ફુલ ગુલાબી અર્થતંત્રને પગલે વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ પર સતત આગેકૂચ થઈ રહી છે.
દેશના અર્થતંત્ર સામે પડકાર જનક પરિસ્થિતિમાં અત્યારે કોઈપણ પ્રકારની ચિંતા કરવા જેવી નથી અર્થતંત્ર તમામ રીતે તંદુરસ્ત રીતે વિકાસ કરી રહ્યું છે. મોંઘવારી અને ફુગાવો સંપૂર્ણ અંકુશમાં આવી જશે તેવી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ની હૈયા ધારણાએ આર્થિક ક્ષેત્રે સંકળાયેલા વર્ગનો આત્મવિશ્વાસ વધાર્યો છે.
અર્થતંત્રના પાયાના પથ્થર જેવા તમામ પરિબળોની સ્થિતિ દિવસે સુધરતી જાય છે બેંકોના વિચારો સંચાલન અને નાણાકીય વ્યવહાર અને પરિણામો પણ સારા સંકેતો આપે છે. ઔદ્યોગિક વિકાસ સારી રીતે ચાલી રહ્યો છે ફૂલ ગુલાબી અર્થતંત્રને પગલે વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં નાણા રોકવામાં ક્યારેય કચાસ કરી નથી અને શેર બજાર માટે વિદેશીઓની તિજોરી ખુલી જ રહે છે.
આર્થિક રીતે ફુગાવો અને મોંઘવારી 2024 સુધીમાં સંપૂર્ણપણે કાબુમાં આવી જશે આ વર્ષે કુદરતે પણ સાથ આપ્યો હોય તેમ સારા વરસાદના પગલે રામ મોલની સાથે રવિ પાક પણ સારી રીતે થાય તેવા અણસાર મળી રહ્યા છે. ત્યારે અર્થતંત્ર ટનાટન રહેશે તે સ્પષ્ટ છે. બે વર્ષમાં મોંઘવારીના દરને ઘટાડવાનું લક્ષ્ય પણ સહેલાઈથી હાંસલ થઈ જાય તેવી પરિસ્થિતિમાં અર્થતંત્ર માટે ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.
બીજી તરફ ચૂંટણી આવવાની સાથે જ મફતની રેવડીઓનું વિતરણ કરવાની જાહેરાતો થઈ રહી છે. નિષ્ણાંતોના મતે આ રેવડીઓ અર્થતંત્રને નુકસાનકારક છે. જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પણ આ મામલો હજુ વણઉકેલાયેલ છે. આશા રાખીએ કોઈ પક્ષ મત માટે અર્થતંત્રને ડેમેજ ન કરે.