સિટીંગ સહિત એક જ દાવેદારો હોય તેવી બેઠકોના ૯૦ ઉમેદવારો જાહેર કરવાના હતા પરંતુ કેટલાક ધારાસભ્યોએ બેઠક બદલવા, સંતાનોને ટિકિટ આપવા માંગણી કરતા મામલો પેચીદો બન્યો
ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી માટે અનેક દાવેદારોમાંથી એક બેઠક પર સર્વસંમતિથી ઉમેદવાર નક્કી નહીં થઇ શકતાં ત્રીજી ઓક્ટોબર સુધીમાં ૯૦ ઉમેદવારોના નામ જાહેર કરવાની જાહેરાતનો ફિયાસ્કો થયો છે. સિટીંગ ૪૩ ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે પરંતુ આ પૈકીના કેટલાક ધારાસભ્યોએ વર્તમાન બેઠક બદલવા તો કેટલાક ધારાસભ્યોએ પોતાના પુત્ર કે અન્ય સગાસંબંધીઓને ટિકિટ આપવાની માગ કરતાં ઉમેદવારની પસંદગીનો મામલો પેચીદો બની ગયો છે. નવી દિલ્હીમાં મંગળવારે પ્રદેશ અને કેન્દ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં સ્ક્રિનિંગ કમિટીના સભ્યોની બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં કોઈ નક્કર નિર્ણય ન લઈ શકાયો હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત દિવાળી આસપાસ થવાની ધારણા સેવાઈ રહી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે ઉમેદવારોની પસંદગી માટે નિયુક્ત કરેલી સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ઈલેક્શન કમિટી વચ્ચેની બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ત્રીજી ઓક્ટોબરે ૯૦ ઉમેદવારો જાહેર કરવાની જાહેરાત કરી હતી. બીજી ઓક્ટોબરે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવા દિલ્હી પહોંચ્યા હતા અને ત્રીજી ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલ, પ્રભારી અને સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન-સભ્યોની બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠકમાં ઉમેદવારો સિવાય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આગામી ૯થી ૧૧ની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત સહિતની ચૂંટણીલક્ષી ચર્ચા થઈ હતી. કોંગ્રેસના જાણકારો કહે છે કે, પ્રદેશ સ્તરેથી સૂચવવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં અનેક બેઠક પર ઉમેદવારો અંગે સર્વસંમતિ સાધી શકાઈ નથી. કેટલીયે બેઠક પર એક જ ઉમેદવાર દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે પરંતુ ઉમેદવાર અંગે પ્રદેશના નેતાઓમાં અલગ અલગ સૂર ઉઠી રહ્યા છે.
કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર એહમદભાઈ પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં જીત પછી કોંગ્રેસને વફાદાર ૪૩ ધારાસભ્યોને પુન: ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. હાઈકમાન્ડે પણ એહમદભાઈના નિર્ણયને લીલીઝંડી આપી દીધી હતી પરંતુ હવે કેટલાક ધારાસભ્યો તબિયત અને ઉંમરનું બહાનું આગળ ધરીને પોતાના સંતાન અથવા ભાઈ-ભત્રીજાને ટિકિટ આપવાનો આગ્રહ કરી રહ્યા છે. સિટીંગ ધારાસભ્યોમાંથી કેટલાક પ્રદેશ સ્તરના નેતાઓએ બેઠક બદલવા ઈચ્છી રહ્યા છે તો ગત ચૂંટણીમાં હારી ગયેલાં કેટલાક નેતાઓએ પોતાની પરંપરાગત બેઠકને બદલે જીતી શકાય તેવી સેફ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતાઓને જો બેઠક બદલવાની મંજૂરી આપવામાં આવે તો સ્થાનિક સ્તરે કાર્યકરોથી માંડીને આગેવાનોમાં વિરોધનો સૂર ઊઠે તેવી દહેશતને પગલે ઉમેદવારોની જાહેરાત ઘોંચમાં પડી હોવાનું મનાઈ રહ્યું છે.