હવે શિખર ધવન વાઈસ કેપ્ટન હશે
ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં હવે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. મેડિકલ ટીમે તેને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની મંજૂરી આપી દીધી છે. પહેલા આ જવાબદારી શિખર ધવનને આપવામાં આવી હતી. હવે, તે ઓપનર અને વાઈસ કેપ્ટન તરીકે સેવા આપશે. બીસીસીઆઈએ ગુરુવારે મોડી સાંજે આ જાણકારી આપી હતી. બોર્ડ તરફથી સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ’કેએલ રાહુલનું આંકલન કરાયું અને તેને ઝિમ્બાબ્વેમાં આગામી ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીમાં રમવાની મંજૂરી આપવામાં આવે છે. પસંદગી સમિતિએ તેને ટીમના કેપ્ટન બનાવ્યા છે. હવે શિખર ધવન વાઈસ કેપ્ટન હશે.
રાહુલ હર્નિયાના ઓપરેશન પછી આરામમાં હતો. તે વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીમાં રમવાનો હતો, પરંતુ કોરોના થઈ જતા તે રમી શક્યો ન હતો. રાહુલને સાજા થવામાં સમય લાગી રહ્યો હતો એટલે પહેલા તેને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ટીમમાં સ્થાન નહોંતું અપાયું. તેને ફિટ થવા માટે સમય આપવામાં આવ્યો હતો, જેથી તે એશિયા કપ સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ જાય. તબીબી ટીમે જોકે, હવે પસંદગી માટે નક્કી કરાયેલા માપદંડોમાં રાહુલ પાસ થયા પછી તેને ફિટ જાહેર કરી દીધો છે.
લોકેશ રાહુલ બધા ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે વાઈસ કેપ્ટન પદની પહેલી પસંદગી છે, એટલે તેની ઉપલબ્ધિ થવા પર ધવનને આ શ્રેણી માટે વાઈસ કેપ્ટન બનાવાયો છે. રાહુલ ટીમમાં આવવાથી ટીમના કુલ સભ્યોની સંખ્યા 16 થઈ ગઈ છે, કેમકે સિલેક્ટરોએ તેને કોઈ અન્ય ખેલાડીના સ્થાને નથી લીધો, પરંતુ રાહુલની ઉપસ્થિતિનો અર્થ છે કે, ઋતુરાજ ગાયકવાડને કદાચ જ તક મળી શકશે. આ શ્રેણી માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ અપાયો છે. બુમરાહ પીઠની ઈજામાંથી બહાર આવી રહ્યો છે અને તે 27 ઓગસ્ટથી યુએઈમાં શરૂ થનારા એશિયા કપમાં પણ નહીં રમી શકે.