નીતાબેન મહેતા, અબતક
“સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે”, જેવા ક્રાંતિકારી સૂત્રના પ્રણેતા, સાર્વજનિક ગણેશ મહોત્સવ ની શરૂઆત કરીને સામાજિક સમરસતા લાવનાર, આઝાદીની લડાઈ ના લડવૈયા, સ્વાતંત્ર્ય સેનાની એવા બાળ ગંગાધર તિલક નો જન્મ 23 જુલાઈ 1856 ના રોજ મહારાષ્ટ્રના કોકણ પ્રદેશ ના ચિકકન ગામમાં થયો હતો. ભારતની આઝાદીની લડતના તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.
1879 માં તેણે બીએ અને કાયદાની પરીક્ષા પાસ કરી લીધી. પરિવાર અને મિત્રો એવી આશા રાખતા હતા કે તિલક વકાલત કરી ધન કમાશે અને કુટુંબનું ગૌરવ વધારશે. પરંતુ તિલકે શરૂઆતથી જ જનતાની સેવા કરવાનો ભેખ ધારણ કર્યો હતો.
તેઓ હિન્દુસ્તાનના એક મુખ્ય નેતા, શિક્ષક અને સમાજ સુધારક હતા. તિલક ને હિન્દુ રાષ્ટ્રવાદ ના પિતા કહેવાય છે. તેમણે જ સૌથી પહેલા બ્રિટિશ રાજના સમયે પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી.અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા “ભારતીય અશાંતિના જનક” એવા નામે બોલાવતા જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માન થી “લોકમાન્ય”નું વિશેષણ આપ્યું હતું. લોકમાન્ય તિલક સ્વરાજ્યની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ, આ સૂત્ર ખૂબ પ્રસિદ્ધ થયું હતું.
લોકમાન્ય તિલકે જનજાગૃતિ નો કાર્યક્રમ પૂરો કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ અઠવાડિયું ઉજવવું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયની વિરુદ્ધ સંઘર્ષનું સાહસ પેદા થયું. તિલકના ક્રાંતિકારી પગલા થી અંગ્રેજો એ તેના પર રાષ્ટ્રદ્રોહ નો કેસ ચલાવીને છ વર્ષ માટે દેશ નિકાલનો દંડ આપ્યો અને બર્માની માંડલે જેલ માં મોકલી દીધા. જેલમાં તિલકે ગીતાનો અભ્યાસ શરૂ કર્યો અને ગીતાના રહસ્ય નામનો ભાષ્ય પણ લખ્યું. તિલકના જેલથી છૂટયા પછી જ્યારે ગીતાના રહસ્ય પ્રકાશિત થયું તો તેમનો પ્રચાર પ્રસાર આંધી તોફાનની જેમ વધ્યો અને જનમાનસ તેનાથી વધારે આંદોલિત થયું.
લોકમાન્ય તિલકે મરાઠીમાં “મરાઠા દર્પણ અને કેસરી” નામથી બે દૈનિક સમાચાર પત્ર શરૂ કર્યા, જે જનતામાં ખૂબ લોકપ્રિય થયા. આ સમાચાર પત્રમાં તિલકે અંગ્રેજી શાસનની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ની હિન ભાવનાની ખૂબ આલોચના કરી. તેમણે બ્રિટિશ સરકારને ભારતીયોને પૂર્ણ સ્વરાજ આપવાની માંગણી કરી, તેના ફળ સ્વરૂપે તેમને ઘણીવાર જેલમાં જવું પડ્યું. તિલક તેમના ક્રાંતિકારી વિચારો માટે પણ ઓળખાતા હતા.
ભારતના આ વીર સ્વતંત્રતા સેનાની એ બંગાળના ભાગલા દરમિયાન સ્વદેશી આંદોલન અને બ્રિટિશ વસ્તુઓનો બહિષ્કાર નું પૂર્ણ સમર્થન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી અને લોકમાન્ય તિલકની વિચારધારામાં અંતર હોવાથી તેઓ કોંગ્રેસના ગરમપંથી જહાલવાદી નેતા તરીકે ઓળખાવા લાગ્યા. આ દરમિયાન તેમને બંગાળના રાષ્ટ્રવાદી બીપીનચંદ્ર પાલ અને પંજાબના લાલા લજપતરાય નું સમર્થન પ્રાપ્ત થયું. ત્યારબાદ આ ત્રણેયની ત્રિપુટી લાલ, બાલ અને પાલના રૂપમાં મશહૂર થઈ ગઈ.
લોકમાન્ય તિલકે સમાજમાં ફેલાયેલા જાતિ પ્રથા અને બાળવિવાહ જેવા કુરિવાજો ના વિરોધમાં અવાજ ઉઠાવ્યો અને મહિલાઓના શિક્ષણ અને વિકાસ પર ભાર આપ્યો. આમ એક મહાન સમાજ સુધારક તરીકે તેણે કામ કર્યું.
જલિયાવાલા બાગ હત્યાકાંડ ની ઘટનાનો લોકમાન્ય તિલક ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. તેમનું સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગ્યું ત્યારબાદ તેઓ ડાયાબિટીસની બીમારી ની ઝપેટમાં આવી ગયા. 1 ઓગસ્ટ 1920 ના રોજ લોકમાન્ય તિલકે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુથી સંપૂર્ણ ભારતભરમાં અત્યંત શોખની લાગણી ફેલાઈ ગઈ. ભારત દેશે વીર સપૂત અને આઝાદીનો લડવૈયો ગુમાવ્યો.