીટ ન કરે. જેટલું પાપ હિંસાનું હોય તેટલું જ પાપ માયા એટલે કે ચીંટીગનું હોય. માટે જ જેવું અંદરમાં તેવું બહાર અને જેવું બહાર તેવું અંદરમાં એવી ટ્રાન્સપરેન્સી રાખવી તે પણ એક સાધના હોય. આ ભવમાં જે બીજાને છેતરે છે, એને જ કોઈ ચીટ કરી જતું હોય છે. પોતાની જ કરેલી ચીંટીગની એક્શન,પોતાની સાથે થતી ચીંટીગના રૂપમાં રિફ્લેક્ટ થતી હોય છે. પરંતુ જે કોઈને છેતરતા નથી એને પરમાત્મા પણ ચાહે તો કદી છેતરી નથી શકતા.
- મનહર પ્લોટ સંઘના તપસ્વીરત્ના સોનલબેન કામદારની ઉગ્ર તપસ્યાનો ર9મો ઉપવાસ
જયવંતા ગોંડલ સંપ્રદાય ના તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા. એવમ વિશાળ પરિવાર ધારક પૂ. મુકત લીલમ, ભદ્ર ગુરુણીના સુશિષ્યા શાસન પ્રભાવિકા પૂ. હસ્મિતાબાઇ મ. આદિ ઠાણા-08 ની પ્રભાવશાળાી નિશ્રામાં અને તેઓના આશીર્વાદથી તપસ્વી રત્ના સોનલબેન દિપકભાઇ કામદારની મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળા ના પાવન પ્રાંગણે ઉગ્ર તપશ્ર્ચર્યા ચાલી રહી છે.
પરમ શ્રઘ્ધયેય પૂ. દેવ ગુરુ ધર્મની કૃષાશિષે આજે ર9માં ઉપવાસે શાતા ખુબ જ સારી છે અને તપસ્વી એ 36 ઉપવાસ ની આરાધના માટેનો સંકલ્પ કરેલ છે. તપસ્વી રત સોનલબેન એ ગત વર્ષે પણ પર્યુષણ પર્વમાં માસક્ષમણ તપની ઉત્કૃષ્ટ આરાધના કરેલ હતી.
- શાંતિનાથ દેરાસર ખાતે ઉચ્ચ દ્રવ્યોની ભગવાનને આંગી ચઢાવવામાં આવી:હિના કોઠારી
શાંતિનાથ દેરાસર એરપોર્ટ જિનાલયના હિના કોઠારીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે, સમગ્ર રાજકોટમાં નવ ગ્રહના જેટલા ભગવાન છે તે એક જ સ્થળ અમારા એરપોર્ટ જિનાલયમાં બિરાજમાન છે.મૂળ નાયક શાંતિનાથ ભગવાન, વાસુપૂજ્ય સ્વામી ભગવાન, સુજીનાથ ભગવાન,શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને સિલ્વર બાડલો, ગોલ્ડન બાડલો, વરખ, રેશમ, મોતિ, સ્ટોન આવા ઉચ્ચ દ્રવ્યોની આંગી ચડાવવામાં આવી હતી.