ઉત્તમ વિચારો
મારે એક કરોડની કિંમતનો હીરો ખરીદવો તો છે પણ મને એમાં સફળતા નથી મળતી કારણ કે મારી પાસે કરોડોની સંપત્તિ નથી. મારે અમેરિકા જવું તો છે પણ મને એમાં સફળતા નથી મળતી કારણ કે મારી પાસે એટલા પૈસાની વ્યવસ્થા નથી. કાશ્મીર ફરવા જવાની વરસોની મારી ઈચ્છાને હું હજી સુધી સફળ બનાવી શક્યો નથી કારણ કે એટલા પૈસાની વ્યવસ્થા હું કરી શક્યો નથી.
ટૂંકમાં, ઉત્તમ વસ્તુ, મજેનું સ્થળ, આહલાદ્ક વાતાવરણ – આ તમામ મનને ગમતું હોવા છતાં એને પામવા માટે તમારી પાસે એટલા પૈસા હોવા જરૂરી છે.
એમાં જો તમે ટૂંકા પડો છો તમારી મનની ઈચ્છા મનમાં જ રહી જાય છે. પણ સબૂર!
એક ચીજ આ જગતમાં એવી છે કે જે સસ્તામાં સસ્તી છે અને એના જેવી સારી ચીજ આ જગતમાં બીજે ક્યાંય નથી.
કઈ ચીજ છે એ?
એમ જો તમે પૂછતા હો તો આ રહ્યો એનો જવાબ:
ઉત્તમ વિચારો!
તમારે ઝવેરાત ખરીદવા તો પૈસા ચૂકવવા જ પડે છે પણ કાચના ટુકડાઓ પણ તમને મફતમાં નથી મળતા. તમારે ગાડી ખરીદવા તો કિંમત ચૂકવવી જ પડે છે પણ ભંગાર જેવી સાઈકલ પણ તમે મફતમાં મેળવી નથી શકતા પણ તમે જો ઉત્તમ વિચારો કરવા માગો છો તો એ માટે તમારે એક નવો પૈસો ય ચૂકવવો નથી પડતો. માત્ર એ માટે તમારે તમારા મનને કેળવવું પડે છે એટલું જ. શું કહું ?
જગતમાં હીરા મર્યાદિત છે, ગાડીઓ મર્યાદિત છે, સત્તા મર્યાદિત છે, હવાખાવાનાં સ્થળો મર્યાદિત છે, ભોજનનાં દ્રવ્યો મર્યાદિત છે પણ ઉત્તમ વિચારોનો જથ્થો અમર્યાદિત છે. તમે વાતાવરણમાંથી એ જેટલો ઉઠાવવા માગો એટલો ઉઠાવી શકો છો, કોઈ પરિબળ તમને એમાં પ્રતિબંધક બની શકે તેમ નથી. યાદ રાખજો,
હીરો સારો છે પણ સસ્તો નથી.
ધૂળ સસ્તી છે પણ સારી નથી.
પણ ઉત્તમ વિચોર સારા તો છે જ પણ
એની કોઈ કિંમત પણ નથી.
આપણે તેના સ્વામી થવા દોટ લગાવશું ખરા?