છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ તાપીના વ્યારામાં 8 ઈંચ વરસાદ: રાજકોટ-ગીર સોમનાથ અને જૂનાગઢમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો
ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું હતું. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજ રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટની વાત કરવામાં આવે તો રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં અળધાથી લઇ બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.અમદાવાદમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે.આજે વહેલી સવારે પણ અનરાધાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં અડધા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આજે 16 ઓગસ્ટે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સોમવારે વરસાદ શરૂ થયો હતો, જે આજે મંગળવારે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
70 જળાશય હાલ હાઇએલર્ટ પર
રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો 90 ટકાથી વધુ ભરાયેલાં 70 જળાશય હાલ હાઈએલર્ટ પર છે, જ્યારે 90 ટકા સુધી ભરાયેલાં 14 જળાશય એલર્ટ પર છે. 80 ટકા સુધી ભરાયેલાં 15 જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 107 જળાશયમાં 70 ટકા જેટલું પાણી છે. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જે હવે માત્ર 3 મીટર દૂર છે.