રૂ.26.12 કરોડના ખર્ચે બનનારા વંથલી રિવરફ્રન્ટનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે
ખાતમુહૂર્તરાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તથા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે ઓજત નદી પર 26.12 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વંથલી રિવરફ્રન્ટનુ શાસ્ત્રોક્ત વિધિનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મોદીએ જણાવ્યું કે, વંથલી રીવરફ્રન્ટ નિર્માણ પામવાથી આ વિસ્તારના પ્રવાસનને વધુ વેગ મળશે. જૂનાગઢ, સોમનાથ અને સાસણ ખાતે આવતા પ્રવાસીઓ પણ આ રીવરફ્રન્ટની પણ મુલાકાત લેશે. અહીંયા હરવા-ફરવા માટે અને આનંદ પ્રમોદની અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેથી લોકોની સુખાકારીમાં પણ વધારો થશે.
આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દીનેશભાઈ ખટારીયાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી વિકાસને વેગ મળ્યો છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓજત, ટીકર વીયર, વંથલી વીયર સહિતના જળસંચય માટેના પ્રકલ્પો વિકસાવાયા છે. ત્યારે માણાવદર, બાટવા, મેંદરડા બાદ વંથલીને એક વધુ રિવરફ્રન્ટ મળ્યો છે. આમ, રાજ્ય સરકારની આ ભેટ લોકો માટે એક નવું નજરાણું બની રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ, પ્રાંત અધિકારી અનુલ ચૌધરી, વંથલી નગરપાલિકાના હોદ્દેદારો, અગ્રણી સર્વશ્રી રાજભાઈ ચાવડા, જે.કે. ચાવડા, પી.ડી. કાચા, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને તાલુકાના સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વંથલીનો ઓજત નદીનો કિનારો બનશે રળિયામણો
રાજ્યના પ્રવાસન અને માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી એ જુનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે, દેશના જ નહીં પરંતુ દુનિયાભરના પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાય તે દિશામાં રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ કામ કરી રહ્યું છે. મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને પ્રકૃતિએ સમુદ્ર, રણ સહિતની ખૂબ વિવિધતા બક્ષી છે. જેને ધ્યાને રાખી ગુજરાતની રાજ્યની ચારેય દિશામાં પ્રવાસનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આમ, પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાથી નવી રોજગારીની તકોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
રાજ્યના પ્રવાસન વિકાસને વેગ આપવા માટે શિવરાજપુર, માધવપુર, તિથલ, ઉભરાટ સહિતના બીચ વિકસાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ બાદ સુરતમાં તાપી, ભરૂચમાં નર્મદા રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળોએ ભૌગોલિક સ્થિતિ અનુસાર પ્રવાસના સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડાંગ જિલ્લાનો મોનસુન ફેસ્ટિવલ સહિતના અનેક સ્થળો આજે અન્ય દેશોના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે વલસાડથી નારાયણ સરોવર સુધી કોસ્ટલ હાઈવેનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી પણ રાજ્યના પ્રવાસન વિકાસ એક નવી દિશા મળશે.