આઝાદીની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો (CBC),અમદાવાદ દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેને યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રો. હિમાંશું પંડયા દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે તા. 24 અને 25 ઓગસ્ટ બે દિવસ ચાલનારા પ્રદર્શનના ઉદ્ઘાટન બાદ સેનેટ હોલમાં યોજાયેલા મુખ્ય સમારંભ દરમિયાન પ્રાસંગિક ઉદબોધન કરતા કુલપતિ ડો. પ્રો. હિમાંશુ પંડ્યાએ પ્રાચીન ભારત વર્ષ થી લઇ, વર્તમાન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વાત કરતા જણાવ્યું હતું કે આજના આધુનિક ભારતના યુવાનો પોતાની પ્રતિભા થકી ભારત દેશના અમૂલ્ય વારસાને પેઢી દર પેઢી શ્રેષ્ઠ શિક્ષણ થકી આગળ ધપાવશે. આજના યુવાનોએ દેશ પાસેથી કઈંક મેળવવાની અપેક્ષા રાખતા પહેલા દેશ માટેની પોતાની ફરજોનું પાલન કરવું જોઇએ, રોજિંદા જીવનની ટેવોમાં સુધાર કરી આઝાદીના અમૃત મહોત્સવની સાચા અર્થમાં ઉજવણી કરશે આ સાથે ગુજરાત યુનિવર્સિટીના શ્રેષ્ઠ અભ્યાસક્રમો દ્વારા પોતાના જીવનનું ઘડતર કરી દેશને સમૃધ્ધ બનાવવા તેઓએ અપીલ કરી હતી.
કેન્દ્રીય સંચાર બ્યૂરો, ગુજરાતના વડા અપર મહાનિદેશક પ્રકાશ મગદૂમે આ પ્રસંગે જણાવ્યું કે આપણો ભારત દેશ વિવિધતાઓથી ભરેલો છે, જેમાં અલગ અલગ ભાષા અને વિવિધ સાંસ્કૃતિક રીતરિવાજો, વેશભૂષા તેમજ ભૌગોલિક બદલાવો જોવા મળે છે. આટલી વિવિધતા સાથે પણ દરેક ભારતીય એક છે, દરેક ભારતીયની રાષ્ટ્રભાવના એક છે. આ ઉત્તમ દેશપ્રેમના વિચારોને સમગ્ર વિશ્વના જનમાનસ સુધી પહોચાડવાનો સમય એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, જે આપણે ઉજવી રહ્યા છીએ.આ કાર્યક્રમના માધ્યમથી આપણે દેશની પ્રગતિ તેમજ દેશ માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ કરીએ અને આ અભિયાનને સાર્થક કરીએ.
કેન્દ્રીય સંચાર બ્યૂરોના સંયુક્ત નિદેશક સરિતા દલાલે સ્વાગત પ્રવચન કરતા કાર્યકમની જાણકારી આપતા આઝાદીના અમૃત કાળમાં દેશ કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર નરબંકાઓની રાષ્ટ્રભાવનાના વિચારો વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. તેમણે યુનિવર્સિટીમાં આયોજિત અલભ્ય પ્રદર્શનને નિહાળવા માટે વિદ્યાર્થીઓ તેમજ અમદાવાદની જનતાને અપીલ કરી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને આઝાદીની ચળવળના લડવૈયાઓ, ઘટનાઓ, દેશ માટે શહીદ થનાર વીરોની માહિતી મળી રહે એ ઉદ્દેશ્યથી વક્તૃત્વ સ્પર્ધા અને પ્રશ્ન મંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા.
નાગરિકોમાં રાષ્ટ્રભાવનાને પ્રબળ કરવાની સાથે સાથે ભારત દેશની આઝાદીના અસલી વીરોને યાદ કરી વર્તમાન યુવા શક્તિ પોતાના જીવન ઘડતરમાં સ્વાતંત્ર્ય ચળવળોની બલિદાન ગાથાઓથી પ્રેરણા લઈ દેશના વિકાસમાં સહયોગી બને એ ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ અંર્તગત બે દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે
કાર્યક્રમમાં નાટ્ય ગ્રુપ દ્વારા મનોરંજન સાથે માહિતી સભર નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. સાથે સાથે નો-પ્લાસ્ટિક અભિયાન પ્રત્યે જાગૃત કરવા ઇકો ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, એન.સી.સી.ગ્રુપના કેડેટ્સ, એન.એન.એસ વોલિયેન્ટર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.