રાજયમંત્રી રૈયાણી-શહેર ભાજપ મહામંત્રી રાઠોડ દ્વારા ભારતીદીદીનું કરાયું સન્માન
વ્યસન સમાજનું સૌથી મોટુ દૂષણ છે. જેને જડમૂળથી છોડાવવા પાયાનો પ્રયાસ કરવો જરૂરી છે. આ વાતને રાજકોટ બ્રહ્માકુમારીઝ સંસ્થાએ પ્રોત્સાહન આપી જબરો પ્રયાસ હાથ ધર્યો હતો અને સમાજના બાળધનને વ્યસનના રાક્ષસ વિશે માહિતગાર કરીને છોડાવવાના અભિયાનના રૂપમાં ઝુંબેશ ચલાવી હતી.
મારું રાજકોટ વ્યસન મુકત રાજકોટ અભિયાન અંતર્ગત 21 જુનથી 5 ઓગષ્ટના 45 દિવસમાં રાજકોટ શહેરની 367 શાળાઓના 76,901 વિદ્યાર્થીઓને વ્યસન મુકિત જાગૃતિનો સંદેશ આપ્યો હતો. તેમજ વ્યસનમુકત રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
સંસ્થાના આ જાગૃતિ અભિયાનને બિરદાવવામાં આવ્યું હતું. તે બદલ વુમન્સ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડથી બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ઇન્ચાર્જ બ્ર.કુ.ભારતીદીદીને એવોર્ડ આપીને ગુજરાતના ટ્રાન્સપોર્ટ એન્ડ ટુરીઝમ મિનિસ્ટર અરવિંદભાઇ રૈયાણી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કે રાજકોટમાં બ્ર.કુ.સંસ્થા દ્વારા સમાજોપયોગી વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવે છે. તેમજ આ વૈશ્વિક આઘ્યાત્મિક સંસ્થા સાથે તાદાત્મય સાધીને રાજયોગના અભ્યાસ દ્વારા હજારો લોકોએ પોતાના જીવનમાં બદલાવ લાવ્યો છે અને માનવ મુલ્યોને ઉજાગર કર્યા છે.