સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકવાદીઓને આપ્યો જડબાતોડ જવાબ આપ્યો, એક આતંકીનો પગ લેન્ડમાઈન પર પડતાં વિસ્ફોટમાં માર્યો ગયો, બીજા બેને ગોળી ધરબી દેવાઈ
બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓના એક જૂથે કમલકોટથી ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સરહદ પારથી ઘૂસણખોરીને જોતા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા સોમવારે રાત્રે રાજોરીમાં નિયંત્રણ રેખા પાસે નૌશેરા સેક્ટરમાં સેનાએ ઘૂસણખોરી કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બંનેના આતંકવાદીના મૃતદેહ મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે મોડી રાત્રે નૌશેરાના લામ વિસ્તારના પુખરાની ગામમાં આતંકવાદીઓના એક જૂથે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન એક આતંકીનો પગ લેન્ડમાઈન પર પડતાં વિસ્ફોટ થયો હતો. સૈનિકો આતંકવાદીઓની આ હિલચાલ પર સતત નજર રાખી રહ્યા હતા. આતંકવાદીઓને દૂરથી ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેઓ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
લશ્કર-એ-તૈયબાના એક પ્રશિક્ષિત માર્ગદર્શક અને ફિદાયીન આતંકવાદી તબરકને સેનાએ રવિવારે નૌશેરા સેક્ટરના સેર મકડી વિસ્તારમાંથી પકડ્યો હતો. તબારક હાલમાં રાજોરીની મિલિટરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાકિસ્તાન આર્મીના ઈન્ટેલિજન્સ યુનિટ માટે કામ કરતા 32 વર્ષીય તબારક હુસૈન છેલ્લા છ વર્ષમાં બીજી વખત ઘૂસણખોરી કરતા ઝડપાયો છે. આ વખતે તેનો દેખાવ ફિદાયીન આતંકવાદી જેવો જોવા મળ્યો છે. પીર પંજાલ પર્વતમાળાને અડીને આવેલા રાજોરી અને પૂંચ જિલ્લામાં તાજેતરના સમયમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. ટેરર ફંડિંગ, આતંકીઓના સ્લીપર સેલ નેટવર્કથી લઈને આતંકી મોડ્યુલ બંને જિલ્લાઓ સાથે જોડાયેલા છે.
તાજેતરમાં, રાજોરીના લશ્કરના કમાન્ડર તાલિબ હુસૈનની ધરપકડ પછી, પોલીસે ડ્રોનથી ડ્રગ્સ, હથિયારો અને હવાલા નાણાંનું નેટવર્ક ચલાવતા ત્રણ આતંકવાદી મોડ્યુલોને તોડી પાડ્યા હતા. આ નેટવર્ક કઠુઆ, સાંબા, જમ્મુ જિલ્લાથી રાજોરી સુધી કાર્યરત હતું. રાજોરી અને પુંછ જિલ્લામાં એલઓસી પાર આતંકવાદીઓની ઘૂસણખોરી માટે હલચલ વધી ગઈ છે. ઘૂસણખોરી રોકવા માટે, સુરક્ષા ગ્રીડની સતત સમીક્ષા કરીને વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આર્મી ચીફ મનોજ પાંડેએ આ મહિનાના પહેલા અઠવાડિયામાં આગળના વિસ્તારોની મુલાકાત લીધી છે.
તે જ સમયે, ત્રણ દિવસ પહેલા અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક યોજી હતી અને સુરક્ષા ગ્રીડને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.