વરસાદ-વરાપની ભારે અનિશ્ચિતતા વચ્ચે ખરીફ વાવેતર પાછલા વર્ષથી વધી ગયું
રાજકોટ જિલ્લામાં થોડા ઘણાં દિવસોથી વરસાદના સમય પત્રક્માં ભારે ઉતાર ચઢાવ વચ્ચે. ખરીફ પાકોના વાવેતરની કામગીરી હવે પૂર્ણતા તરફ છે. માત્ર એરંડાનું વાવેતર બાકી રહ્યું છે, એમાં ય એકધારો વરસાદ પડી રહ્યો હોવાથી વાવણીમાં વિલંબ સર્જાઇ રહ્યો છે. જો કે હવે વરાપ નીકળે તો પંદર દિવસમાં જ એરંડાનું વાવેતર પણ થઇ જશે.
ગુજરાતમાં ખરીફ પાકોનું કુલ વાવેતર 78.88 લાખ હેક્ટર કરવામાં આવ્યું છે. 2021ની સીઝનમાં 78.8 3 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. વાવેતર વિસ્તારમાં મામૂલી વધારો થયો છે. હવે એરંડાના વાવેતરનો સમય ચાલી રહ્યો છે. એ સિવાયના કોઇ પણ વાવેતર મુશ્કેલ છે. જ્યાં જમીનો કોરી છે અને જ્યાં બીજા પાક્માં વરસાદને લીધે બગાડ આવ્યો છે ત્યાં એરંડાના બીજ રોપાઇ રહ્યા છે. એરંડાનો ભાવ રેકોર્ડબ્રેક ઉંચો છે. અને ખેડૂતોને આવતી સીઝનમાં પણ સારા ભાવ મળવાની આશા હોવાથી એરંડાનું વાવેતર ગયા
વર્ષ કરતા વધારે છે. પાછલા વર્ષે 17 ઓગસ્ટ સુધીમાં 3.27 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી, તેની સામે આ વખતે 4.17 લાખ હેક્ટરમાં વાવેતર છે. અલબત્ત વરસાદને લીધે પાછલા સપ્તાહમાં ફક્ત એક લાખ હેક્ટરનો વધારો જ થઇ શક્યો છે.
કઠોળના વાવેતરમાં ઘટાડો
કઠોળનું વાવેતર પાછલા વર્ષે 4.90 લાખ હેક્ટર હતું. તે આ વખતે ઘટીને 3.90 લાખ હેક્ટર સુધી પહોંચી ગયું છે. તુવેરના પાને મોટો ફટકો પડ્યો છે. 2.23 સામે 2.07 લાખ હેક્ટરમાં વાવણી છે. મગનું 97 હજાર સામે 75 હજાર હેક્ટર અને અડદનું 1.53 લાખ સામે 92 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતુ. તેલિબિયાંમાં 25.55 સામે 24.07 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો છે. જોકે સારા વરસાદ થઇ ગયા છે એટલે ઉત્પાદનમાં બહુ સમસ્યા નહીં થાય એમ ખેડૂતો જણાવે છે.
એરંડાનું વાવેતર વધ્યું, ડાંગરનું ઘટ્યું
એરંડાનું સરેરાશ સાડા છ લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે. એ જોતા હજુ આવતા દિવસોમાં દોઢથી બે લાખ હેક્ટર વિસ્તાર એરંડા હેઠળ આવશે.
બીજીતરફ ગવારના વાવેતર હવે લગભગ પૂરાં થઇ ગયા છે. ગયા વર્ષના 1.05 લાખ હેક્ટર સામે 92 હજાર હેક્ટર સુધી વાવેતર પહોંચી ગયું છે. શાકભાજી અને ઘાસચારાનો વિસ્તાર આ વખતે ઓછો છે. શાકભાજીનુ પાછલા વર્ષના 2.35 સામે 2.18 લાખ હેક્ટર અને ધાસચારામાં 9.65 સામે 9.11 લાખ હેક્ટરમાં વાવેતર થઇ શક્યું છે.
દેશના કેટલાક રાજ્યોમાં ડાંગરનું વાવેતર ઘટ્યું છે, તો સરકારી ચોપડે ગુજરાતમાં વધ્યું છે. ગુજરાતમાં 8.33 લાખ હેક્ટર અર્થાત 100 ટકા વાવણી થઇ ગઇ છે. ગયા વર્ષમાં 7.89 લાખ હેક્ટર હતુ. આમ જાડાં ધાન્યોનો વિસ્તાર 12.77 સામે 13.29 હેક્ટર થઇ ચૂક્યો છે. જે અગાઉ ઘટશે તેવું જણાતું હતુ.