સેન્સેક્સ 59 હજારની સપાટી કુદાવ્યા બાદ ફરી ગગડ્યો: વોલેટાઇલ માર્કેટથી રોકાણકારો ભારે અસમંજસમાં
ભારતીય શેરબજારમાં આજે ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. પ્રિ-ઓપનીંગમાં સેન્સેક્સમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જો કે ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સે 59000 અને નિફ્ટીએ 17500ની સપાટી કુદાવ્યા બાદ બજાર ફરી રેડ ઝોનમાં ગરકાવ થઇ ગયું હતું. વોલેટાઇલ માર્કેટથી રોકાણકારો ભારે અસમંજસની સ્થિતિમાં મૂકાય ગયા હતા.
ભારતીય શેરબજારમાં સોમવારે ભારે કડાકા બોલી ગયા હતા. રોકાણકારોના અબજો રૂપિયાનું એક જ દિવસમાં ધોવાણ થઇ ગયુ હતું. આજે સેન્સેક્સે ઇન્ટ્રાડેમાં 59068.25ની સપાટી હાંસલ કરી હતી. જો કે નીચલી સપાટીએ 58172.48 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. આજે 850 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીએ 17588.52 પોઇન્ટની સપાટી હાંસલ કર્યા બાદ 17345.20ની સપાટી સુધી નીચે સરકી જવા પામી હતી.
આજે બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. તેમ મંદિના માહોલ વચ્ચે ઇન્ડીયા સીમેન્ટ, આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, આરબીએલ બેન્ક, બજાજ ફિન સર્વ, જીઇ સીપીંગ, ગ્રીન્ડ વેલ નોર્ટો આઇશર મોટર્સ, ભારત, ઇલેક્ટ્રીક જેવી કંપનીના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એમ ફાર્માસી, ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા, પરિમલ એન્ટરપ્રાઇઝ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, એચડીએફસી બેન્ક સહિતની કંપનીના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બૂલીયન બજારમાં બે તરફી માહોલ રહ્યો હતો. સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો ફ્લેટ રહ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 57 પોઇન્ટના ઉછાળા સાથે 58830 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 6 પોઇન્ટના ઉછાળા સાથે 17469 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.