બોલીવુડના મહાનાયક અમિતાભ બીજી વખત કોરોનાના સંકજામાં સપાડાયા
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આગામી 26 મી ઓગષ્ટના રોજ જુનાગઢના મહેમાન બનવાના હતા તેવા સમાચારો મળી રહ્યા હતા જો કે તેઓ ગઇકાલે મોડી રાતે કોરોના સંક્રમિત થયા છે ત્યારે અમિતાભ બચ્ચન હવે જૂનાગઢના પ્રવાસે આવશે નહીં તે સ્પષ્ટ થઈ ગયું છે. તેઓની સોરઠની મુલાકાત રદ થતાં ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે પરંતુ મહત્વપૂર્ણ બાબત છે કે, જો બોલિવુડના મહાનાયક ગણાતાં અમિતાભ બચ્ચન સોરઠના પ્રવાસે આવવાના છે તેવો કોઈ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો જ ન હતો. તંત્રને પણ આ અંગે જાણ નહીં હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે બચ્ચનના સોરઠ પ્રવાસ અંગેના સમાચાર કેટલા અંશે સાચા હતા તેની ઉપર પણ પ્રશ્નાર્થ ઉદ્ભવયો છે. જો કે, બચ્ચન સોરઠના પ્રવાસે નહીં આવે તે બાબત તો સ્પષ્ટ થઈ જ ગઈ છે.
બોલીવુડના સહેનશા અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આગામી 26 મી ઓગસ્ટના રોજ જુનાગઢની મુલાકાતે પધારવાના હતા અને તેઓ રોપવેની સફર કરી ગીરનાર પર્વત પર બિરાજમાન અંબાજી માતાજીના દર્શન કરવાના હતા. ભવનાથ સ્થિત ગૌરક્ષકનાથ આશ્રમની મુલાકાત લેવાના હતા અને સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવે તેવો કાર્યક્રમ ઘડાઇ રહયો હતો. દરમિયાન તેઓની તબિયત નાજુક જણાતા અને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ગઇકાલે રાત્રે તેઓએ કોવીડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને તકેદારી રાખવા અને જરુર જણાય તો રિપોર્ટ કરાવવા અપીલ કરી છે. કોરોના ગ્રસ્ત બનતાની સાથે તેઓ હોમ આઇસોલેશન થયા છે. તમામ કાર્યક્રમો રદ કરી નાંખ્યા છે. આગામી શુક્રવારે તેઓની જુનાગઢની મુલાકાત પણ રદ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન બીજી વખત કોરોના સંક્રમિત થયા છે તેઓ અગાઉ જુલાઇ-2020માં કોરોનામાં સપડાયા હતા. ત્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધુ ઐશ્ર્વર્યા રાય બચ્ચન પૌત્રી આરાધના સહીતના પરિવારના સભ્યોને પણ કોરોના થયો હતો બે વર્ષ બાદ અમિતાભ બચ્ચન ફરી કોરોનાના સંક્રજામાં સપડાય ગયા છે. જો કે સામાન્ય લક્ષણો છે લાંબા સમય બાદ અમિતાભ ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ કોરોનાગ્રસ્ત બનતા તેઓની જુનાગઢની મુલાકાત રદ થતા ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે.
બીજી બાજુ બચ્ચન સોરઠના પ્રવાસે ખરેખર આવવાના હતા કે કેમ તે સમાચારની ખરાઈ પણ થઈ રહી નથી. બચ્ચના પ્રવાસ અંગે કોઈ સતાવાર અહેવાલ પ્રાપ્ત થયા જ નથી. તંત્ર પણ આ અંગે અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે.